Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

જામનગરના યુવા ખેડૂતે ઇ-ટ્રેકટર બનાવ્‍યું : બેટરી સંચાલિત ટ્રેકટર ઝીરો બજેટ ખેતી માટે આશિર્વાદરૂપ

ᅠજામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામ ના મહેશભાઈ ભૂત નામના યુવાન ખેડૂતે બેટરી સંચાલિત ઈ-ટ્રેક્‍ટર બનાવ્‍યું છે. તેને જોવા માટે ખેડૂતો ઉમટી રહ્યા છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૬ : કારમી મોંઘવારી વચ્‍ચે પેટ્રોલ-ડીઝલના ભાવો વધી રહ્યા છે. ત્‍યારે જ જામનગરના કાલાવડ પંથકના ખેડૂતે કોઠાસૂઝથી નવો આવિષ્‍કાર કર્યો છે. ખેતીમાં ઉપયોગ માટે બેટરી સંચાલિત વ્‍યોમ ટ્રેક્‍ટર બનાવી યુવા ખેડૂતે નવી રાહ ચીંધી છે.
કહેવાય છે ને કોઠાસૂઝ લોકોને ક્‍યાંથી ક્‍યાં પહોંચાડે છે. મોંઘવારીના જમાનામાં ખેડૂતો આસાનીથી ઓછા ખર્ચે ખેતી કરી શકે તે માટે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલા પીપર ગામના યુવા ખેડૂત મહેશભાઈ ભૂત બેટરી સંચાલિત ટ્રેક્‍ટર બનાવ્‍યું છે. પોતાની જાત મહેનતથી બનાવેલ ઇલેક્‍ટ્રિક બેટરી સંચાલિત ટ્રેકટરને જોવા માટે ખેડુતો પણ ઉમટી રહ્યા છે. કાલાવડ તાલુકાના પીપર ગામના વતની અને ખેડૂત પુત્ર મહેશભાઈ કેશુભાઈ ભુતે પોતાની ૩૪ વર્ષની ઉંમરમાં ટીવાયબીકોમનો અભ્‍યાસ પૂર્ણ કરી ઈ-રીક્ષા કોર્ષ કરી ગવર્મેન્‍ટ એપ્રુવ્‍ડ આઈએસઓ સર્ટીફીકેટ પણ પ્રાપ્ત કરેલ છે.
છેલ્લા ઘણા સમયથી મોંઘવારી વચ્‍ચે ખેતીમાં ખર્ચ ઘટાડવાના હેતુથી તેઓને ઈલેકટ્રીક બેટરી સંચાલીત ટ્રેકટર બનાવવાનો વિચાર આવ્‍યો હતો અને પોતાની કોઠાસુઝથી બેટરી સંચાલીત ટ્રેકટર બનાવ્‍યું છે. યુવા ખેડૂત મહેશભાઈએ બનાવેલ ટ્રેકટર ૨૨ એચપી જેટલી તાકાત ધરાવે છે. જેમાં ૭૨ વોટ ની લિથિયમ બેટરી આપવામાં આવી છે. કે જે સારી ગુણવત્તા વાળી અને એપ્રુવડ બેટરી છે જેથી તેને વારંવાર બેટરી બદલવાની ઝંઝટ રહેતી નથી. આ બેટરી ૪ કલાકમાં ફુલ ચાર્જીંગ થઈ જાય છે અને સતત ૧૦ કલાક સુધી ચાલે છે. આ ટ્રેકટર બનાવવામાં ભરપૂર ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે. આજના આધુનિક યુગમાં આ ટ્રેકટરની ખાસ વિશેષતા એ છે કે, ખેડુતના મોબાઈલ સાથે પણ ટ્રેક્‍ટર કનેકટ થઈ જાય છે. જે મોબાઈલથી ટ્રેકટરની સ્‍પીડ પણ કંટ્રોલ કરી શકે છે.ખેતરમાં ખેડતા સમયે ટ્રેકટર દબાતુ હોય તો કરંટ વધારી સારું પરફોર્મન્‍સ પણ મેળવી શકાય છે.
ગ્‍લોબલ વોર્મિંગની સમસ્‍યા વચ્‍ચે ખેતી માટે બનાવાયેલા આ ખાસ બેટરી સંચાલિત ટ્રેક્‍ટર થકી કોઈ પ્રદુષણ પણ ફેલાતું નથી. આ ઉપરાંત ટ્રેક્‍ટર માં ફોટો કોલિંગ મોટર મૂકવામાં આવી છે જેને લઇને ટ્રેકટરમાં પાણીની જરૂરીયાત રહેતી નથી. સાદુ સ્‍ટેરીંગ સાથેના આ ટ્રેકટરથી ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કામમાં વાવણી, શાહની ખેડ, દાંતી, રાપ, પંચીયું, પાછળ પીટીપો હોવાથી તમામ જણસીના પ્રેસર પણ ચલાવી શકે તે હેતુથી વિશેષ કાળજી સાથે તૈયાર કરવામાં આવ્‍યું છે.
આવનારા સમયમાં ખેડૂત આ બેટરી સંચાલીત ટ્રેકટર વસાવે તો તે જીરો મેન્‍ટેનેસમાં પોતાની ખેતી કરી શકે છે. જો ખેડૂત ડીઝલ ટ્રેકટરથી ખેતી કરે તો તેને દર એક કલાકે ૧૦૦ થી ૧૨૫ સુધીનો ખર્ચ લાગે છે. કારણ કે તેમાં ઓઈલ ડીઝલ સહિતનો વેરેન્‍ટેઝ અને ખર્ચ પણ વધુ લાગે છે. જયારે આ બેટરી સંચાલીત ટ્રેકટરમાં ખેડૂતને દર એક કલાકે માત્રને માત્ર ૧૫ થી ૨૦ રૂપિયાનો જ ખર્ચ લાગે છે. જેથી તેનો ખેતીમાં પણ ખર્ચ ઘટી રહ્યો છે. હાલના વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વચ્‍ચે યુવા ખેડૂત મહેશભાઈએ બનાવેલ બેટરી સંચાલીત ‘વ્‍યોમ ટ્રેકટર' સસ્‍તુ અને બીન ખર્ચાળ થાય છે.આ બેટરી સંચાલીત ટ્રેકટર હાલ અંદાજીત સાડા પાંચ લાખ રૂપિયાની આજુબાજુમાં બનાવવામાં આવ્‍યું છે. પરંતુ જો સરકાર આ બેટરી સંચાલીત ટ્રેકટરમાં સબસીડી જેવી યોજનાઓ લાગુ કરે તો આ ટ્રેકટર ત્રણથી સાડા ત્રણ લાખમાં ખેડૂતને પડે તો ખેડૂતને સારો લાભ મળી શકે છે.
કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત પુત્ર મહેશભાઈ કેશુભાઈ ભૂતે પોતે પોતાના ગામ પીપર મુકામે જ પોતાની વાડીએ જ પોતાની કોઠાસુઝથી બનાવેલ છે. જે ટ્રેકટરનું નામ વ્‍યોમ આપેલ છે. આ બેટરી સંચાલીત ટ્રેકટર જોવા માટે અનેક ખેડૂતો જોવા માટે ઉમટી રહ્યા છે.

 

(3:05 pm IST)