Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ઘોડિયામાં સૂતી પુત્રીની હત્યા કરીને માતાએ જીવન ટૂંકાવ્યું

જૂનાગઢના કેશોદ તાલુકાના સાંગરસોલા ગામની ઘટના : માનસિક બીમાર મહિલા પતિ બહારગામ ગયા બાદ પાછળથી ઘરમાં એકલી હતી તે સમયે આ પગલું ભર્યું

જુનાગઢ, તા.૯ : જૂનાગઢના કેશોદ તાલુકાના સાંગરસોલા ગામે રહેતી મહિલાએ ઘોડિયામાં સૂઈ રહેલા માસુમ દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ માનસિક બીમારીથી પીડિતા માતા પતિ બહારગામ ગયા બાદ પાછળથી ઘરમાં એકલી હતી તે સમયે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, કેશોદના સાંગરસોલામાં સોનારા પરિવાર રહે છે. પરિવારના મોભી જગદીશ સોનારા ખાનગી કામથી બહારગામ ગયા હતા. જેથી તેમની પત્ની રેખાબેન (૩૦ વર્ષ) આ પગલું ભર્યું હતું. રેખાબેને પહેલા તો એક વર્ષના દીકરા ભવ્યને ઊંઘમાં જ મોત આપ્યું હતું અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. બહારગામથી પરત આવતા પતિએ ઘરનો દરવાજો ખોલ્યો પત્ની અને દીકરાની લાશ જોતા જ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

ત્યારબાદ બંનેના મૃતદેહ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ઘટના અંગે જગદીશભાઈના જણાવ્યા અનુસાર તેમની પત્નીને માનસિક બીમારી હતી, જેથી આવું પગલું ભર્યું હોવાની શક્યતા છે. પોતે બેસણાના હાજરી આપવા માટે બહારગામ ગયા ત્યારે આ ઘટના બની હતી. ઘરે આવ્યો ત્યારે દરવાજો બહારથી બંધ હતો. જેથી દરવાજો તોડીને અંદર જતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. જો કે, બંનેના મોત શંકાસ્પદ લાગતા પોલીસે પેનલ પીએમ માટે મૃતદેહ જામનગર મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં પણ એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ કાલાવડમાં માર્કેટિંગ યાર્ડની પાસે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેને હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકને દારૂ પીવાની ટેવ હોવાથી પત્ની દારૂ છોડવા માટે કહ્યું હતું. શ્રમિકના આપઘાતને પગલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

(9:10 pm IST)