Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઉનાળાનો જામતો માહોલ

મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડીગ્રી નજીક પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ

રાજકોટ તા. ૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ધીમે - ધીમે મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડીગ્રી નજીક પહોંચી જતા અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

બપોરનાં સમયે અસહ્ય ઉકળાટનો અનુભવ ખૂબ જ વધુ પ્રમાણમાં થઇ રહ્યો છે જેના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને પંખા અને એસીના સહારે લોકો ઘરમાં જ રહે છે.

આ વર્ષે શરૃઆતથી જ ઉનાળાએ આકરો મીજાજ બતાવવાનું શરૃ કરી દીધું છે. માર્ચ મહિનામાં રાજયના ઘણા શહેરોમાં તાપમાનનો પારો ૪ર ડિગ્રીને પણ પાર કરી ગયો છે. ત્યારે રાજયના હવામાન વિભાગે શુક્રવારથી જ  નહીં, લોકોને કાળઝાળ ગરમીમાં ઘરોમાં રહેવા સુચના પણ આપી છે.

આ સમયે દરમિયાન ગરમી ૪૩ ડીગ્રીને વટાવી જવાની શકયતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શકયતા છે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ ઃ ઝાલાવાડ પંથકમાં છેલ્લા અઠવાડિયાથી સૂર્યનારાયણનો પ્રકોપ અસહ્ય પુરવાર થઇ રહ્યો છે. બુધવારે મહત્તમ તાપમાન ૪૧.૩ ડિગ્રી અને લઘુતમ પારો ૨૧ ડિગ્રી નોંધાયો હતો.

તેના કારણે ઝાલાવાડમાં ગગનમાંથી જાણે આગનવર્ષા થઇ રહી હોય તેવો અહેસાસ થયો હતો. તેના કારણે જનજીવન ત્રસ્ત બની રહ્યું છે. રાજ્યના અન્ય શહેર અને જિલ્લાની સરખામણીએ સુરેન્દ્રનગર પંથકમાં તાપમાન ઉંચુ જોવા મળે છે. આગામી ચૈત્ર માસના આરંભથી ઝાલાવાડ પંથકમાં હિટવેવનો પ્રકોપ અનુભવાશે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમીમાં વધારો થવાના પગલે પાણીજન્ય રોગચાળાએ પણ માથુ ઉચક્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફાગણ મહિના દરમિયાન આકાશમાંથી અગન વર્ષા થતી હોય તેવી આકરી ગરમીનો અનુભવ થતા જનજીવન ત્રસ્ત થઈ ગયુ છે. ગત તા. ૨૭મી માર્ચના રોજ પણ મહત્તમ તાપમાન ૪૧.૭ ડિગ્રી નોંધાયુ હતું. તે દિવસે રાત્રીનું તાપમાન પણ મૌસમનું હાઇએસ્ટ ૨૪.૫ ડિગ્રી હતુ.

જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનું તિવ્ર મોજુ ફરી વળ્યુ છે લઘુતમ તાપમાન  ૨૧ થી ૨૨ ડીગ્રી રહે છે  મહત્તમ તાપમાનનો પારો પણ રોકેટ ગતિએ વધી ગયો હતો. તેના કારણે અંગ દઝાડતી ગરમીમાં જનજીવન ત્રસ્ત થઈ ગયુ છે. સવારે અગિયારથી સાંજના છ વાગ્યા સુધી લોકો ઘર અને ઓફિસમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે. જેથી શહેર એ ગ્રામ્યના માર્ગો તેમજ હાઇવે સુમસામ બન્યા છે.

(11:55 am IST)