Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

મણીયાર કવાર્ટરનું મેગા ડિમોલીશનઃ મનપાએ કંપનીને કબ્‍જો સોંપ્‍યો

રીડેવલપમેન્‍ટ સ્‍કીમ હેઠળ કાર્યવાહી : સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ રોડ પર વાહનોના ખડકલાઃ એક બાજુનો રોડ બંધ કરાવ્‍યોઃ પોલીસ-મનપા તંત્રનો કાફલો ખડેપગે : વિસ્‍તારવાસીઓની રકઝક : એકંદરે શાંતિપુર્ણ કાર્યવાહી

રાજકોટઃ શહેરના કોટેચા ચોકથી સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ સામે આવેલ અરવિંદભાઇ  મણીયાર કવાર્ટરના આવાસો ખાલી કરાવવા મહાનગર પાલીકાનો કાફલો આજે સવારે પહોંચ્‍યો હતો. સાથે પોલીસ અને વિજીલન્‍સ ટીમ ખડેપગે રહી હતી. અહી  રીડેવલપમેન્‍ટ સ્‍કીમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જેસીબીથી તોડાતુ બાંધકામ, બંધ રસ્‍તા પર વાહનોના ખડકલા, લોકોના ટોળા જોવા મળે છે. પોલીસ પુરા રસ્‍તા પર બંદોબસ્‍તમાં રહી હતી. તો અમુક પરિવારોને સમજાવટ કરી હતી તે પણ જોવા મળે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૪.ર૩)

રાજકોટ, તા. ૩૦ :  શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોકની  સૌરાષ્‍ટ્ર હાઈસ્‍કુલ સામે આવેલા ૪૦ વર્ષ જુના અને જર્જરીત અરવિંદભાઈ મણીયાર કવાર્ટર ખાલી કરાવીને તોડવાની પેન્‍ડીંગ કામગીરી અંતે આજે સવારથી શરૂ કરાઈ હતી. રીડેવલપમેન્‍ટ યોજના હેઠળ ખાનગી બિલ્‍ડરને આ જગ્‍યા ખાલી કરીને મનપાએ કંપનીને સોંપવાની છે. ૨૩૭ પૈકી હાલ ૩૭ લોકોનો સામાન ત્‍યાં હતો અને કોર્ટમાં ગયેલા ૧૧ વ્‍યક્‍તિ ફલેટ ખાલી કરતા ન હતા. પરંતુ સ્‍ટે ન હોવાથી આજે મનપાએ બાકી જગ્‍યા ખાલી કરાવી હતી. પાછળ પાછળ બિલ્‍ડરે જુના બાંધકામ તોડવાનું શરૂ કર્યુ હતું. અમુક પરિવારે જગ્‍યા ન છોડતા સામાન્‍ય રકઝક થઈ હતી. બાદમાં સૌએ વાહનમાં સામાન ફેરવ્‍યો હતો. સવારે એકંદરે શાંતિથી આ કાર્યવાહી થઈ હતી. જેમાં જેસીબીથી તોડાતું બાંધકામ, બંધ રસ્‍તા પર વાહનોના ખડકલા, લોકોના ટોળા જોવા મળે છે. પોલીસ પુરા રસ્‍તા પર બંદોબસ્‍તમાં રહી હતી તો અમુક પરિવારોને સમજાવટ કરી હતી તે પણ જોવા મળે છે.

શહેરના સૌરાષ્‍ટ્ર સામે આવેલ અરવીંદભાઇ મણીયાર કવાટર્સ ખાલી કરાવવા અને ડીમોલેશન કરવા માટે મનપા તંત્ર દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે કાર્યવાહી કરવામાં આવી હતી. અહી રહેતા ૩૮ થી ૪૦ ફલેટ ધારકોના સામાન ખાલી કરાવવા પણ મનપા દ્વારા મદદ કરાવવામાં આવી હતી.

મનપા દ્વારા ૪૦ વર્ષ અગાઉ અરવીંદભાઇ મણીયાર કવાટર્સ બનાવવામાં આવ્‍યા હતા. સમય જતા જર્જરીત બનેલ બીલ્‍ડીંગનો સ્‍ટ્રકચર રીપોર્ટ પણ કરાવતા તે નબળો આવતા તંત્ર દ્વારા સ્‍થાનીકોને તુરંત જગ્‍યા છોડી દેવા નોટીસ આપવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૭ માં મનપા દ્વારા અહીં પીપીપી ધોરણે ફલેટ બનાવવા માટે નક્કી કરવામાં આવ્‍યં હતું. જેના ભાગરૂપે ટેન્‍ડર પ્રક્રિયા બાદ જે.પી.ઇન્‍ફ્રાને સોંપવામાં આવ્‍યું હતું. આ જગ્‍યા ઉપર ૧૩ હાઇરાઇઝ બીલ્‍ડીંગમાં કુલ ર૮૪ ફલેટ બનાવવામાં આવનાર છે. જેમાંથી ૭૬ ફલેટ મનપાને આપવામાં આવશે.

આજની કાર્યવાહીમાં સ્‍થાનીકોએ વિરોધ કરતા બે લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. સમગ્ર ડીમોલેશન શાંતિપુર્ણ રીતે પાર પાડવા માટે પોલીસ અને વિજીલન્‍સની ટીમો ખડેપગે રહી હતી. તંત્ર દ્વારા જમીન ખુલ્લી કરીને જે.પી.ઇન્‍ફ્રાને સોંપવામાં આવશે.

