Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ઉનાઃ આશા વર્કરો આંગણવાડી વર્કર તથા મધ્‍યાહન ભોજનના કામદારોને લઘુતમ વેતન ધારામાં સમાવવા પુંજાભાઇ વંશની માગણી

(નવીન જોષીદ્વારા) ઉના તા. ૧ : આશા વર્કર, આંગણવાડી વર્કર, મધ્‍યાહન ભોજન યોજનાના સેવાર્થીઓને ત્રીજા - ચોથા વર્ગના કર્મચારી તરીકે જાહેર કરી તેમના માટે લઘુતમ વેતન ફીકસ કરવું જોઇએ. તથા લઘુતમ વેતન ધારાનો ચુસ્‍તપણે અમલ કરાવવાની માગણી પુંજાભાઇ વંશે વિધાનસભામાં ચર્ચામાં કરી હતી.
વિધાનસભામાં ગુજરાત અરક્ષિત મજૂર કામદાર (રોજગાર અને કલ્‍યાણ નિયમન) (રદ કરવા બાબત) વિધેયક ર૦રર રજૂ થયું હતું. તેની ચર્ચામાં ભાગ લેતાં ગીર-સોમનાથ જિલ્લાના ઉનાના ધારાસભ્‍ય અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન પુંજાભાઇ વંશે જણાવ્‍યું હતું કે, રાજયમાં અસંગઠીત શ્રમિકોની સંખ્‍યા દોઢથી બે કરોડની આસપાસ છે. અસંગઠીત શ્રમિકોને ગુજરાતના મજૂર કાયદા લાગુ પડતા નથી. તેના કારણે એ લોકોને જે મુશ્‍કેલી અનુભવાય છે અથવા તો તેમનું શોષણ થાય છે એ માટે સરકારે વિચારવાની જરૂર છે. સ્‍વરોજગારી મેળવતા લોકોમાં ખાસ કરીને રીક્ષા ચાલકો, લારી-ગલ્લા, પાથરણાવાળા, ખેતમજૂરોએ બધા અસંગઠીત શ્રમિકો છે. જી. ડી. પી. માં તેમનું મોટું યોગદાન છે ત્‍યારે તેમનું શોષણ ન થાય એ જોવાની જવાબદારી સરકારની છે. સરકાર એ જવાબદારી નિભાવે એવી અપેક્ષા રાખું છું. અમદાવાદ સહિત રાજયમાં ૧ર લાખ જેટલા રીક્ષા ચાલકો છે. તેમના અને કુટુંબીજનોના હિત માટે ગુજરાત ઓટો રીક્ષા ડ્રાઇવર કલ્‍યાણ બોર્ડની રચના કરવા પુંજાભાઇ વંશે માગણી કરી હતી.
પુંજાભાઇએ જણાવ્‍યું હતું કે, લાખો ઘરેલુ ડોમેસ્‍ટીક વકર્સ છે તેના માટે કલ્‍યાણ બોર્ડની રચના કરવી જોઇએ અને તેના હિતોનું પણ કાયદાથી રક્ષણ થાય તે માટે સરકાર કાર્યવાહી કરે. રાજયમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્‍ન કલાકારોને પણ રાજય સરકારના મજૂર કાયદાઓ લાગુ કરવા જોઇએ અને તેનો લાભ રત્‍ન કલાકારોને મળવો જોઇએ. અસંગઠીત કામદાર અને શ્રમિકો છે તેમને લઘુતમ વેતન ધારા પ્રમાણે વેતન મળવુ જોઇએ. પગાર મળવો જોઇએ, એ મોટાભાગના શ્રમિકોને મળતું નથી. અસંગઠિત કામદાર અને શ્રમિકોને લઘુતમ વેતન ધારા પ્રમાણે વેતન ચૂકવવામાં આવે.  લઘુતમ વેતન દરમાં ગુજરાત સરકારે વર્ષ ર૦૧૪ માં સુધારો કર્યો ગતો ત્‍યારબાદ આજ સુધી લગભગ સુધારો થયો નથી. મોંઘવારીનો સમય જોતાં લઘુતમ વેતન દરમાં રાજય સરકારે તાત્‍કાલીક સુધારો કરવો જોઇએ. લઘુતમ વેતન શિડયુલમાં ઘરેલુ કામદારો તેમજ અન્‍ય બાકી રહેતા કામદારોનો પણ સમાવેશ કરવો જોઇએ અને લઘુતમ વેતન ધારાનો ચુસ્‍તપણે અમલ કરાવવો જોઇએ.
પુંજાભાઇ વંશે જણાવ્‍યું હતું કે, આશાવર્કર, આંગણવાડી વર્કર, મધ્‍યાહન ભોજન યોજનાના સેવાર્થીઓને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી તરીકે જાહેર કરવા જોઇએ અને તેમના માટે લઘુતમ વેતન ફીકસ કરવું જોઇએ. કોન્‍ટ્રાકટ પ્રથા માટે કોન્‍ટ્રાકટ એડવાઇઝરી બોર્ડની રચના અને ટ્રેડ યુનિયનના  પ્રતિનિધીત્‍વ માટે કાર્યવાહી કરવી જોઇએ અને કોન્‍ટ્રાકટ લાઇસન્‍સો  આપવામાં આવ્‍યા છે એ રીન્‍યુ કરવા જોઇએ.

 

(10:47 am IST)