Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

કચ્‍છના હરામીનાળા વિસ્‍તારમાંથી બીએસએફ જવાનોએ પાકિસ્‍તાની ફિશીંગ બોટ ઝડપી લીધીઃ માછીમારો નાશી છૂટયાઃ માછીમારીના સાધનો-માછલીઓ જપ્‍ત કરાઇ

સુરક્ષા એજન્‍સી વધુ સતર્ક બની છતાં કાદવવાળા જમીનનો લાભ લઇને પાકિસ્‍તાનની સરહદમાં પહોંચી ગયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ: પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ગુજરાતના દરિયાકાંઠે ગેરકાયદેસર પ્રવૃતિઓનો અનેક વખત પર્દાફાશ થઈ ચૂક્યો છે. પાકિસ્તાન ક્યારેક ડ્રગ્સ, તો ક્યારેક આતંકવાદીઓને ગુજરાતના દરિયાકાંઠેથી ઘૂસાડવાનો પ્રયાસ કરતું હોય છે. પરંતુ દરેક વખત પાકિસ્તાન ઉંઘા મોઢે પછડાય છે. ત્યારે BSF જવાનોએ હરામીનાલા વિસ્તારમાંથી પાક. ફિશિંગ બોટ જપ્ત કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગત મોડી સાંજે (03 એપ્રિલ 2022) ભુજ BSF એ  પેટ્રોલિંગ દરમ્યાન 02 પાકિસ્તાની માછીમારી બોટ અને 4-5 પાકિસ્તાની માછીમારો જોવા મળ્યા હતા. પાકિસ્તાની માછીમારોએ બીએસએફના પેટ્રોલિંગને તેમની તરફ આવતા જોયા બાદ ભેજવાળી જમીનનો લાભ લઈને પાકિસ્તાની વિસ્તારમાં ભાગી છૂટયા હતા. BSF પેટ્રોલિંગ ટીમે આ માછીમારોને પીછો કરી 1 પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી હતી. બોટની સઘન તપાસમાં શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. BSFને પાકિસ્તાની બોટમાંથી માછલીઓ, માછીમારીની જાળ અને માછીમારીના સાધનો ઝપ્ત કર્યા છે.

નોંધનીય છે કે, BSF ભુજની પેટ્રોલ પાર્ટી બોર્ડર પિલ્લર નં- 1164 નજીક હરામી નાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. બોર્ડર પિલ્લર નં- 1160 પાસે 2 પાકિસ્તાની ફિશિંગ બોટ અને 4-5 પાકિસ્તાની માછીમારોની હાજરીને ધ્યાનમાં લઈને BSFની પેટ્રોલ પાર્ટી ત્યાં પહોંચી હતી. જોકે, માછીમારોએ BSFને આવતા જોઈને તેઓ સતર્ક બની ગયા હતા અને કાદવવાળી જમીનનો લાભ લઈને તાત્કાલિક પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા હતા.

હાલ તે સમગ્ર વિસ્તારની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

(4:40 pm IST)