Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કચ્‍છમાં આરટીઓની બોગસ રસીદ બનાવી જપ્‍ત કરાયેલ વાહન છોડાવનાર ઝડપાયો

આરટીઓના ચોપડે એક રસીદનું કૌભાંડ જયારે પોલીસ ચોપડે ૩૩ રસીદનું કૌભાંડ : પ્રાથમિક તપાસમાં સરકારને ૧.૯૩ લાખનો ધૂંબો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૦:  રાજય સરકાર કે વાહનવ્‍યવહાર મંત્રી ગમે તેટલી ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો કરે પણ કચ્‍છ જિલ્લાની આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચારનું ભૂત કોઈને પણ ગાંઠતું નથી. ભુજ સહિત જિલ્લાના અન્‍ય સ્‍થળોએ બોગસ વાહન પાસીંગ તેમ જ જપ્ત કરાયેલા વાહનો છોડાવી સરકારની તિજોરીને કરાઈ રહેલ લાખો રૂ.નું કૌભાંડ ચર્ચામાં છે. પણ, ગાંધીનગરની ટીમો પણ કચ્‍છ જિલ્લા આરટીઓ તંત્રની તપાસમાં કશું ઉકાળી શકી નથી.

આ બધા વચ્‍ચે લાકડીયા (ભચાઉ) પોલીસે આરટીઓની બોગસ રસીદ બનાવીને વાહન છોડાવવા બાબતે ભાવેશસિંહ મહિપતસિંહ જાડેજા (મૂળ રાપર હાલે ગળપાદર, ગાંધીધામ) ને ૬૫ હજારની રોકડ રકમ સાથે ઝડપી પાડયો છે. આરટીઓ દ્વારા જપ્ત કરાયેલ વાહન લાકડીયા પોલીસ મથકેથી બોગસ રસીદ દ્વારા છોડાવવાનું આ કૌભાંડ મોટું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું છે. આરટીઓ દ્વારા માત્ર એક જ બાઈક બોગસ રસીદ બનાવી છોડાવી ગયાનું જણાવાયું છે. જયારે લાકડીયા પીઆઈ આર.આર. વસાવાના જણાવ્‍યા પ્રમાણે ઈ ચલણ વેબ સાઈટ ઉપરથી માત્ર એક નહીં પણ ૩૩ વાહનો બોગસ રસીદ દ્વારા છોડાવાયા છે.

આરોપી ભાવેશસિંહ મહીપતસિંહ જાડેજા બોગસ આરટીઓ એજન્‍ટ બની ગાંધીધામ સુંદરપુરી માં ઓફિસ ચલાવે છે. તેણે વચેટિયા એજન્‍ટો રાખ્‍યા હતા. કોમ્‍પ્‍યુટર ઉપર બોગસ રસીદ બનાવી આરોપી દ્વારા અત્‍યાર સુધી સરકારને ૧.૯૩ લાખનો ધૂંબો મારવામાં આવ્‍યો છે. પોલીસે ત્રણ દિવસના રિમાન્‍ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે

(11:52 am IST)