Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

અનેક માનવીઓમાં આજે પણ અહંકારરૂપે રાવણ જીવે છે : પૂ. ભૂપેન્‍દ્રભાઇ

ધર્મ અને સંસ્‍કૃતિની રક્ષા માટે દરેક દંપતીને ત્રણ સંતાનો હોવા જોઇએ : વ્‍યાસપીઠ વિધાન : રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામ કથામાં પૂ. ભૂપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણી : સૂર્ય, શિવ, ગણેશ, અંબા અને વિષ્‍ણુ... પંચાયતન પૂજાથી જીવનનો સર્વાંગી વિકાસ થાય છે : માનવીનું સુક્ષ્મ મન ભગવાન રામ સાથે મૈત્રી કરે તો જ શુધ્‍ધ થાય છે : જ્‍યાં જ્ઞાન, ભકિત અને વૈરાગ્‍યનો વરસાદ વરસે એનું નામ છે પ્રવર્ષણ પર્વત : જે મિત્ર નથી એ શત્રુ થાય તો વાંધો નથી, પણ જ્‍યારે મિત્ર શત્રુ બને છે ત્‍યારે જીવને દુઃખ થાય છે : ભૂલ કરવી એ સાધારણ ગુનો છે, પણ ભૂલ કબૂલ ન કરવી એ મોટો ગુનો છે

રાજકોટ તા. ૩૦ : રાજકોટની ભાગ્‍યશાળી ભૂમિ પર રાજકોટ લોહાણા મહાજન દ્વારા યોજાયેલ શ્રી રામકથાની ગઇકાલે પૂર્ણાહુતિ થઇ હતી. મન સરોવરથી માન-સરોવર સુધીની યાત્રા કરાવતી પ્રેરણાદાયી આ કથા હજારો ભાવિક શ્રોતાઓએ મનભરીને માણી હતી. શ્રી રામકથાને જેણે આત્‍મસાત કરી છે એવા પીઢ અને અનુભવી કથાકાર પૂ.શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના મુખેથી કહેવાયેલી રામકથા રાજકોટના ભાવિકો માટે યાદગાર બની જશે જેમાં બેમત નથી.

રામકથાના અંતિમ ચરણમાં શનિ-રવિ બે દિવસ કથાના ઉપક્રમમાં વ્‍યાસપીઠેથી અરણ્‍યકાંડની સમાપ્‍તિમાં સંતના લક્ષણો બતાવ્‍યા. શ્રી રામચંદ્રજીએ નારદજીને સંતના લક્ષણો સમજાવ્‍યા, એટલાં માટે કે, માનવ સંતને શોધવા જાય નહિ પણ સંત બનવાનો પ્રયત્‍ન કરે, સંત બનવા માટે ઘર છોડવું પડે એવું કંઇ નથી. ઘરમાં રહીને પણ સંત બની શકે છે, મીરાબાઇ રાજમહેલમાં રહેતા હતા. સાધુ બનવા માટે ધંધો છોડવાની પણ જરૂર નથી, ધંધો ધર્મથી, નિતીથી કરો. પાપની બીક રાખીને કરો. કોઇનું મફત લેવાની ઇચ્‍છા રાખવી નહિ. સંત બનવા માટે કપડાં બદલવાની જરૂર નથી, કાળજુ બદલવાની જરૂર છે. સંતની દૃષ્‍ટિ ગુણમય હોય છે સર્વમાં સદ્‌ગુણ જુએ છે.

શનિવારે શ્રી રામ કથાનો ક્રિષ્‍કિન્‍ધાકાંડમાં પ્રવેશ કર્યો. આ જીવ અને શિવની મૈત્રીની કથા છે, ઇશ્વર જીવ સાથે પ્રેમ કરે છે ત્‍યારે કોઇ પણ અપેક્ષા રાખીને પ્રેમ કરતા નથી, પરમાત્‍મા સ્‍વયં આનંદરૂપ છે. આનંદ જીવની પાસે છે પણ જીવ આનંદને બહાર શોધે છે. માનવી તો આનંદ કોઇને આધિન ન હોવો જોઇએ, જો અન્‍યને આધિન હશે તો તેના જીવનમાં દુઃખ આવશે જ. આ કાંડની કથાના વિરામમાં વ્‍યાસપીઠેથી પ્રેરક વાતો થઇ કે, જગત ઇશ્વરથી જુદુ નથી. પ્રત્‍યેક પદાર્થ ભગવાનમાં રહેલો છે, વિરાટ પુરૂષની ધારણા કરવાથી મન શુધ્‍ધ થાય છે, સૂક્ષ્મ મન તો પરમાત્‍મા સાથે મૈત્રી કરો તો જ શુધ્‍ધ થાય છે.

