Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

મોરબીની ૧.૧૯ કરોડની આંગડિયા લૂંટમાં પોલીસની ૪ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

લૂંટારૂઓ લૂંટ કરી રાજકોટ તરફ ભાગ્‍યા હોય રાજકોટમાં પોલીસની તપાસ પણ કંઇ કડી ન મળી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : મોરબીમાં ગઇકાલે થયેલ ૧.૧૯ કરોડની સનસનાટીભરી આંગડીયા લૂંટમાં મોડીરાત સુધી પોલીસને કોઇ નક્કર કડી મળી નથી. જો કે, પોલીસની અલગ અલગ ૪ ટીમો દ્વારા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

મોરબીના દલવાડી સર્કલ નજીક ગુરૂવારે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્‍સમાં આવેલ આંગડિયા પેઢીનું રૂ. ૧,૧૯,૫૦,૦૦૦ ભરેલા પાર્સલની ચાર લૂંટારૂઓએ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે જિલ્લાભરની પોલીસે નાકાબંધી કરી દીધી હતી. ત્‍યારે આ લૂંટ પ્રકરણમાં નાયબ પોલીસ અધિક્ષકે ચાર લૂંટારૂઓ નંબર પ્‍લેટ વગરની કાર લઈને આવ્‍યા હતા અને લૂંટ ચલાવી રાજકોટ તરફ ભાગ્‍યા હોવાનું જણાવી હાલ ફરિયાદ નોંધાઈ જતા તેમના વડપણ હેઠળ અલગ અલગ પોલીસ ટિમોએ લૂંટારુઓને ઝડપી લેવા માટે ભારે દોડધામ આદરી છે.

મોરબીના દલવાડી સર્કલ પાસે આસપાસ થયેલી આંગડિયા લૂંટ પ્રકરણમાં એએસપી અતુલકુમાર બંસલે જણાવ્‍યું હતું કે, મોરબીના આંગડિયા પેઢીના સંચાલક સંજય પટેલ આજે મનીષભાઈ સાથે તેમનું રાજકોટ તરફથી આવતી ખાનગી સોમાનથ ટ્રેવેલ્‍સની બસમાં પોતાનું નાણાં ભરેલું પાર્સલ લેવા ગયા હતા અને ખાનગી ટ્રાવેલ્‍સમાંથી તેઓ આગડિયા પેઢીનું નાણાં ભરેલું પાર્સલ પોતાની કારમાં મૂકીને જતા હતા ત્‍યારે દલવાડી સર્કલ નજીક એક નબર પ્‍લેટ વગરની હ્યુન્‍ડાઇ વેન્‍યુ કારમાં ચાર લૂંટારૂઓ ઘસી આવ્‍યા હતા અને સંજય પટેલ ઉપર ગિલોલ અને તલવાર વડે હુમલો કર્યો હતો. તેમજ તેમની પાસેથી નાણાં ભરેલા પાર્સલની લૂંટ ચલાવીને રાજકોટ તરફ ભાગી ગયા હતા.

આંગડિયા લૂંટની ઘટનામાં રૂ. ૧,૧૯,૫૦,૦૦૦ લૂટમાં મૂળ ટિકરના અને હાલ અવની ચોકડી નજીક રહેતા મનીષભાઈ પટેલે વિધિવત ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવને લૂંટારુઓએ કેવી રીતે અંજામ આપ્‍યો અને લૂંટમાં જાણભેદુની સંડોવણી છે કે કેમ તે અંગે પણ સઘન તપાસ ચાલી રહી છે. જો કે લૂંટ સમયે સંજય પટેલ સહિત બે માણસો હતા અને સામે ચાર લૂંટારુઓએ આ બનાવને અંજામ આપ્‍યો હતો. એટલે ફરિયાદી સહિત બન્ને વ્‍યક્‍તિની પૂછપરછ બાદ આઈપીસી કલમ ૩૯૪, ૧૨૦બી, ૩૪ અને જીપી એકટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધી છે. હાલ આ લૂંટની ઘટનાને ડિટેકટ કરવા એલસીબી, એસઓજી, એ ડિવિઝન તેમજ ટેક્‍નિકલ સ્‍ટાફ સહિતની ટિમો સઘન તપાસ કરી રહી છે.

(1:15 pm IST)