Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ખંભાળિયાના પરિણીત મહિલાનું ગેસની ઝાળે દાઝી જતાં મુત્યુ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા. ૧ :  ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા જયેન્દ્રસિંહ તોગાજી જાડેજાના પત્નિ હિનાબા (ઉ.વ. ૩૦)  પોતાના ઘરે રસોડામાં રસોઈ બનાવતી વખતે ગેસ ચાલુ કરવા દીવાસળી સળગાવતા ગેસનો પાઈપ લીક થતાં થયેલા ભડકાના કારણે તેણી આખા શરીરે દાઝી ગઇ હતી. જેથી તેણીને ગંભીર હાલતમાં વઘુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું.

આ બનાવની જાણ ગોવુભા મનુભા સોઢા (રહે. લાખા બાવળ- જામનગર) એ ખંભાળિયા પોલીસને કરતાં પોલીસે જરૃરી કાર્યવાહી કરી હતી.

 યુવાનને મારી નાખવાની ધમકી 

ખંભાળિયામાં રહેતા વીરૃગીરી સંજયગીરી ગોસ્વામી નામના ૨૦ વર્ષના યુવાન સાથે કોઈ કારણોસર બોલાચાલી કરી, ''તું અમારી સામે આવતો નહીં. નહીંતર તારી સામે ખોટા કેસ કરીશું''- તેમ જણાવી અને મોબાઈલ ફોન મારફતે મારી નાખવાની ધમકી આપવા સબબ અશ્વિનભાઈ દુધૈયા, મનાલીબેન અશ્વિનભાઈ દુધૈયા,  પુનમબેન અશ્વિનભાઈ દુધૈયા તથા જામનગર ખાતે રહેતા કમલેશભાઈ રાજગોર ગામના ચાર વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે વીરૃગિરી ગોસ્વામીની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ ૫૦૭ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયામાં કિકેટ મેચ ઉપર જુગાર રમતા ઝડપાયો

ખંભાળિયાના નગર ગેઈટ વિસ્તારમાં રામ મંદિર પાસે રહેતા યોગેશ કાંતિભાઈ નકુમ નામના ૪૦ વર્ષના યુવાનને પોલીસે મોબાઇલ ફોનમાં ચોક્કસ આઈડી મારફતે ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લઇ, તેની પાસેથી રૃપિયા ૩,૩૦૦ રોકડા તથા રૃ. ચાર હજારની કિંમતનો મોબાઈલ ફોન મળી, કુલ રૃપિયા ૭,૩૦૦ના મુદ્દામાલ અને આ અંગેના જરૃરી સ્કીનશોટ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

મીઠાપુરમાં વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો ઃ આરોપી ફરાર

મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં જયઅંબે સોસાયટી ખાતે રહેતા આબિદ હબીબ વાલુકડા નામના શખ્સે પોતાના ઘરમાં છુપાવીને રાખેલી રૃપિયા ચાર હજારની કિંમતની દસ બોટલ વિદેશી દારૃનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. જો કે આ સ્થળે આરોપી આબિદ હબીબ વાલુકડા મળી ન આવતા પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દ્વારકા તાલુકામાં બે સ્થળે જુગાર અંગે કાર્યવાહી

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા મનિષ મનસુખભાઈ રૃપડિયા નામના ૨૨ વર્ષના ખારવા યુવાનને પોલીસે સુદામા સેતુ પાસેથી વરલી મટકા આંકડા વડે જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મીઠાપુર તાબેના ભીમરાણા ગામના રેલવે ફાટક પાસેથી પોલીસે સુરેશ સુકા ચાનપા, રાજેશ કમા થારુ, અને સંજય  પ્રકાશભાઈ સરપદડીયા નામના ત્રણ શખ્સોનો ગંજીપત્તા વડે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ, રૃપિયા ૧,૭૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રખડતા ભટકતા શખ્સો સામે કાર્યવાહી

ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી તાલુકાના અમરી ગામના બળવંત નરશીભાઈ રાઠોડ નામના ૨૬ વર્ષના શખ્સને પોલીસે રાત્રિના સમયે મેઈન બજારની દુકાનો ઝડપી લીધો હતો. જ્યારે ઓખાના બસ સ્ટેશન પાસેથી મૂળ નવસારી જિલ્લાના બારડોલી તાલુકાના જેન્તી ઈશ્વરભાઈ ગણપતિ નામના ૩૦ વર્ષના યુવાનને પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. આ ઉપરાંત આરંભડાના લખન લખુભાઈ મકવાણા નામના શખ્સને સુરજકરાડીની સોની બજારમાંથી રાત્રિના સમયે અંધારામાં લપાતા-છુપાતા દુકાનોના તાળા તપાસતા પોલીસે દબોચી લીધો હતો.

(1:30 pm IST)