Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

કુંડલિયા પરિવારમાં ભરત મિલાપની અલૌકીક અનુભૂતિ : શ્રી રામકથાનો હકારાત્‍મક પ્રતાપ

બે ભાઇઓ વચ્‍ચે પાંચ દાયકાના મતભેદો દૂર થયા

રાજકોટ તા. ૩૦ : રાજકોટ લોહાણા મહાજન અને વિશ્વ લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ, જાણીતા કન્‍યા કેળવણીકાર, દાનવીર સ્‍વ. શ્રી જયંતિભાઇ કુંડલિયા પરિવારના યજમાન પદે રાજકોટ લોહાણા મહાજન દ્વારા યોજાયેલ શ્રી રામકથમાં જાણીતા કથાકાર પૂ. ભૂપેન્‍દ્રભાઇ પંડયાના વ્‍યાસાસને રામકથા સંપન્‍ન થયેલ.

શ્રી રામકથાના યજમાન કુંડલિયા પરિવારના કિરીટભાઇ કુંડલિયા અને સતિષભાઇ કુંડલિયા વચ્‍ચે પાંચ દાયકાથી કેટલાક મતભેદો હોય, બંને ભાઇઓ પાંચ દાયકાથી એકબીજા સાથે સંવાદ કરવાથી કે મળવાથી અલિપ્‍ત રહ્યા હતા. તેમ છતાં બંને ભાઇઓ વચ્‍ચે મનભેદ ક્‍યારેય ન હોવાથી દુરથી પણ એકબીજાનો આદરભાવ જાળવતા હતા. કેટલીક ગેરસમજણો હોવાથી પાંચ દાયકા વિત્‍યા છતાં મનભેદો ઉકેલી શકાયા ન હતા. આ ગેરસમજણની ગ્રંથીઓનો ઉકેલ રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજીત કથા મંડપમાં ભરત મિલાપના પ્રસંગે ઉકેલ લાવી દીધેલ હતો.

કથાકાર પૂ. ભૂપેન્‍દ્રભાઇ પંડયા કથાપાન કરાવી રહ્યા હતા ત્‍યારે ભરત મિલાપનો અધ્‍યાય અદ્‌ભૂત શૈલીમાં વર્ણવી રહ્યા હતા ત્‍યારે લઘુબંધુ સતિષભાઇ કુંડલિયાને પ્રભુ શ્રી રામચંદ્રજી મહારાજની અલૌકીક અનુભૂતી થતા તેઓ ભરત મિલાપનો પ્રસંગ પુરો થતાં જ તેમના ભાણેજ ડો. તેજશ ચોટાઇ અને ડો. નીશાંત ચોટાઇને બોલાવીને કહ્યું કે, મારે પણ મારા જયેષ્‍ઠ બંધુ કિરીટભાઇને મળવા તેમના ઘરે જવું છે અને કથામાં બંને સાથે બેસીને ક્ષમાયાચના કરવી છે તેવો શુભ ઇરાદો વ્‍યકત કરતા કુંડલિયા પરિવારમાં હર્ષ ઉલ્લાસની લાગણી વ્‍યાપી ગઇ હતી.

સતિષભાઇ પોતાના વરિષ્‍ઠ બંધુ કિરીટભાઇને ભેટવા માટે તેમના નિવાસસ્‍થાને દોડી ગયા હતા. સામે બમણા ઉમળકાથી લઘુબંધુ સતિષભાઇનું સ્‍વાગત કિરીટભાઇ કુંડલિયાએ કરેલ ત્‍યારે સ્‍વર્ગમાંથી તેમના પિતાશ્રી સ્‍વ. જયંતિભાઇ કુંડલિયા, સ્‍વ. જશવંતીબેન કુંડલિયા, સ્‍વ. મીનાબેન કુંડલિયા બંને ભાઇઓ ઉપર આશિષ વરસાવી રહ્યા હોય તેવી અલૌકીક અનુભૂતી થઇ હતી.

કિરીટભાઇ કુંડલિયા અને સતિષભાઇ કુંડલિયાએ એક સાથે બેસીને કથા શ્રવણ કરીને એકબીજાને ઘરે જમવા માટે આમંત્રણો પાઠવીને સબંધોને પુનઃજીવીત કરી એકબીજાની ક્ષમાયાચના કરતા જાણે કુંડલિયા કુટુંબમાં ભરત મિલાપનો પ્રસંગ ઉજવાઇ રહ્યો હોય તેવી અનુભૂતી થઇ હતી. બંને ભાઇઓનો મિલાપ કરાવવામાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને ડો. નિશાંતભાઇ ચોટાઇએ શ્રી રામકથાના માધ્‍યમથી અગત્‍યની ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

(4:15 pm IST)