અહી પીપીપી ધોરણે રીડેવલપમેન્‍ટ હેઠળ ૮૫૦૦ ચો.મી. જગ્‍યા ઉપર પપ૦ થી ૬૦૦ ફુટના ૨૮૪ ફલેટ બનાવવામાં આવશે. સમગ્ર ડીમોલેશન અંગે ગઇકાલે મ્‍યુ. કમિશ્નર દ્વારા તમામ અધિકારીઓની મીટીંગ કરી વ્‍યવસ્‍થા ગોઠવાઇ હતી.

મનપાને ૭૬ ફલેટ અપાશે

૪૦ ચો.મી.ના ર૦૮ ફલેટ મુળ રહેવાસીઓને ફાળવાશે

રાજકોટ, તા. ૩૦ : શહેરના કોટેચા ચોક પાસે સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ સામે આવેલા ૪૦ વર્ષ જુના અરવિંદ મણીયાર કવાર્ટર જર્જરીત બની ગયા હોય, થોડા વર્ષ પહેલા પીપીપી હેઠળ રી-ડેવલપમેન્‍ટ સ્‍કીમ લાગુ કરાતા પૂરી જગ્‍યા ખાલી કરાવી, બિલ્‍ડર કંપનીને કબ્‍જો સોંપવાની કાર્યવાહી  મહાપાલીકા દ્વારા કરવામાં આવી હતી.

ચાર દાયકા પહેલા સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ સામે મણીયાર કવાર્ટરનું નિર્માણ કરવામાં આવતા ૨૦૮ પરિવારો રહેવા ગયા હતા. આ યોજના જુની હોય, બાંધકામ જર્જરીત અને જોખમી થતું જતું હતું. મનપા દ્વારા પણ અવારનવાર નોટીસો આપવામાં આવતી હતી.

અંતે ૨૦૧૭માં પીપીપીના ધોરણે આ આવાસ યોજનાને રી-ડેવલપમેન્‍ટમાં લઇ જવા નિર્ણય લેવાયો હતો. ૭૫ ટકા આસામીની સંમતિ હોય એટલે રી-ડેવલપમેન્‍ટ શકય બને છે. આ માટેના ટેન્‍ડર બહાર પાડવામાં આવતા રાજકોટની જે.પી.સ્‍ટ્રકચર કંપની દ્વારા મનપાને ૭૬ ફલેટ આપવા ઓફર આપવામાં આવી હતી. ૨૦૧૮થી આ કંપનીએ જવાબદારી લેતા કવાર્ટર ફલેટધારકોને  દર મહિને વૈકલ્‍પિક ભાડુ આપવાનું શરૂ કરાયું હતું. ૧૮૦ જેટલા  જગ્‍યા ખાલી કરીને ચાલ્‍યા ગયા છે તો ૩૯ પૈકી ૧૧ રહેતા અને બાકીનાએ સામાન ત્‍યાં રાખ્‍યો છે. લાંબા વિવાદ વચ્‍ચે આ આસામીઓ પ્રકરણને હાઇકોર્ટમાં લઇ ગયા છે. પરંતુ સ્‍ટે મળ્‍યો નથી. નિયમ મુજબ તેમને જગ્‍યા ખાલી કરવા તા.૨૨-૫ના રોજ ફરી નોટીસ અપાઇ હતી. તેના જવાબમાં કવાર્ટર ધારકો એવું કહ્યું હતું કે ગેરકાયદે વસવાટ, જોખમી હાલતથી ૪૦ વર્ષ જુનુ મકાન ઉપયોગ કરી શકાય તેમ નથી. પરંતુ આ નોટીસ બદઇરાદાની છે.

રી-ડેવલપમેન્‍ટ સ્‍કીમમાં ૪૦૦ કરોડથી મોટો ભ્રષ્ટાચાર થવાનો છે. આ મકાનો વસવાટને લાયક છે. કોર્ટમાં કાર્યવાહી પેન્‍ડીંગ છે અને વેકેશનના કારણે કાર્યવાહી આગળ વધી શકતી નથી. જગ્‍યા પર ટોળુ આવીને લોકોને ધમકાવે છે. કોર્પો.ના કર્મચારી પણ બિલ્‍ડીંગ વતી કામ કરતા હોય તેવું લાગે છે. વર્ષો પહેલા કંપનીને ટેન્‍ડર અપાયા પ્રિમીયમના બદલે ૭૬ ફલેટ મહાપાલિકા વિનામૂલ્‍યે લેવાની છે. નવા ફલેટ ૫૫૦થી ૬૦૦ ફુટમાં બનવાના છે. (૪.૨૪)

 પીપીપીમાં રૈયાધાર સ્‍લમનું ડિમોલીશન સૌથી મોટુ બન્‍યું હતું

રાજકોટ, તા.૩૦: પીપીપી યોજના અંતર્ગત રાજકોટમાં ભુતકાળમાં રૈયાધાર સહિતની જગ્‍યાએ ડિમોલીશન થયા છે. સ્‍લમની જગ્‍યાએ કંપનીએ આવાસ યોજના બનાવી છે અને આગળ પોતાના પ્રોજેકટ કર્યા છે. આ નિયમો મુજબ આજે પણ  મનપા જગ્‍યા ખાલી કરાવશે અને તે બાદ બિલ્‍ડર જુના બાંધકામ તોડશે તેમ જાણવા મળ્‍યું છે.  બાકીની જગ્‍યામાં  કોમર્શિયલ ઉપયોગ કરે તે સહિતની શરતો હોય છે. મણિયાર કવાર્ટર ખાલી કરીને મનપા બિલ્‍ડર કંપનીને સોંપશે. આ બાદ કંપની ખાલી બાંધકામ તોડશે.

(2:59 pm IST)