Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

*બેટી બચાઓ, બેટી પઢાઓ" અંતર્ગત પ્રાઈડ વોક વીથ ડોટર કાર્યક્રમનો રાજ્યમાં કચ્છથી પ્રારંભ, ૫ માસથી પ્રૌઢ વયની ૧૨૭ દિકરીઓની ‘ગૌરવ ચાલ’

ભુજમાં ‘પ્રાઇડ વોક વિથ ડોટર’, દીકરીઓના રજવાડાનો દબદબો: "તારે બંગલે ભલે બાગ બગીચા, પૈસા ભરેલું ગાડું, મારે આંગણે રમતી દીકરી એ જ મારું રજવાડું"

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : 'દિકરી સાથે ગૌરવમયી ચાલ’ ‘પ્રાઈડ વોક વિથ ડૉટર’ના નવતર અભિગમ નો ગૌરવ અને ઉત્સાહથી છલોછલ કાર્યક્રમે  ટાઉનહોલ ભુજ મઘ્યે દિકરીઓના રજવાડાને ચરિતાર્થ કર્યું હતું.

બેટી બચાવો બેટી પઢાવો સેલ જિલ્લા મહિલા  અને બાળ કલ્યાણ કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં રાજ્યમાં પ્રથમવાર ૧૨૭ જેટલી પાંચ માસથી  લઈને પ્રૌઢ  સુધીની દિકરીઓએ પ્રાઈડ વોક કર્યું હતું.

જેમાં ભુજ તાલુકાના આસપાસના ગામડાં સહિત ચિલ્ડ્રન હોમ, શિશુગૃહ,  કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની ૧૯ દિકરીઓ  ટ્રસ્ટી, ગૃહમાતા, સંચાલિકા અને અધિકારીઓ સાથે પ્રાઇડવોકમાં જોડાઇ હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા વિભાગ હેઠળના બાળ સુરક્ષા અંતર્ગતના બાળ સંભાળગૃહની ૧૮ દિકરીઓના વાલી તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.પી. રોહડિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલ ડોડીયા, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખશ્રી ઈલાબેન હિરેનભાઈ મહેતા તેમજ આ સાથે તેમના તમામ સ્ટાફ પણ દિકરીઓના વાલી તરીકે પ્રાઈડ વોક કર્યું હતું.

આ ઉપરાંત વિવિધ કચેરીના અધિકારીઓ અને અગ્રણીઓ નગરજનો અને સામાન્ય નાગરિકોએ પણ પોતાની વ્હાલસોયી દિકરીઓ સાથે ગૌરવભેર ગૌરવમયી ચાલને દિપાવી હતી. ‘બેટી બચાવો બેટી પઢાવો અને બેટી બઢાવો’ના નવતર અભિગમથી દિકરીના માતા પિતા કે વાલી હોવું ગર્વની વાત છે. હું એક દીકરીની માતા છું અને મને તેનું ગૌરવ છે’ એમ કહેતાં જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ આનંદભેર જણાવે છે કે ‘જેના માટે આ પ્રાઇડ વોક કરી એ બધા ખુશ થયા  એ મહત્ત્વનું છે. દીકરીઓ અને તેમના સાથે પ્રાઇડ વોક કરનારા દરેકે દીકરીઓનું ગૌરવ વધાર્યું છે.

અવનીબેન રાવલે પણ તેમની દિકરી શિવાની અને પતિ દર્શનભાઈ સાથે પ્રાઇડવોક  કર્યું હતું.તો આ પ્રાઇડ વોકમાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના દાદીની ઉંમરના દિકરી  કોકિલાબેન શાહે કેન્દ્રની પાંચ માસની અનાથ દિકરી જીયાને  લઈને પ્રાઈડ વોક કરી રેમ્પ અને સમાજને જાણે ગૌરવાન્વિત કરી દીધો હતો.

આવી ૧૯ દિકરીઓ સાથે મહત્વના પદે બિરાજેલા અધિકારીઓએ પણ દિકરી વધાવો ના ગૌરવને વધાર્યું હતું. તો ગ્રામ્યસંસ્કૃતિના માતા પિતા કે માતા અને શહેરના આધુનિક માતા પિતા કે માતા સાથે દિકરીઓનો ઉત્સાહથી છલોછલ  અને રેમ્પ પર જ પોતાની માતા, વાલી કે પિતાને પગે લાગી  સંસ્કૃતિ અને સંસ્કારોનો સમન્વય કરી જાણે  દિકરી દરેક ઘરનો દીવો દિકરી જુગ જુગ જીવોના આશિષ મેળવ્યા હોય એવું વાતાવરણ જીવંત કર્યું હતું.

પ્રાઇડ વોકના શો સ્ટોપર તરીકે જીલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરીના તમામ કર્મયોગીઓએ કાબિલેદાદ રજુઆત કરી સમગ્ર માહોલથી જાણે કવિ રમેશ પારેખના ભાવ “તારે બંગલે ભલે બાગબગીચા પૈસા ભરેલું ગાડું,  મારે આંગણે રમતી દિકરી એ જ મારું રજવાડું” ને જીવંત કરી દીધો હતો.

પ્રાઇડ વોક વિથ ડોટર ‘દિકરીસાથે ગૌરવમયી ચાલ’ના ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં સર્વશ્રી મહિપાલસિંહ સોઢા, મિતેશભાઈ મોડાસિયા, હિતેશભાઈ જેઠી, રસીલાબેન પંડ્યા, જલ્પાબેન ત્રિવેદી, નીતાબેન ઓઝા, ગૌરવવંતા માતપિતા, વાલીઓ, અધિકારીઓ, અભિભાવકો ઉત્સાહભેર દિકરીઓ સાથે જોડાયાં હતાં

(10:50 am IST)