Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

માધવપુરના પૌરાણિક મેળામાં ઉતર-પુર્વના રાજયો અને ગુજરાતની સંસ્‍કૃતિનું થશે મિલન

મેળાના આયોજનની સાથે માધવપુરની આસપાસના જિલ્લાઓના મંદિરોને રાત્રે રોશનીથી ઝગમગતા કરાશેઃ ૧૦મીથી યોજાનાર પાંચ દિવસના મેળામાં રાષ્‍ટ્રપતિ સહીત રાષ્‍ટ્રીયકક્ષાના મહાનુભાવોને આવકારવા તડામાર તૈયારીઓઃ શ્રીકૃષ્‍ણ ભકિતના રંગારંગ કાર્યક્રમો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧: માધવપુર (ઘેડ)નો પૌરાણિક લોકમેળો તા.૧૦મીથી તા.૧૪ સુધી પાંચ દિવસ યોજાનાર છે. આ લોકમેળામાં ઉતર-પુર્વના ૮ રાજયોના મુખ્‍યમંત્રીઓ તથા તે રાજયોની સાંસ્‍કૃતિક ટીમના કલાકારો આવનાર હોય મેળામાં ગુજરાત અને ઉતર-પુર્વ રાજયોની સાંસ્‍કૃતિક અનોખુ મિલન થશે. માધવપુરના ભાતીગળ લોકમેળાના આયોજનની સાથે માધવપુરની આસપાસના જીલ્લાઓના મંદિરોને રાત્રે રોશનીથી ઝગમગતા કરાશે. માધવપુરના લોકમેળામાં પાંચ-દિવસ શ્રીકૃષ્‍ણ ભકિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે. આ મેળામાં રાષ્‍ટ્રપતિ રામનાથ કોવીંદ સહીત રાષ્‍ટ્રીય કક્ષાના મહાનુભાવોને આવકારવા તંત્ર દ્વારા તડામાર તૈયાર થઇ રહી છે.

 માધવપુર ઘેડ ખાતેનો મેળો તા.૧૦ મીથી ઉત્તર પૂર્વના રાજયો અને ગુજરાત ના સાંસ્‍કૃતિક સમન્‍વય અને દ્વારકાધીશ શ્રી કૃષ્‍ણ ભક્‍તિના રંગારંગ કાર્યક્રમો અને વિશેષ ગરિમા સાથે શરૂ થવા જઇ રહ્યો છે.

   ભારત સરકારના સાંસ્‍કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વ વિકાસ મંત્રાલય, ગુજરાત સરકારના યુવા સાંસ્‍કૃતિક વિભાગના માર્ગદર્શન જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા ,ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને અમરેલી જિલ્લા વહીવટ તંત્ર નું  સંકલન અને મુખ્‍ય કામગીરી જિલ્લા વહીવટીતંત્ર પોરબંદર દ્વારા કરવામાં આવી રહી છે. વિશેષમાં રાષ્ટ્રીયકક્ષાના મહાનુભાવો, પ્રવાસીઓ ભક્‍તોને આવકારવા માધવપુર ગ્રામ પંચાયત પણ તૈયારી કરી રહી છે.

  માધવપુર દ્યેડ ના મેળા ની આયોજનની સાથે સાથે આસપાસના જિલ્લાઓમાં પણ મંદિરોને રોશનીથી ભક્‍તો મંદિર સંચાલકો ,સંસ્‍થાઓ દ્વારા શણગારવામાં આવશે. માધવપુર ઘેડના મેળાને સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ સાથે જોડી પ્રવાસીઓને સૌરાષ્ટ્રની સાંસ્‍કૃતિક વિરાસતો ની જાણકારી મળે અને તેની સાથે સાથે સ્‍થાનિક રોજગારીનું નિર્માણ થાય તેવા બહુઆયામી ઉમદા હેતુ માટે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં સકારાત્‍મક પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ પણ તાજેતરમાં મન કી બાતમાં માધવપુરના આ મેળાનો ઉલ્લેખ કરી તેની મહત્‍વ  અંગે જણાવેલ કે  વર્ષ ૨૦૧૮ માં પણ માધવપુરના મેળાની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

 ચાલુ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ- સાંસ્‍કૃતિક વિભાગ દ્વારા પણ મલ્‍ટી મીડિયા શો, ઈન્‍ડેક્‍સ સી દ્વારા એકઝીબીશન, ચાર દિવસ સુધી વિવિધ થીમ પર એક ભારત શ્રેષ્ઠ ભારત ને ઉજાગર કરતી ભવ્‍ય સાંસ્‍કૃતિક કૃતિઓ પણ રજુ કરવાનું આયોજન થઈ રહ્યું છે. પોરબંદર જીલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શનમાં પોરબંદર જીલ્લામાં વિવિધ મહાનુભાવોના સંભવીત પ્રવાસ કાર્યક્રમને લઇને તેમજ પ્રવસીઓને વિવિધ સગવડતા મળી રહે તે માટે બીજ જિલ્લાઓ સાથે સંકલન કરીને એકોમોડેશન, લોજીસ્‍ટીક, મોબાઇલાઇઝેશન, પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટેશન, પ્રોટોકોલ લાઇઝનીંગ સહીતના મેનેજમેન્‍ટની કામગીરી સંકલન સાથે કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી તેમજ જીલ્લાના કર્મયોગીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

(1:00 pm IST)