Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના યાત્રાના મંડાણ

પેટ્રોલ - ડિઝલના ભાવવધારા સામે ભભૂકતો આક્રોશ : મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર

ઉપલેટા ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે આંદોલન કરીને રોષ ઠાલવ્યો હતો. (તસ્વીર : નિમેષ ચોટાઇ, ઉપલેટા)

રાજકોટ તા. ૮ : કોંગ્રેસ દ્વારા ગઇકાલથી મોંઘવારીના વિરોધમાં જન ચેતના યાત્રા સાથે આંદોલનના મંડાણ કર્યા છે.

વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ મોઢવાડીયા સહિત કોર કમિટિના ૩૫ સભ્યોની આગેવાનીમાં આંદોલન શરૂ કરાયું છે.

ઉપલેટા

જન ચેતના રેલીના ભાગરૂપે ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા વધતા જતા ભાવવધારાના વિરોધમાં ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોકથી કોંગી આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી જન આક્રોશ રેલી કાઢવામાં આવેલ હતી. બસ સ્ટેન્ડ ચોકથી શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી ફરી બાદમાં ઉપલેટા મામલતદાર સાહેબને આવેદન પત્ર પાઠવી જણાવેલ કે કોરોના બાદ અત્યારના સમયે ગરીબ અને મધ્યમવર્ગો માટે ઘર ચલાવવું અઘરૂ સાબિત થઈ રહયુ છે. સતત વધતા જતા પેટ્રોલ–ડિઝલના ભાવથી પરીવહન ક્ષેત્રે મોટી સમસ્યા સર્જાય છે પરીવહન મોંધુ બનતા અન્ય જરૂરીયાતોમાં પણ મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. હજુ કોરોના બાદ લોકોના વ્યવસાય ધંધા રોજગાર ફરીથી સેટ થયા નથી અને ઉપરથી ૨૫ થી ૩૦ ટકા જેટલી મોંઘવારીનો માર લોકો ઉઠાવવા મજબુર બન્યા છે. ત્યારે બસ એટલુંજ કહિ શકાય કે ભા.જ.પ સરકાર ને ન તો મોંઘવારીનું ભાન છે કે ન તો ગરીબ લોકોનું કલ્યાણ કોઈના કોઈ રૂપે સરકાર જનતા પાસેથી ટેકસના નામે ધરણા કરી લોકોને બરબાદ કરી રહ્યા છે.

આમ ઉપરોકત બાબતે સતત વધતી જતી મોંઘવારીના મુદ્દે દેશભરમાંથી રોષ ભભુકી ઉઠયો છે. અને આ રોષને દેશભરમાં પ્રકાશીત કરવા માટે કોંગ્રેસ વિરોધ નોંધાવી રહી છે. તેમના ભાગરૂપે આજે ઉપલેટા શહેરમાં વધતી જતી મોંઘવારીના મુદ્દે મામલતદાર સામે આવેદન પત્ર રજુ કરી પ્રજાના હીતમાં અને લોકોનું કલ્યાણ થાય તેવી અપેક્ષાઓ રાખીએ છીએ.

ઉપરોકત રેલીમાં ધારાસભ્ય લલીતભાઈ વસોયા લાખાભાઈ ડાંગર કૃષ્ણકાંત ચોટાઈ લક્ષ્મણભાઈ ભોપાળા કમલેશભાઈ વ્યાસ હરદેવસિંહ વાળા સહિતના કોંગી કાર્યકરો જોડાયા હતા.

(11:01 am IST)