Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પુર્વ મંત્રી જશાભાઇ બારડ સામે નાણાનો દુર્વ્યય કર્યાની અરજી સંદર્ભે પોલીસ તપાસ

જુનાગઢ જિલ્લા સહકાર બેંકના ચેરમેન અને બારડ ઉપરાંત તેમના પુત્ર દિલીપ બારડ અને બેંકના સીઇઓ કિશોર ભટ્ટના પણ અરજીમાં નામ

જુનાગઢ, તા., ૧૧: જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને પુર્વ મંત્રી જશા બારડ સાથે કરોડો રૂ.નો દુર્વ્યય કર્યાની અરજી સંદર્ભે પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે.

બેંકમાં જ મેનેજીંગ ડિરેકટર ડોલરાય કોટેચાએ કરેલી અરજીમાં જશા બારડ ઉપરાંત તેમના પુત્ર દિલીપ બારડ અને બેંકમાં સીઇઓ કિશોર ભટ્ટનાં નામ પણ દર્શાવવામાં આવેલ છે.

જુનાગઢ જિલ્લા સહકારી બેંકના એમડી અને ગુજરાત અર્બન કો.ઓપરેટીવ બેંક ફેડરેશનમાં ડીરેકટર શ્રી ડોલરરાય વૃંદાવનદાસ કોટેચાએ ગઇકાલે બેંકના ચેરમેન જશાભાઇ ભાણાભાઇ બારડ તથા તેમના પુત્ર સુત્રાપાડા યાર્ડના ચેરમેન દિલીપ જશાભાઇ બારડ તેમજ બેંકના સીઇઓ કિશોરભાઇ એચ.ભટ્ટ વિરૂધ્ધ જુનાગઢ બી.ડીવીઝનના પીઆઇ ઉદેશી ફરીયાદ અરજી આપી હતી.

જેમાં શ્રી કોટેચાએ ત્રણેય વિરૂધ્ધ અંગત નાણાકીય લાભ અપાવવા-મેળવવાના હેતુથી બેંકના કરોડોનાં નાણાનો લોનની માધ્યમથી કરાયેલ દુર્વ્યય સબબ ધારાસર કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા ખાતે માર્કેટીંગ યાર્ડના નિર્માણ માટે રૂ. ૧ર.૧પ કરોડની લોન મેળવવા માટે બેંકને અરજી કરાયેલ અને બેંકની એકઝીકયુટીવ કમીટીએ આવડી મોટી રકમનું ધિરાણ આપવા પાત્ર ન હોવા છતાં પ વર્ષની મુદતમાં એક સરખા છે. હપ્તાથી ભરપાઇ કરવાની શરતે રૂ. ૧ર.પપ કરોડ મંજુર કરી દેવામાં આવેલ.

સુત્રાપાડા યાર્ડને પ્રાંસલી ગામે ૪ હેકટર જમીન બાંધકામ માટે કરવી અને અવિભાજય  વિક્રમાદીત શરતે એટલે નવી અને નિયંત્રીત શરતે ફાળવવામાં આવેલ.

યાર્ડ બનાવવા માટે ફાળવવામાં આવેલ જમીન સરકારની પુર્વ મંજુરી વિના વેચાણ, ગીરો, બક્ષીસ, તબદીલ, પેટા ભાગલા, ભાગીદારી કે ફેરફાર થઇ શકશે નહી તેવી શરતે જમીન ફાળવણી કરવામાં આવેલ.

આમ છતા આ જમીન ગીરોમાં લેતી વખતે સરકારની પુર્વ મંજુરી લીધા વગર જિલ્લા બેંકે સુત્રાપાડા યાર્ડને રૂ. ૧ર.પપ કરોડની મંજુર કરી દીધેલ.

રૂ.૧ર.પપ કરોડની લોન પૈકી જમીન સમથળ કરવા અંગે રૂ. પ કરોડની જરૂરીયાત ન રહેતા મુળ લોનની રકમ ધટાડી રૂ. ૭.પપ કરોડની રહેલ છે. જેમાથી બાંધકામ કરવા માટે રૂ. ૩,૪૪, ૪૬,૦૦૦નું ભાડુ આપી દેવામાં આવેલ છે. આમ બેંકના નાણાનો દુર્વ્યય કરાતો હોય ચેરમેન સહીત ત્રણેય સામે ધોરણસરની કાર્યવાહી કરવા શ્રી કોટેેચાએ પુરાવા સાથે રજુઆત કરેલ છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ ફરીયાદ અરજી અંગે તપાસની તજવીજ હાથ ધરાઇ છે જેમાં જરૂર જણાયે ગુનો નોંધવામાં આવશે.

(4:57 pm IST)