Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કાલે ગાંધી જયંતિ

કાલે ૨ ઓકટોબરના પૂ.મહાત્મા ગાંધીનાં એકસો એકાવનમાં જન્મદિનની ઉજવણી થશે. એમના સમગ્ર જીવનકાળ દરમીયાન તેમણે વ્યકત કરેલ વિચારોનું દોહન કરી અનમોલ રત્નો અહીં પ્રસ્તુત છે.

* પાપો બધા ગુપ્ત રીતે જ થતાં હોય છે. જે પળે આપણને એમ સમજાય કે ઈશ્વર આપણા વિચારોનો પણ સાક્ષી છે તે જ પળે આપણે મુકત થઈ જઈશું.

* સફળતા કે નિષ્ફળતા આપણા હાથમાં નથી. આપણે આપણું કામ બરાબર કરીએ એ પુરતુ છે. આપણે કેવળ પ્રયત્ન જ કરવાનો છે. અંતે તો તેનું ધાર્યું થવાનું છે.

* હું કેવળ સત્યનો જ શોધક છું. સત્યનો માર્ગ શોધ્યાનો મારો દાવો છે. એને શોધવા માટે અવિરત પ્રયત્ન કર્યા કરવાનો મારો દાવો છે. પણ હું કબૂલ કરૃં છું કે આજ દિન સુધી મને સત્ય લાધ્યું નથી.

* હું કેવળ સત્યનો જ ભકત છું અને સત્ય સિવાય બીજા કશાનું અનુશાસન સ્વિકારતો નથી.

* મારે મન ઈશ્વર એ સત્ય અને દયા છે, નીતિ છે, અભય છે, ઈશ્વર પ્રકાશ તથા આનંદનું ધામ છે.

* અહિંસા મારો ઈશ્વર છે અને સત્ય મારો ઈશ્વર છે. હું જયારે અહિંસાને શોધું છું ત્યારે સત્ય કહે છે, ''એને મારા દ્વારા પામ'' હું જયારે સત્યને શોધુ છું ત્યારે અહિંસા કહે છે, ''એને મારા દ્વારા પામ''

* મેં... ભારત સમક્ષ આત્મભોગનો પ્રાચીન ધર્મ રજુ કરવાની હિંમત કરી છે, કેમ કે સત્યાગ્રહ અને એના ફાટા રૂપ અસહકાર અને સવિનય પ્રતિકારએ દુઃખ સહન કરવાના ધર્મનાં નવાં નામો સિવાય બીજું કશું નથી.

* જો માણસમાં... અભિમાન અહંકાર હોય તો ત્યાં અહિંસા નથી. નમ્રતા સિવાય અહિંસા અશકય છે.

* પશુતાનો પશુતાથી જવાબ વાળવામાં આપણે આપણા નૈતિક અને બૌધ્ધિક દેવાળાનો સ્વીકાર કરીએ છીએ અને એમાંથી કેવળ વિષચક્ર જ જન્મે છે.

* આવતીકાલનું જગત અહિંસા પર આધારિત સમાજ હશે, હોવો જોઈએ એમાં મને જરા જેટલી શંકા નથી.

* જીવન અને મૃત્યુએ બંને મહાન રહસ્યો છે. મૃત્યુ જો બીજા જીવનની પ્રસ્તાવના ન હોય તો વચ્ચેનો ગાળોએ ક્રૂર વિડંબના છે.

* મારૃં મૃત્યુ જ કેવળ એ બતાવશે. જો કોઈ મારી હત્યા કરે અને હું મારા હોઠ ઉપર મારા હત્યારા માટેની પ્રાર્થના સાથે અને મારા હૃદયમંદિરમાં ઈશ્વરના સ્મરણ અને એના જીવંત અસ્તિત્વની સભાનતા સાથે જો હું મૃત્યુ પામું તો જ મેં વીરની અહિંસા પ્રાપ્ત કરી કહેવાશે.

* મારા અહીંથી વિદાય થયા કોઈપણ એક વ્યકિત સંપૂર્ણ રીતે મારી રજુઆત કરવા શકિતમાન થશે નહીં. પણ તમારામાંના  ઘણામાં મારો થોડોક અંશ જીવતો રહેશે.

* મારે ફરી જન્મવું નથી. પણ જો મારે પાછા જન્મવાનું જ હોય તો હું અછુત તરીકે જન્મવાનું પસંદ કરૃં, જેથી હું એમનાં દુઃખો, એમની વેદનાઓ અને એમને વેઠવી પડતી જોહુકમીઓનો સહભાગી થઈ શકું. એમને અને મારી જાતને એ અધમ દશામાંથી મુકત કરવા પ્રયત્ન કરી શકું. તેથી હું એવી પ્રાર્થના કરૃં છું કે જો મારે પાછા જન્મવાનું હોય તો હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નહીં પણ અતિશૂદ્ર તરીકે જન્મું.

* માણસ જો ચોવીસ કલાક ઈશ્વરને સાક્ષી રાખી કર્મ કર્યા કરે તો પ્રાર્થનાનો માટે જુદો વખત કાઢવાની જરૂર રહેતી નથી એ વાત સાથે હું સંમત છું.

* સ્ત્રી અહિંસાની મૂર્તિ છે. અહિંસા એટલે અખૂટ પ્રેમ અને એનો અર્થ થયો દુઃખ સહન કરવાની અસીમ શકિત.

* સ્ત્રીને અબળા કહેવી તે એનું અપમાન છે. એ પુરૂષે સ્ત્રીને કરેલો અન્યાય છે.

* સ્ત્રીઓ મારે મન અબળા જાતિ નથી. બે પૈકી તે વધારે ઉમદા છે, કેમ કે આજે પણ એ ત્યાગ, મૂક કષ્ટસહન, નમ્રતા, શ્રધ્ધા અને જ્ઞાનની સાક્ષાત મૂર્તિ છે.

* હું સંપૂર્ણ નમ્રતાપૂર્વક એવું સૂચવવાનું સાહસ કરૃં છું કે જો ભારત સત્ય અને અહિંસા દ્વારા પોતાનું ભાવિ નિર્માણ કરે  તો જગતનાં બધાં જ રાષ્ટ્રો જે માટે તરસે છે તે વિશ્વશાંતિમાં એણે આપેલો ફાળો નાનોસૂનો નહીં ગણાય.

* આપણે બધા એક જ પીંછીથી રંગાયેલા છીએ. એક વિશાળ માનવકુટુંબનાં  આપણે સહુ અંગ છીએ. એમની વચ્ચે મારા મનમાં ભેદભાવ નથી. ભારતવાસીઓ બીજાના કરતાં ચડિયાતા છે એવો કશો દાવો હું કરી શકું નહી.

* ભારતની સ્વતંત્રતાની સિધ્ધિ દ્વારા હું માણસમાત્રની એકતા સાધવાનું મારૃં જીવનકાર્ય સિધ્ધ કરવાની અને આગળ ધપવવાની આશા રાખું છું. (૩૦.૪)

સંકલનઃ નરેન્દ્ર વિઠ્ઠલદાસ વિઠલાણી,

મો.૯૮૨૪૪ ૮૮૬૬૭

(12:53 pm IST)