Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

વિદ્યુત સહાયક પેપરઃ પરીક્ષા પહેલા જે પ્રશ્‍નપત્ર પેકેટમાં આવેલ તે તમામ પેકેટ સીલ હતાઃ કોઇ ઉમેદવારને અન્‍યાય નથી

પીજીવીસીએલના જનરલ મેનેજર કટારાની સ્‍પષ્‍ટતાઃ બ્‍લોકવાઇઝ પેકેટ પણ સીલપેક હતા

રાજકોટ તા. ૩૦: ગઇકાલે તા. ર૯ રવિવારના રોજ કુલ ૧૭૬૪૯ ઉમેદવારો માટે વિદ્યુત સહાયક (જુનીયર આસીસ્‍ટન્‍ટ) ની ભરતી માટે લેખીત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. જેના સંદર્ભે પીજીવીસીએલના ધ્‍યાનમાં આવેલ છે કે પરીક્ષાના બે (ર) કેન્‍દ્રમાં વિદ્યાર્થીને આપવામાં આવેલ અંદાજે ૪૦ (ચાલીસ) ઉમેદવારોના પ્રશ્‍નપત્રનું સીલ ખૂલેલું હતું. જે બાબતે સ્‍પષ્‍ટતા કરવાની કે પરીક્ષા શરૂ થયા પહેલા પ્રશ્‍નપત્ર જે પેકેટમાં આવેલા હતા, તે તમામ પેકેટ સીલ પેક હતા તથા તે સીલ પેક કવર વિદ્યાર્થીઓને બતાવવામાં પણ આવેલ હતા તથા તેનું રેકોર્ડીંગ કરી ખોલવામાં આવેલ છે. વધુમાં કેન્‍દ્ર પર લવાયેલ બોક્ષ તેમજ બ્‍લોક વાઇઝ પ્રશ્‍નપત્રના પેકેટ પણ સીલપેક જ હતા અને જે તમામનું રેકોર્ડીંગ પણ કરવામાં આવેલ છે. ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો બાબતે વધુ સ્‍પષ્‍ટતા કરવાની કે ઉમેદવારના પ્રશ્‍નપત્ર આપવામાં આવતું સીલ એ માત્ર નિર્ધારિત સમયે પ્રશ્‍નપત્ર ખોલવા માટે આપવામાં આવતું વધારાનું સીલ હોય છે જે ગોપનીયતા માટે નથી હોતું.

આમ, તમામ હકીકત જોતા વિદ્યુત સહાયક (જુનીયર આસીસ્‍ટન્‍ટ)ની ભરતી માટે તા. ર૯-૦પ-ર૦રર ના રોજ લેવામાં આવેલ પરીક્ષામાં કોઇપણ ઉમેદવારોને અન્‍યાય થવાનો પ્રશ્‍ન રહેતો નથી. 

(11:35 am IST)