Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ભાવનગરના હોઇદડ ગામનાં વિદ્યાર્થીનું બોર્ડનું પેપર નબળુ જતા આપઘાત

(વિપુલ હિરાણી) ભાવનગર,તા.૧ : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હોઈદડ ગામે રહેતા એક શ્રમજીવી પરીવારના સગીરે ધોરણ-૧૦માં ગણિતનું પેપર નબળું જતાં હતાશામાં અજુગતું પગલું ભરી લેતાં પરીવાર પર વજ્રઘાત થયો છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હોઈદડ ગામે વાડી વિસ્‍તારમાં રહેતા એક ખેડૂત પરીવારનો આશાસ્‍પદ પુત્ર ચેતન મથુરભાઈ જેઠવા ઉ.વ.૧૫ હાલમાં ધોરણ૧૦ની પરીક્ષા આપી રહ્યો હોય જેમાં ગણિત વિષયનું પેપર નબળું જતાં સગીર ઘેરી હતાશામાં સરી પડ્‍યો હતો અને આવેશમાં આવી તેનાં ઘરે જાતેથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્‍યો હતો આ ઘટનાની જાણ ઘોઘા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને લાશનો કબ્‍જો લઈ સ્‍થળપર પંચનામું કરી પરીવાર ના નિવેદનો નોંધી લાશને પીએમ માટે ઘોઘા સરકારી હોસ્‍પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાને પગલે ગરીબ ખેડૂત પરીવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્‍યું છે.

 

(11:58 am IST)