શ્રી રામ કથા ઉપક્રમમાં શ્રી રામ-લક્ષ્મણ શબરીનો ઉધ્‍ધાર કરીને ઋષ્‍યમૂક પર્વત પાસે પધાર્યા, આ પર્વત ઉપર સુગ્રીવ તેના ચાર મંત્રીઓ સાથે બેઠાં હતા, તેમણે રામ - લક્ષ્મણને આવતા જોયા સુગ્રીવ ગભરાયો. સુગ્રીવે હનુમાનજીને કહ્યું, આ બે મહાપુરૂષો કોણ છે ? વાલીએ મને મારવા તો નથી મોકલ્‍યાને ? હનુમાનજીનું શ્રી રામ સાથે અહિ પ્રથમ મિલન થયું. અરસ-પરસ પરિચય થયો. સુગ્રીવ સાથે મિલન, સુગ્રીવે એમની વેદના વર્ણવી, મોટાભાઇ વાલી મને મારી નાખવા માગે છે, આ માનસિકતા કેમ છે તેની બધી વિગતો સુગ્રીવે રામ પાસે રજુ કરી. રામે વાલીનો વધ કરવાની ખાત્રી આપી. રામચંદ્રજીએ સુગ્રીવ સાથે મૈત્રી કરી. વાલી - સુગ્રીવ વચ્‍ચે યુધ્‍ધ, યુધ્‍ધમાં શ્રી રામે વાલીનો વધ કર્યો, વાલીએ સુગ્રીવની પત્‍નિ સાથે કુદૃષ્‍ટિ કરી હતી એટલે તેને મારવામાં પાપ નથી. વાલીનું રાજ્‍ય સુગ્રીવને સોંપીને રામ સીતાની શોધમાં નીકળી પડયા. હનુમાનજી અને વાનરો ચારે દિશામાં ગયા. સીતાજી ક્‍યાં છે તેના સમાચારો મળ્‍યા, સમુદ્ર પાર લંકામાં સીતા છે, ત્‍યાં કોઇ જઇ શકે એનો નિર્ણય કરવા વાનરોની સભા મળી, જેમાં વાયુ પુત્ર હનુમાને તૈયારી બતાવી.

હનુમાનજીના દિવ્‍ય પરાક્રમોનું વર્ણન સુંદરકાંડમાં છે. હનુમાને તેના વાનરોની મદદથી ૯ હજાર વર્ષ પહેલા ભારત અને લંકાને જોડતો સેતુ-પુલ માત્ર પાંચ દિવસમાં બનાવ્‍યો, જે પુલ આજે પણ છે. પ્રથમ હનુમાનજી લંકામાં જાય છે, લંકાને ભડકે બાળે છે, સીતાજીને મળીને, બધી માહિતી લઇને હનુમાન રામેશ્વરની આસપાસના વિસ્‍તારમાં આવીને પ્રથમ વાનરો પછી શ્રી રામ - લક્ષ્મણને મળીને લંકામાં સીતાજીને મળી આવ્‍યાના સમાચાર આપે છે પરંતુ તેને ત્‍યાં શું પરાક્રમ કર્યા તેની વિગત તો તેની સાથે શ્રી રામને મોકલેલ લંકાના ઋષિઓની ચીઠ્ઠી વાંચીને રામને ખ્‍યાલ આવ્‍યો.

શ્રી લંકામાં રાવણની સાથે યુધ્‍ધ કરવાનો સંકલ્‍પ દૃઢ બન્‍યો. આ સમયમાં રાવણને તેની પત્‍ની મંદોદરી, પુત્ર અંગદ રામને શરણે જઇ માફી માગવા સલાહ આપે છે પરંતુ રાવણ કોઇનું માન્‍યો નહિ, અંતે યુધ્‍ધ થયું અને શ્રી રામના બ્રહ્માષાથી રાવણનું મૃત્‍યુ થયું. યુધ્‍ધ દરમિયાન રાવણ પક્ષના તીરથી લક્ષ્મણ મૂર્છિત થયા, તેને શુધ્‍ધિમાં લાવવા હિમાલયમાંથી જડીબુટ્ટી લાવવા હનુમાન જાય છે, દીર્ઘદૃષ્‍ટિથી હનુમાન પર્વત ઉપાડી લાવે છે. આ ઇલાજથી લક્ષ્મણ ભાનમાં આવે છે અને યુધ્‍ધ સમાપ્‍ત થતાં વિભિષણને લંકાનું રાજ્‍ય સોંપીને શ્રી રામ - સીતા, લક્ષ્મણ અને હનુમાન કેટલાક વાનરો સાથે અયોધ્‍યામાં આવે છે, શ્રી રામનો રાજ્‍યાભિષેક થાય છે, અયોધ્‍યાની પ્રજા ખુશખુશાલ છે.

