Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મોરબીના રફાળેશ્વર પાસે સીરામીક કારખાનામાંથી ૧૦ લાખના ઇલેકટ્રીક કાર્ડની ચોરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૪ :  મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ સિરામિક કારખાના પ્રેસ વિભાગમાં મૂકવામાં આવેલ ૧૦ ઈલેક્‍ટ્રીક કાર્ડ જેની કિંમત ૧૦ લાખ રૂપિયાના મુદ્દામાલની કોઈ અજાણ્‍યો શખ્‍સ ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગર બ્‍લોક નંબર ૧૭ માં રહેતા મનોજભાઈ ત્રંબકભાઈ ફેફર જાતે પટેલ (૩૨) નું મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ દરિયાલાલ હોટલની પાછળના ભાગમાં ક્રિષ્‍ના વોલ એન્‍ડ ગ્‍લેજ ટાઈલ્‍સ પ્રાઈવેટ લિમિટેડ નામનું કારખાનું આવેલ છે જે કારખાનામાં આવેલા પ્રેસ વિભાગની અંદર તા ૧/૪ ના રોજ રાત્રિના સમયે કોઇ અજાણ્‍યા શખ્‍સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્‍યો હતો અને પ્રેસ વિભાગમાં મૂકવામાં આવેલ ઈલેક્‍ટ્રીક કાર્ડ ૧૦ નંગ જેની કિંમત ૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા મનોજભાઈ ફેફર દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે અજાણ્‍યા શખ્‍સ સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે. 

(1:00 pm IST)