Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પે માં સુધારો કરવા ભોળાભાઇ ગોહેલની રજૂઆત

જસદણના પૂર્વ ધારાસભ્‍યએ ભૂપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને ત્‍વરીત ઉકેલ લાવવા માંગણી

(ધર્મેશ કલ્‍યાણી - વિજય વસાણી દ્વારા) જસદણ - આટકોટ તા. ૧ : જસદણના પૂર્વ ધારાસભ્‍ય ભોળાભાઇ ગોહેલે રાજ્‍યના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને પોલીસ કોન્‍સ્‍ટેબલ, હેડ કોન્‍સ્‍ટેબલ, એ.એસ.આઇ. સહિતના પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પે માં સુધારો કરવા માંગણી કરી છે.

ભોળાભાઇ ગોહેલે વધુમાં જણાવ્‍યું છે કે, મારી રજુઆત આંદોલનને સમર્થન આપવા માટેની નથી પરંતુ પોલીસ કર્મીઓની વેદનાને વાચા આપવા માટેની છે, પોલીસ કર્મચારીમાં કોન્‍સટેબલને રૂા.૧૮૦૦, હેડ કોન્‍ટેબલને રૂ.૨૦૦૦, એ.એસ.આઈને રૂા.૨૪૦૦ અને પી.એસ.આઈને રૂા.૪૪૦૦ ના છઠ્ઠા પગાર પંચ મુજબ ગ્રેડ-પે ચુકવાય છે જેમાં વધારો કરવા માટે સતત માંગ કરવામાં આવી રહી છે.

પોલીસ કર્મીઓને અમારી જાણ મુજબ પ માં પગાર પંચ મુજબ રૂા.૨૦ સાયકલ ભથ્‍થા, રૂા. રપ વોશીંગ ભથ્‍થુ, અને રૂા.૬૦ સ્‍થાનીક વળતર ભથ્‍થાની રકમ ચુકવવામાં આવે છે રકમ અંદાજે ૨૦ થી રપ વરસ પહેલાના ભાવાંક મુજબ ચુકવવામાં આવે છે જેમાં ગૃહ વિભાગે આજ સુધી કોઈ વધારો કર્યા નથી, ફરજમાં હાજર થયેલા પોલીસ કોન્‍સ્‍ટેબલ ખાતાકીય પરીક્ષા પાસ કરી રપ -૨૭ વર્ષની નોકરી પુરી કરે છે ત્‍યારે તેઓને માંડમાંડ રૂા. ૩૫ થી ૩૭ હજાર જેવો પગાર મળે છે જે મોંધવારીના સમયમાં ધણો ઓછો કહી શકાય.

રાજયના ધારાસભ્‍ય, કેન્‍દ્રના સંસદસભ્‍યો અને સચિવોના પગાર-ભથ્‍થા-ગ્રેડ-પે ઉચા મેળવે છે અને જે લોકો રાત-દિવસ પોતાના પરિવારની કોઈપણ જાતની ચિંતા કર્યા વગર મંત્રીશ્રીઓ/ધારાસભ્‍યશ્રીઓના કમાન્‍ડો તરીકે ફરજ બજાવે છે, રક્ષણ આપે છે, વિવિધ આંદોલન સમયે ખડેપગે ઉભા રહી લોકોના જાનમાલનું રક્ષણ કરે છે.

ભોળાભાઇ ગોહેલે વધુમાં જણાવ્‍યું છે કે, પોલીસનો ૫૦ ટકાથી વધુના સ્‍ટાફ માટે આવાસ યોજના ઉપલબ્‍ધ નથી, પ્રસંગોપાત રજા કે રજા પગાર મળતો  નથી તેમ છતાં પોલીસ કર્મીઓ વફાદારી પુર્વક પોતાની નૈતિક ફરજ બજાવે છે, પોલીસ કર્મીઓ પ્રજા સાથે સારો વ્‍યવહાર કરે પરંત તેવી અપેક્ષા પોલીસ પણ પોતાના ઉપરી અધિકારી અને સરકાર પાસે રાખે તેમા કાંઈ ખોટુ નથી, થોડા સમય પહેલા કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા અવાજને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે કમીટીની રચના કરી છે, કમીટીના અધ્‍યક્ષ દ્વારા લાંબા સમય પછી સરકારને કોઈ અભિપ્રાય-રીપોર્ટ રજુ કર્યાનું જાહેર કરવામાં આવ્‍યું નથી જે માટે વહીવટી પ્રક્રિયાઓમાં થતાં વિલંબને જવાબદાર ગણી શકાય.

મોંઘવારીના કપરા સમયમાં પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારના જીવનધોરણ યોગ્‍ય રીતે ચલાવી શકે તે મુજબ પગારની માંગણી કરવા માટે હકકદાર છે કેટલાક ઈમાનદાર પોલીસ કર્મચારીઓ નિવૃતી બાદ પણ પોતાનું ઘર ખરીદી શકતા નથી જે કડવી પણ સાચી વાસ્‍તવીકતા છે ગૃહ વિભાગે પોલીસના ગ્રેડમાં વધારો કરે તો કોઈ કર્મચારીઓ ભ્રષ્‍ટાચાર માટે પ્રેરીત થઈ શકે નહી તે પણ હકીકત છે, પોલીસ કર્મીઓની માંગણીઓનો સ્‍વીકાર ન થાય તેવી સ્‍થિતી રાજય સરકારની નથી, કર્મચારી પ્રત્‍યે માયાળુ બની હકારાત્‍મક અભિગમ અપનાવાથી અનેક પ્રશ્નો ઉકેલી શકાય તેમ છે જે બાબત ધ્‍યાને લઈ યોગ્‍ય કાર્યવાહી કરવા ભોળાભાઇ બી. ગોહેલ - પૂર્વ ધારાસભ્‍ય - જસદણ - વિંછીયાએ જણાવ્‍યું છે.

(11:27 am IST)