Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

પોરબંદરમાં માછીમારો માટેના ડીઝલમાં ભાવ વધારાનો વિરોધઃ કોંગ્રેસ દ્વારા કાલે ધરણા

પોરબંદર તા. ૧ : માછીમારોને અપાતા ડીઝલમાં  રૂા.૧૮ નો ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરીને આવતીકાલે તા.ર જીએ સવારે ૧૦-૩૦ વાગ્‍યે જુના બંદરમાં ધરણા રાખેલ છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારીયા અને પોરબંદર-છાયા સંયુકત નગરપાલિકાના વિપક્ષી નેતા જીવનભાઇ જુંગીએ જણાવ્‍યું છે કે ભાજપ સરકારની માછીમારી વિરોધી નીતી સામે પોરબંદરમાં જુના બંદર એરિયા ખાતે શનિવાર તા. ર ના સવારે ૧૦-૩૦ કલાકે રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા, હીરાલાલ (ઇકુભાઇ) શિયાળ સહિત આગેવાનો સભાને સંબોધસે અને ત્‍યારબાદ ધરણા પછી સીટી મામલતદારને આવેદનપત્ર પાઠવામાં આવશે.

ભાજપના શાસનમાં દિવસે-દિવસે પેટ્રોલીયમ પેદાશોમાં ભાવ વધારો કરવામાં આવે છે કે જેથી માછીમારોની કમર તુટી છે. ર૦૧૩માં જયારે કોંગ્રેસના શાસનમાં રૂ. ૧૧ નો ભાવ વધારો કર્યો હતો ત્‍યારે અર્જુનભાઇ મોઢવાડિયાએ માછીમાર આગેવાનોને તત્‍કાલીન કૃષિમંત્રી શરદ પવાર પાસે લઇ જઇને રજુઆત કરતા કોંગ્રેસ સરકારે ભાવ વધારો પાછા ખેંચી લીધો હતો. કોંગ્રેસના શાસનમાં અપાતી બોટની લોન ભાજપ સરકાર આવ્‍યા પછી બંધ કરી દીધેલ છે. કોંગ્રેસના શાસનમાં પીલાણામાં સબસીડી વાળુ ૩૦૦ લિટર કેરોસીન મળતું હતું અત્‍યારે પીલાણામાં પેટ્રોલ એન્‍જિન વપરાય છે પરંતુ પેટ્રોલમાં સબસીડી ભાજપ સરકાર આપતી નથી.

(1:01 pm IST)