Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

કાલથી જુનાગઢના ઉપલા દાતારે ભાગવત કથા

પૂ. પટેલબાપુ, પૂ. વિઠ્ઠલબાપુના આત્મકલ્યાણ અને કોરોનાકાળના મૃતકોના મોક્ષાર્થે સાવરકુંડલાના વિજયભાઇ ઉપાધ્યાયના વ્યાસાસને આયોજન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ ઃ કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્યા કે જયાં નથી મંદિર કે નથી મસ્જિદ તેવી ધાર્મિક  જગ્યાના દિવંગત ઓલિયા સંતો બ્રહ્મલીન પૂજય પટેલબાપુ અને વિઠ્ઠલબાપુ ના આત્મકલ્યાણ અર્થે દેવભુમી દાતારની જગ્યાના  પટાંગણ માં સૌપ્રથમવાર શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની ધારા વહેશે, જગ્યાનાં મહંત પૂજય શ્રી ભીમબાપુનાં કર કમળો દ્વારા દાતાર બાપુની જગ્યા ખાતે પૂજય ભીમબાપુ ની પ્રેરણા થી દાતાર નાં પાવન પર્વત ઉપર દાતારનાં ઓલિયા સંતો અને કોરોનાં કાળનાં મૃત આત્માઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનુ અનેરૃં આયોજન કરાયું છે.

પૂજય ભીમબાપુની ઇચ્છાનુસાર દાતાર બાપુની જગ્યાનાં આસનસિદ્ઘ મહંતો કે જેઓ કદી પણ જગ્યા છોડી નીચે નથી ઉતર્યા તેવા ઓલીયા સંતોની સમાધિ નજીક જ્ઞાનરૃપી ગંગા વહેશે, કથાનું રસપાન સાવરકુંડલાનાં જાણીતા કથાકાર શ્રી વિજયભાઈ ઉપાધ્યાય તેમના કલાવૃંદ સાથે વ્યાસપીઠ ઉપરથી ભાગવત ગીતાનો સંદેશ અને દાતારની જગ્યાની દાતારી અને બ્રહ્મલીન સંતોનાં જીવન-કવન ઉપર પ્રકાશ પાડશે.

આ કથાનો મંગલ પ્રારંભ ચૈત્ર સુદ-૧ ને શનિવાર તારીખ ૨/૦૪/૨૦૨૨ થી થશે અને પૂર્ણાહુતિ તારીખ ૦૮/૦૪/૨૦૨૨ ને શુક્રવારે કથા વિરામ લેશે, કથાનો સમય બપોરનાં ૨-૦૦ થી ૫-૦૦ કલાક સુધી નો રહેશે, જેમાં શ્રી નૃરસિંહજન્મ તા. ૪ ને સોમવારે, રામજન્મ તા. ૫ ને મંગળવારે, ક્રૂષ્ણજન્મ તા. ૬ ને બુધવાર અને શ્રી રૃક્ષ્મનિવિવાહ તા. ૮.ને શુક્રવારે યોજાશે, અને દરરોજ રાત્રે સંકિર્તન અને સંતવાણીનાં કાર્યક્રમો રાત્રે ૧૦-૦૦ થી ૧-૦૦ વાગ્યા સુધી યોજાશે.

આ દિવ્ય અવસરે  દાતારનાં સેવક સમુદાય અને ભાવિ ભકતજનોને કથાનુ રસપાન કરવા અને મહાપ્રસાદ લેવા પધારવા મહંત શ્રી ભીમ બાપુ એ આમંત્રણ પાઠવેલ છે.

(1:24 pm IST)