Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

કચ્છમાં અનાજની આડમાં લવાતો રૂ. 45 લાખનો દારૂ ઝડપાયો : બે રાજસ્થાની યુવકોની અટકાયત

કચ્છ રજીસ્ટ્રેશન વાળી ટ્રકમાં હરિયાણાના દારૂ સાથે પોલીસે બે રાજસ્થાની યુવાનોને પકડ્યા

કચ્છ: ગુજરાતમાં દારૂબંધી હોતાં અવારનવાર ગેરકાયદેસર રીતે બહારના રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતો દારૂ પોલીસના હાથે ઝડપાય છે. તો બુધવારની રાત્રે ફરી એક વખત કચ્છમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ કર્યો હતો. આડેસર ચેકપોસ્ટ પર પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન અનાજની આડમાં લવાતો રૂ. 45 લાખનો દારૂ જપ્ત કર્યો હતો. કચ્છ રજીસ્ટ્રેશન વાળી ટ્રકમાં હરિયાણાના દારૂ સાથે પોલીસે બે રાજસ્થાની યુવાનોને પણ પકડ્યા હતા.

પોલીસ અધિકારીઓ તરફથી મળતી માહિતી મુજબ બુધવારે રાત્રે આડેસર પોલીસ સ્ટેશનની હદમાં આવતા આડેસર ચેકપોસ્ટ ખાતે રાત્રે નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર બી. જી. રાવલને મળેલી બાતમીના આધારે ચેકપોસ્ટ પર એક ટ્રકને રોકી તેની તપાસ હાથ ધરતા બહારથી ટ્રક અનાજની ગુણીઓથી ભરેલી દેખાતી હતી.

અનાજના બાજકા વચ્ચે તપાસ કરતા પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા. જેમાં બ્લેન્ડર્સ પ્રાઈડ વ્હિસ્કીની 60 બોટલો, સિગ્નેચર રેર વ્હિસ્કીની 120 બોટલો, ઓલ સીઝન રિઝર્વ વ્હિસ્કીની 2340 બોટલો, રોમનોવ વોડકાની 1140 બોટલો અને મેકડોવેલસ વ્હિસ્કીની 2940 બોટલો, એમ 6600 બોટલો ઉપરાંત ટ્યુબર્ગ બિયરના 7680 ટીન સહિત કુલ રૂ. 45,27,000નો દારૂ પોલીસે જપ્ત કર્યો હતો.

 

પકડાયેલા દારૂ સાથે જ GJ 12 BY 5870 નંબરની ટ્રક, ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા સહિત રૂ. 20,50,000નો અન્ય મુદ્દામાલ એમ કુલ રૂ. 65,77,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તો સાથે જ પોલીસે બાડમેર રાજસ્થાનના 26 વર્ષીય ટ્રક ડ્રાઈવર જેઠારામ ભેરારામ જાટ સાથે 20 વર્ષીય ટ્રક ક્લીનર ગોસાઈરામ કિસ્તુરારામ જાટની સ્થળ પરથી અટક કરી હતી. તો તેની સાથે જ પોલીસે રાજસ્થાનના જ એક જગદીશ નામના યુવાન ઉપરાંત કચ્છમાં દારૂ મંગાવનાર વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો.

(10:50 pm IST)