Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પોરબંદરના નોટરી કરીમભાઇ ડી. પીરઝાદાનું નોટરી પ્રમાણપત્ર રદ :કાયમી ધોરણે નોટરી તરીકે ડીબાર કર્યા

નોટરીના વ્યવસાય સંબંધિત ગેરવતર્ણૂકના આક્ષેપની તપાસ બાદ સક્ષમ સત્તાધિકારીના અહેવાલને ધ્યાનમાં લઇને સરકારે હુક્મ કર્યો

અમદાવાદ :પોરબંદરના નોટરી કરીમભાઇ ડી. પીરઝાદાનું નોટરી પ્રમાણપત્ર રદ કરી કાયમી ધોરણે નોટરી તરીકે ડીબાર કરવાનો રાજયના કાયદા વિભાગે નિર્ણય કર્યો છે. નોટરી અધિનિયમ 1952ની કલમ 10 ( ડી )ની જોગવાઇ મુજબ આ અધિનિયમની કલમ 4 હેઠળ નિભાવવામાં આવતાં રજીસ્ટરમાંથી તેઓનું નોટરી તરીકેનું નામ દૂર કરવામાં આવ્યું છે.

નોટરી અધિનિયમ 1952 અને તે હેઠળ ઘડેલા નોટરી નિયમો 1956 અન્વયે એડવોકેટ કરીમભાઇ ડી. પીરઝાદાને પોરબંદ જિલ્લા તથા તાલુકા માટે નોટરી પબ્લિક તરીકે નોટરી રજી. નં. 412/2002થી તા.5-7-2002ના રોજ નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ નોટરીના વ્યવસાય સંબંધિત ગેરવતર્ણૂકના આક્ષેપ બાબતે રાજનભાઇ દામોદરભાઇ કિલ્લાકરે ફરિયાદ કરી હતી. આ ફરિયાદની સરકાર દ્રારા સક્ષમ સત્તાધિકારીને તપાસ સોંપી હતી. સક્ષમ સત્તાધિકારીએ ફરિયાદી રાજનભાઇ તથા નોટરી પીરઝાદાએ રજૂ કરેલી મૈખિક તેમ જ લેખિત પુરાવાને ધ્યાને લઇને 21-11-2014ના રોજ સરકારને તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલના પગલે સરકાર દ્રારા તેઓનું નોટરી પ્રમાણપત્ર રદ કરવા પરત્વે 3-12-2014ના રોજ અધિસૂચનાથી પ્રસિધ્ધ કર્યું હતું.

તેનાથી નારાજ થઇને નોટરી પીરઝાદાએ હાઇકોર્ટમાં રીટ કરી હતી. જેમાં હાઇકોર્ટે 12-2-2016ના હુક્મથી જો સરકારને કેસની હકીકતો જોતાં કાર્યવાહી જરૂરી જણાય તો પીટીશન સામે નવી કાર્યવાહી હાથ ધરી શકશે તેવા હુક્મ સાથે 3-12-2014ની અધિસૂચનાને સેટ એસાઇડ કરી હતી. આ હુક્મ સામે સરકાર દ્રાર લેટર્સ પેટન્ટ અપીલ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે પીરઝાદાને જો તેઓ કાંઇ રજૂઆત કરવા માંગતા હોત તો તેમને સક્ષમ સત્તાધિકારીનો રિપોર્ટ આપી તે પરત્વે સાંભળી નિર્ણય લેવા હુક્મ કર્યો હતો.

આથી પીરઝાદાને સક્ષમ સત્તાધિકારીનો રિપોર્ટ આપી તે પરત્વે તેઓની કોઇ રજૂઆત હોય તો તે સાંભળવા અર્થે ન્યાયના હિતમાં જરૂરી અને વાજબી તક આપી સાંભળ્યા હતા. બાદમાં સક્ષમ સત્તાધિકારીએ 14-6-21ના રોજનો અહેવાલ સરકારમાં રજૂ કર્યો હતો. આ અહેવાલમાં કે.ડી. પીરઝાદાએ આચરેલ ગંભીર પ્રકારની ગેરવર્તણૂંક અને ગેરશિસ્ત સ્પષ્ટપણે પુરવાર થતાં નોટરી નિયમો 1956ના નિયમ મુજબ સરકારે તેઓનું નોટરી પ્રમાણપત્ર રદ કરી કાયમી ધોરણે નોટરી તરીકે ડીબાર કરવાનો નિર્ણય કર્યો છે

(11:20 pm IST)