Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જેતપુરમાં દારૂના દરીયામાંથી ફરી ખાબોચીયુ ઉલેચાયુઃ ૫૯૧ બોટલ ઈંગ્લીશ દારૂ બે રેડ દરમિયાન પકડી પાડતી પોલીસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૦ :. શહેરમાં ઈંગ્લીશ દારૂનો દરીયો વહેતો હોય તેમ છેલ્લા થોડા સમયમાં મોટા જથ્થામાં દારૂ પકડાયો છતા હજુ બંધ થવાનુ નામ લેતો નથી. ગત રોજ ફરી બે રેડ દરમિયાન ૫૯૧ બોટલ રૂ. ૨.૩૮ લાખનો દારૂ પકડી પાડયો હતો.

શહેરના જૂના પાંચપીપળા રોડ જનતાનગર-૨ વિસ્તારમાં રહેતો મેહુલ દેવાતકા નામનો શખ્સ પોતાના મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ગતરાત્રીના જૂના પાંચપીપળા રોડ ઉપર આવેલ મેહુલ નરેશભાઈ દેવાતકાના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેડ કરતા તેની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૩૦૦ મળી આવતા શહેર પોલીસે મેહુલની દારૂની બોટલો કિં. ૧,૧૫,૨૦૦ના મુદામાલ સાથે અટક કરેલ.

અન્ય રેડમાં ભાદરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો અશ્વિન વેગડા નામના શખ્સે મનીષ પરમારના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો સંતાડયો હોય તેવી ચોક્કસ બાતમીના આધારે શહેર પોલીસે ભાદરના સામાકાંઠા, જનમંગલ સોસાયટીમા રહેતા મનીષ ગાંડુભાઈ પરમારના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેડ કરતા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૨૯૧ કિં. રૂ. ૧,૨૩,૩૦૦નો મળી આવતા મનીષ પરમારની દારૂની બોટલો સાથે અટકાયત કરી દારૂ અંગે પુછપરછ કરતા તે દારૂનો જથ્થો અશ્વિન વિનુભાઈ વેગડા (રહે. ભાદરના સામાકાંઠા)એ રાખવા આપેલ હોવાનું જણાવેલ.

પોલીસે બન્ને રેડ દરમિયાન ૫૯૧ બોટલ ઈંગ્લીશ દારૂ કિં. રૂ. ૨,૩૮,૫૦૦ના મુદામાલ સાથે બે શખ્સોને પકડી પાડેલ, જ્યારે એક શખ્સ હાજર ન મળી આવેલ હોય તેને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા જ સમયમા ફરી આવડો મોટો દારૂનો જથ્થો ઝડપાયો છે. પ્રબુદ્ધ લોકો ચર્ચી રહ્યા છે કે આટલો બધો દારૂ શહેરમાં હવામાંથી તો આવતો નથી તો ચેકપોસ્ટ ઉપર કેમ નથી પકડાતો ? અને શહેરમાં આવડો મોટો જથ્થો લાવનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આજની પેઢી દારૂના વ્યસનથી દૂર રહે.

(1:33 pm IST)