Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

સોમનાથ મંદિરના 72 માં સ્થાપના દિવસની થઇ ઉજવણી :મહાદેવને વિશેષ શૃંગાર કરાયો

ઉજવણીમાં જનરલ મેનેજર, પૂજારી, ટ્રસ્ટના કર્મચારીઓ અને સ્થાનિક તીર્થ પુરોહિતો જોડાયા : 11 મે 1951ના દિવસે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરના ગર્ભગૃહનું ઉદ્ઘાટન કર્યું હતું.

સોમનાથ મંદિરના 72મા સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી છે.આ પ્રસંગે મહાદેવની મહાપૂજા, સરદાર વંદના, દિપમાળા, વિશેષ શૃંગાર કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.મંદિરના સ્થાપના દિવસની ઉજવણીમાં જનરલ મેનેજર, પૂજારી, ટ્રસ્ટના કર્મચારીઓ અને સ્થાનિક તીર્થ પુરોહિતો જોડાયા હતાં‌.ઉલ્લેખનીય છે કે, 11 મે 1951ના દિવસે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે સોમનાથ મંદિરના ગર્ભગૃહનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ ઉપરાંત આગામી દિવસોમાં સોમનાથ મંદિરમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ શરૂ થશે.મહાદેવની આરાધના કરતા પૂજારીઓ હવે વ્યવહારિક કામોમાં પણ સંસ્કૃત ભાષા વાપરશે.સોમનાથ મંદિરના પુરોહિતો માટે 15 દિવસના સંસ્કૃત સંભાષણ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે.જેમાં પૂજારીગણ અને ઋષી કુમારો માટે સવાર અને સાંજના સમયે બે વર્ગો યોજાશે. જેના થકી દેશ-વિદેશમાંથી સોમનાથ આવતા યાત્રિકો સાથે મંદિરના પૂજારી સંસ્કૃતમાં સંભાષણ કરશે.સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સોમનાથ મંદિરના પુરોહિતો, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ માટે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાયું છે. ત્યારે હવે સોમનાથ મંદિરના પૂજારીગણ સંસ્કૃત ભાષામાં પ્રત્યાયન કરીને ગર્ભગૃહની શોભામાં અભિવૃદ્ધિ કરશે.

   
 
   
(12:08 am IST)