Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મીઠાપુર સુરજકરાડીમાં ટાયરની દુકાનમાં આગ ભભુકી : બાજુની ૨ દુકાનને પણ અસર

તાબડતોબ કાબુમાં લઇ લેવાતા આજુબાજુમાં લાકડાની દુકાનો હોવાથી મોટું નુકસાન થતાં અટકયું

 (દિવ્યેશ જટાણીયા દ્વારા) મીઠાપુર તા. ૧૦ : ઓખામંડળ તાલુકાના મીઠાપુર સુરજકરાડી નજીક આવેલા સત્યમ સિનેમાની બાજુમાં આવેલી એક ટાયરની દુકાનમાં ગત રાત્રે અંદાજે ૧૧.૪૫ વાગ્યા આસપાસ અચાનક જ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ બનાવની જાણ મીઠાપુર પોલીસના એલઆઈબી ડીપાર્ટમેન્ટના મનસુખભાઈ ચાવડા ને થતાં જ તેઓ દ્વારા તાત્કાલિક સ્થળે પહોંચી સૌ પ્રથમ આગ લાગેલી દુકાન પરથી પસાર થતા વીજ વાયરોને લીધે વધુ નુકશાનના થાય તે માટે ઓખા પી.જી.વી.એસ.એલ કચેરી એ જાણ કરી વીજ પ્રવાહ બંધ કરાવી તાત્કાલિક મીઠાપુર ટાટા કેમિકલ્સ ન તથા ઓખા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી.

મીઠાપુર પીઆઈ જી.આર.ગઢવી પણ તાત્કલિક પોતાના પોલીસ સ્ટાફ સાથે તુરંત જ ઘટનાસ્થળે પહોચી રોડની બંને બાજુના વાહનોને થોડા સમય માટે રોકી મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. જોતજોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પરંતુ મીઠાપુર ટાટા કેમિકલ્સ ના ફાયર ફાયટરો દ્વારા તુરંત જ પહોંચી આગને કાબુમાં લઇ લીધી હતી. નાના એવા આ ગામમાં આવાઆગના બનાવથી રાત્રે પણ લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા.

સત્યમ સિનેમાની બાજુમાં આવેલી આ બધી દુકાનો લાકડાની હોય જો તાત્કાલિક કોઈને આ આગ લાગવાની માહિતીના મળી હોત તો આનાથી પણ વધુ નુકશાન થઇ શકે તેમ હતું પરંતુ સદનસીબે આવું કઈ બન્યું ના હતું. પ્રાપ્ત વિગતો મુજબ લગભગ ર દુકાનોમાં આગને કારણે નુકશાન થયું હોય તેવા અહેવાલ છે.

(11:40 am IST)