Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

સુરેન્દ્રનગરના કોઠારીયામાં શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે કાલથી ભાગવત કથા ઃ રવિવારે ૧૧૭ દીકરીઓના સમૂહલગ્નોત્સવ

પૂ. જીજ્ઞેશદાદા કથાનું સંગીતમય રસપાન કરાવશે ઃ સંતો - મહંતોના હસ્તે દિપ પ્રાગટ્ય ઃ કરીયાવરમાં દીકરીઓને મંગળસૂત્ર, નાકની ચૂક સહિત ઢગલાબંધ વસ્તુઓ અપાશે: વિવિધ પ્રસંગોની સાથે સંતવાણીનું પણ આયોજન

રાજકોટ, તા. ૧" સુરેન્દ્રનગર જીલ્લામાં વઢવાણ તાલુકાના કોઠારીયા મુકામે આવેલ શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ કોઠારીયા ગામના આંગણે આવતીકાલથી પૂ.શ્રી જીજ્ઞેશદાદા (રાધે રાધે)ના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન થયુ છે, તો તા.૩ના રવિવારે સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૧૧૫ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.

આવતીકાલે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું મંગલદીપ પ્રાગટ્ય નિર્મોહી પીઠાધિશ્વર અનન્ત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી કનીરામદાસજી મહારાજ ગુરૃ શ્રી કલ્યાણદાસજી મહારાજ (અખિલ ભારતીય રબારી સમાજ વડગુરૃ ગાદી, શ્રી વડવાળા મંદિર, દૂધરેજ ધામ), મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી રામ બાલકદાસજી મહારાજ ગુરૃ શ્રી પુરણદાસજી મહારાજ (શ્રી વડવાળા મંદિર, દુધઈ), કોઠારી શ્રી મુકુંદરામદાજી મહારાજ ગુરૃ શ્રી કલ્યાણદાસજી મહારાજ (અખિલ ભારતીય રબારી સમાજ, વડગુરૃ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજધામ), ભુવાજી શ્રી રાજાબાપા (કાશી કાહવાધામ), ભુવાજી શ્રી કનુભાઈ તળજાબાપા (શ્રી મોટણની મેલડી માતાજી ધામ વીરોચનનગર  અને શ્રી ગમનભુવાજી (શ્રી દીપેશ્વરી માતાજી મંદિર, સાંથલ)ના હસ્તે થશે.

આવતીકાલે શનિવારે બપોરે ૨ઃ૩૦ કલાકે શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમથી કથા સ્થળ સુધી ભવ્યાતિભવ્ય પોથીયાત્રા તથા શોભાયાત્રા નીકળશે. જેમાં દાંડીયારાસની સાથે કલાકારો જસ્મીતાબેન રબારી, વિજય સુવાળા (ભુવાજી) અને સુરેશભાઈ રબારી જમાવટ કરશે તો તા.૩ના રવિવારે સવારે ૮ાા વાગ્યાથી સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૧૭ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને ફર્નીચરની તમામ વસ્તુઓ તેમજ મંગળસૂત્ર અને નાકની ચૂક આપવામાં આવશે. તે જ દિવસે રાત્રીના ૯ાા વાગ્યાથી આયોજીત સંતવાણીના કાર્યક્રમમાં હકાભા ગઢવી અને સાગરદાન ગઢવી કલા પીરસશે.

પૂ. જીજ્ઞેશદાદાના સાનિધ્યમાં આયોજીત શ્રીમદ્દ ભાગવત કથામાં તા.૪ના સોમવારે સવારે ૮ાા કલાકે શ્રી નૃસિંહ પ્રાગટ્ય, રાત્રીના ૯ાા વાગ્યાથી જીજ્ઞેશ બારોટ (કવિરાજ), વિશાલદાન ગઢવી અને કમલેશ પ્રજાપતિ સંતવાણી પીરસશે. તા.૫ના મંગળવારે શ્રી રામ જન્મોત્સવ, શ્રી વામન જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. રાત્રીના ૯ાા કલાકે રાજભા ગઢવી, મિતલબેન રબારી અને કવિબેન રબારી સંતવાણી રજૂ કરશે.

તા.૬ના બુધવારે ગીરીરાજ ઉત્સવ, રાત્રે ૯ાા વાગ્યે કીર્તીદાન ગઢવી, અનુભા ગઢવી અને વિહાભાઈ રબારીની સંતવાણી  તેમજ તા. ૭ના ગુરૃવારે શ્રી રૃક્ષ્મણી વિવાહ તથા રાત્રીના ૯ાા કલાકે વાઘજીભાઈ રબારી, વશરામભાઈ રબારી અને સતીષ રામાનુજ જમાવટ કરશે. તા.૮ના શુક્રવારે કથાનું સમાપન થશે. સર્વે ભાવિકોને કથામૃતનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી રામ અન્નક્ષેત્ર આશ્રમ કોઠારીયા (ફોન-૦૨૭૫૨) ૨૪૭૨૬૫, ૨૫૭૫૬૫ ખાતે દરરોજ ૨૦ મણ બાજરીમાંથી રોટલા બનાવી જરૃરીયાતમંદોને પહોંચાડવામાં આવે છે તેમજ આશ્રમ ખાતે નિભાવ કરતી ૧૦૦૦ ગાયોને ઘાસ તથા ખાણનું નિરણ કરવામાં આવે છે. તેમજ દરરોજ અન્નક્ષેત્ર, છાશ કેન્દ્ર, પારેવાને ચણ, કીડીયારૃ, સાધુ સંતોની સેવા સહિતની સેવાકીય પ્રવૃતિઓ ધમધમે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટી અરજણભાઈ ઝાપડા (મો.૯૮૨૫૨ ૧૫૨૨૮), ટ્રસ્ટી રામજીભાઈ ખટાણા (મો.૯૪૨૭૩ ૯૪૧૦૧), ટ્રસ્ટી પ્રહલાદભાઈ ખટાણા (મો. ૯૯૧૩૪ ૩૩૮૮૮) તેમજ મેહુલભાઈ ડોડીયા, જયભાઈ પારેખ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)(

(3:18 pm IST)