કથાના ઉપક્રમ ઉત્તરકાંડ રામ રાજ્‍યની વાતો છે. પરમાત્‍માની કૃપાથી શ્રી રામ કથાનો જ્ઞાનયજ્ઞ પરિપૂર્ણ થાય છે. ‘હરયે નમઃ ઇતિ ઉચ્‍ચૈર્વિમુચ્‍યતે સર્વયાતકાત' આ મહામંત્રી ભગવાનના ચરણમાં ભાવપૂર્વક વંદન કરતા કરતાં ત્રણ વાર બોલાયો, અજાણતામાં યજ્ઞમાં કંઇ પ્રમાદ થયો હોય તો, ભૂલ થઇ હોય તો પરમાત્‍મા માફ કરશે. હરયે નમઃ, હરયે નમઃમાં હરયે નમઃ સિયાવર રામચંદ્ર ભગવાનનો જય હો.

કથા દરમિયાન વ્‍યાસપીઠેથી કેટલાક વિધાનો કરવામાં આવ્‍યા છે, જે કથાનું શ્રવણ કરનારને પ્રેરણા આપનારા છે. ભારતીય સંસ્‍કૃતિમાં પાંચ સતિઓ... અહલ્‍યા, દ્રૌપદી, સીતા, તારા અને મંદોદરીનું અતિ મહત્‍વ છે. આ પાંચ સતિઓના નામનું સ્‍મરણ કરે તેના પાપ ધોવાય જાય છે, રામકથા સમુદ્ર છે, તેમાં દરેક છલાંગમાં નવું રત્‍ન પ્રાપ્‍ત થાય છે, અનેક માનવીઓમાં આજે પણ રાવણ અહંકારરૂપે જીવે છે, વિપત્તિના સમયમાં મિત્રને વિશેષ પ્રેમ કરે તે સાચો મિત્ર છે.

રામાયણ હિન્‍દુ ધર્મની પવિત્ર સંસ્‍કૃતિ છે, યુગે યુગે તત્‍કાલિન માનવ સમાજને જીવન જીવવાની પ્રેરણા આપી છે. ‘પ્રિતી કરૈ રામાયણ માહી, તેહીસમ ભાગ્‍યવંત કોઇ નાહીં.' ભૂતળ ઉપરના માનવ માત્રને જીવન જીવવાનું માર્ગદર્શન અને પ્રેરણા આપતો ગ્રંથ એક માત્ર રામાયણ છે, તેની સાથે પ્રિતી કરે એના જેવો ભાગ્‍યશાળી કોઇ નથી. દરેક સદીના સાહિત્‍ય સમ્રાટો, સંતો-મહંતોએ તેમના અનુભવ અને અભ્‍યાસના આધારે કહ્યું છે કે, ‘રામાયણથી ભારત વર્ષનો સ્‍વાર્થદોષ જેટલો દૂર થયો છે, તેટલો કોઇ નીતિવેતા, ધર્મવેતા, સમાજ સુધારક, રાજપુરૂષ કે રાજાથી દૂર થયો નથી.' જગતનો પ્રાચીન ઇતિહાસ વાંચવાવાળા કહે છે કે ‘માનવ સમાજમાં વેદોનો પ્રચાર ઓછો થયા પછી જો કોઇ પણ રસાયણે હિન્‍દુજાતિને જીવતી રાખી હોય તો તે રામાયણ છે.' આ અમૂલ્‍ય ગ્રંથે કેટલાય ભૂલા ભટકયાને સન્‍માર્ગે લાવ્‍યા છે, આ ગ્રંથ વ્‍યથિત હૃદયને શિતળ કરે છે, વિમુખને સન્‍મુખ કરે છે. રામાયણના વ્‍યાપક ભાવોમાં તલ્લીન થવું અને સર્વ પ્રકારે તે મુજબ વર્તવું એ જ એની સાચી પૂજા છે.

