Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

આજે સોમનાથ મહાદેવ પ્રાણપ્રતિષ્‍ઠા દિન

કરોડો ભારત-વિશ્વાસીઓની શ્રધ્‍ધા-રાષ્‍ટ્રના માનબિંદુ અને અસ્‍મિતા સમા : તત્‍કાલીન ભારતના રાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્રપ્રસાદના વરદ હસ્‍તે જે મંદિરે દિવ્‍ય ભારતના બાર જયોતિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્‍ઠા કરાઇ છે

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા.૬ : ભારતના જયોતિલિંગ પ્રથમ અને કરોડો ભારતવાસી તથા વિશ્વ શ્રધ્‍ધાળુઓના આસ્‍થા કેન્‍દ્ર તેમજ રાષ્‍ટ્રના માનબિંદુ સમા સોમનાથ મહાદેવ મંદિરનો આજ વૈશાખ સુદ પાંચમે આજે  ૭રમો પાટોત્‍સવ છે.
૧૧ મે ૧૯પ૧ વિ.સ.ર૦૦૭ના વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે ૯ કલાક ૪૬ મીનીટે ભારતના તત્‍કાલીન રાષ્‍ટ્રપતિ ડોકટર રાજેન્‍દ્રપ્રસાદના શુભહસ્‍તે હાલના જયોતિલિંગની પ્રાણ પ્રતિષ્‍ઠા કરાઇ હતી.
૧૧ મે ના રોજ ટ્રસ્‍ટ પાટોત્‍સવ ઉજવે છે. સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જે.ડી.પરમાર કહે છે કે, પ્રતિષ્‍ઠા સમયે તત્‍કાલીન રાષ્‍ટ્રપતિએ શિવલિંગના તળભાગે રાખેલી સુવર્ણ શલાકા ખસેડીને શિવલિંગ સ્‍થાપિત કરી પ્રાણ પ્રતિષ્‍ઠા કરવામાં આવી હતી. ત્‍યારે ૧૦૮ તીર્થસ્‍થાનોના અને સાત સાગરના જળથી શિવલિંગનો અભિષેક કરવામાં આવ્‍યો હતો અને એ ધન્‍ય પળે ૧૦૧ તોપોના ગગનભેદી નાદસાથે મંદિરમાં ઘંટનાદ થયો હતો.
શિવપ્રસાદ નિર્માણના અધિકૃત ગ્રંથ દીપાર્ણવમાં ઉલ્લેખ છે કે, આવુ શિવલિંગ સર્વલિંગોમાં શ્રેષ્‍ઠ છે. ગર્ભગૃહ સુવર્ણ મંડિત છે અને દ્વારો - દ્વારશાખ તથા આગળના સ્‍થંભો સુર્વણ મઢેલા છે. મંદિરના સાત માળ છે.
સોમનાથ મંદિર નિર્માણએ સદીની મોટી ઘટના ઇતિહાસમાં નોંધાઇ છે. પ્રાચીન યુગથી વર્તમાન યુગ સુધી વારંવાર આક્રમણ વિસર્જન - સર્જન - આસ્‍થા - રાજવીઓ શહિદોને સમર્પણ અને શિલ્‍પકલાનો બેનમુન શિવાલય અને સરદાર વલ્લભભાઇ પટેલના પ્રદાનનું જીવંત સાક્ષી આ શિવાલય દર્શન પુજાવિધીથી વર્તમાન યુગમાં દેશ - વિશ્વમાં સાત સમંદર પાર ઓનલાઇન સોશ્‍યલ મીડીયા માધ્‍યમથી પહોંચે છે.

 

(10:54 am IST)