Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

મોંઘવારી વધતા ઓનલાઇન ફૂડ ડિલેવરીને અસર: જામનગરમાં ઓર્ડર ઘટયા

જામનગરમાં ૮૫૦ જેટલા રાઇડર પરેશાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ ઃ મોંઘવારીનો માર હવે ઓનલાઇન ખાણીપીણીના ધંધા ઉપર પણ પડ્યો છે. હાલના ફાસ્ટ યુગમાં સ્વિગી, ઝોમેટો જેવા ઓનલાઇન ફૂડ ડીલેવરી પર પણ મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. અગાઉ દરરોજના ડીલેવરી બોય દીઠ ૨૦ થી ૨૫ ઓર્ડર આવતા હતા. પરંતુ મોંઘવારી વધતા આ ઓર્ડર ઘટીને હાલ માંડ ૮ થી ૧૦ જેટલા થયા છે.

અગાઉ ડીલેવરી ઉપર ડીલેવરી બોઈને સારું મહેનતાણું ઉપરાંત કંપની દ્વારા પ્રોત્સાહક રકમ પણ આપવામાં આવતી હતી. પરંતુ મોંઘવારી વધતા ઝોમેટો, સ્વીગી જેવી કંપની દ્વારા રાઇડરોને પણ પ્રોત્સાહક રાશિ બંધ કરી દેવામાં આવી છે. અને જેટલા ઓર્ડર થાય તે મુજબ જ પેમેન્ટ આપવામાં આવી રહ્યું છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. ત્યારે ફૂડ ડિલિવરી કરતા ઓનલાઇન કંપનીના રાઇડરો પણ અસહ્ય મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

એક તરફ ઘરાકી ઓછી થવાને કારણે ઓર્ડરો ઘટયા છે જેને લઈને આવક પણ ઘટી છે. તો બીજી તરફ મોંઘવારીને લઈને ખાણીપીણીના ભાવ પણ વધ્યા છે. જેને લઈને લોકો ઓનલાઇન ખાવાનુ પણ હવે ઓછું મંગાવી રહ્યા છે.

જામનગરમાં ૫૦થી વધુ રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની દુકાનો સાથે સંકળાયેલા ઝોમેટો અને સ્વીગી સાથેઙ્ગ ઓનલાઇન ડીલેવરી માટે ૮૫૦ જેટલા રાઇડર કામ કરી રહ્યા છે. તેઓ પણ મોંઘવારીના મારને લઈને ખૂબ પરેશાન છે.

એક તરફ ધંધો ઘટી રહ્યો છે તો બીજી તરફ આવક પણ ઓછી થાય છે તો મોંઘવારીને લઈને આવક કરતા જાવક પણ વધી રહી છે. જેથી ફૂડ ડિલિવરી કરતા રાઈડરોની હાલત પણ કફોડી બની છે.

(1:28 pm IST)