 

શ્રી રામ કથામૃત : જીવનોપયોગી મુખ્‍ય અંશો

  • ભગવાન શ્રી રામ ભારતીય સંસ્‍કૃતિના આદર્શ છે.
  • રામકથા સમુદ્ર છે, દરેક છલાંગમાં નવું રત્‍ન પ્રાપ્‍ત થાય છે.
  • જીવનમાં સદ્‌્‌ગુરૂનો પ્રકાશ આવે છે ત્‍યારે દુર્ગુણોએ જવું પડે છે.
  • જે મિત્ર તેના મિત્રના દુઃખમાં દુઃખની થાય છે તે સાચો મિત્ર છે.
  • દરેક વ્‍યકિતમાં સુષપ્ત શકિત હોય છે, આ ઉર્જાને જાગૃત કરવી જોઇએ.
  • ક્રિષ્‍કીન્‍ધાકાંડ જીવન અને ઇશ્વરની મૈત્રીની કથા છે.
  • મહાપુરૂષો સાથે વાદ-વિવાદ કરે તેનું કલ્‍યાણ થતું નથી.
  • ભગવાન શ્રી રામે જગતને મૈત્રીનો આદર્શ બતાવ્‍યો છે.
  • વેર અને વાસના સાથે મૃત્‍યુ પામે તેને સદ્‌્‌ગતિ મળતી નથી.
  • આનંદ અન્‍યને આધિન, પરતંત્ર હશે તો અવશ્‍ય દુઃખ આપશે.
  • આનંદ બહાર નથી, આનંદરૂપ શ્રી રામ સૌથી અંદર બિરાજેલાં છે.
  • બે ધર્મો વચ્‍ચે કદી લડાઇ થતી નથી, અધર્મો વચ્‍ચે જ લડાઇ થાય છે.
  • રામ સત્‍યાવતર, કૃષ્‍ણ પ્રેમાવતાર અને શંકર કરૂણાવતર છે.
  • નવાં દોસ્‍ત અને જુના શત્રુથી હંમેશા સાવધ રહેવું.
  • મન શુધ્‍ધ થાય છે ત્‍યારે જ હૃદયમાં જ્ઞાનની સરવાણી ફૂટે છે.
  • અજ્ઞાન અને અભિમાન બંને સુખના દુશ્‍મનો છે.
  • દરેક માણસ પોતાનું આંગણું વાળી નાખે એટલે આખી દુનિયા ચોખ્‍ખી થઇ જાય.
  • દરેક વૃક્ષ નિષ્‍કામ સેવાનું પ્રત્‍યક્ષ પ્રતિક છે.
  • શત્રુ, રોગ, અગિ્ન અનેસ્ત્રીની કયારેય ઉપેક્ષા ન કરો.
  • જેના મનમાં જીવનમાં ઘરમાં સત્‍સંગ છે ત્‍યાં કળયુગ પ્રવેશી શકતો નથી.
  • સ્‍વાભાવ કે પ્રકૃતિ કયારેય બદલાશે નહી, કેવળ દૃષ્‍ટિ બદલો.
  • આ દુનિયામાં ઢીલ દેશે તેનો પતંગ કયારેય કપાશે નહિ.
  • ભગવાને દરેક માનવીને તેની યોગ્‍યતા અને પાત્રતા કરતા વધુ આપ્‍યું છે.
  • અધર્મ ઘૃણા કરવા લાયક નથી, અધર્મ છે તો ધર્મમાં રૂચી થાય છે.
  • ગઇકાલ કેવળ સ્‍વપ્‍ન હતું, આવતી કાલ કેવળ કલ્‍પના છે માટે વર્તમાનમાં જીવો
  • નિષ્‍કામ અને દાસ ભાવે થતાં દરેક સદ્‌્‌કાર્યોમાં ભગવાનની કૃપા હોય છે.
  • જીવનમાં કંઇ બનવું હોય તો સોય બનજો, કાતર બનવાની, કયારેય કોશિષ કરશો નહી.
  • ગરીબોની કયારેય હાંસી ન કરો તેના અંતરાત્‍માની બદ્ દુવા લાગે છે.
  • સંત બનવા માટે કપડાં બદલવાની જરૂર નથી, કાળજુ બદલવાની જરૂર છે.      
(3:05 pm IST)