Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

ચેતો...ઓનલાઇન એપથી લીધેલી લોન મુંબઇની ગુજરાતી યુવતીને મોત સુધી દોરી ગઇ!

રિકવરી એજન્ટના માનસિક ત્રાસથી આશાસ્પદ ડ્રમર અને શ્વાન પ્રેમી દક્ષાની જીંદગી ઉપર અકાળે પુર્ણવિરામ આવી ગયું મુંબઇની ગુજરાતી યુવતી સારી ડ્રમર હતી. તેનું હસતુ ખેલતું વ્યકિતત્વ લોન એજન્ટોના માનસિક ત્રાસના કારણે અકાળે મુરજાઇ ગયું.

મુંબઇ, તા., ર૮ઃ મુંબઇની ગોરાઇ પોલીસને ગયા અઠવાડીયે ગોરાઇ બીચ પરથી  એક મહિલાની ડેડ-બોડી મળી હતી. જેણે આત્મહત્યા કરી હતી. એની વધુ તપાસ કરતા એ મહિલા ભાઇદરમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના પરીવારજનોને આ બાબતની માહીતી આપી એડીઆર નોંધીને તપાસ શરૃ કરી હતી. મહિલાના પરીવારજનોને મહિલાએ આત્મહત્યા કરતા પહેલા લખેતી સુસાઇડ નોટ મળી આવી હતી. એમાં લોનના રિકવરી એજન્ટો વારંવાર પરેશાન કરતા હોવાથી તે આત્મહત્યા કરતી હોવાનું જણાવ્યું હતું. એ પછી પરિવારજનોએ નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભાઈંદર પોલીસે આપેલી માહિતી અનુસાર ૧૬ માર્ચે ગોરાઈ પોલીસને ગોરાઈ બીચ પરથી ૪૨ વર્ષની દક્ષા બોરીચા નામની મહિલાની ડેડ-બોડી મળી હતી. પ્રાથમિક માહિતીમાં તે મહિલાએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેની પાસેથી મળેલી વસ્તુઓના આધારે તેના પરિવારજનોનો સંપક કર્યો હતો અને એડીઆર નોંધી હતી. પરિવારજનોને દક્ષાએ લખેલી સુસાઈડ નોટ તેના કબાટમાંથી મળી હતી. એમાં તેણે જણાવ્યું હતું કે તેણે કિવક લોન અને સનશાઇન લોનની એપમાંથી લોન લીધી હતી. એના હપ્તા તેણે સમયસર ભરી દીધા હતા. એ પછી પણ ઓનલાઇન એપના રિકવરી એજન્ટો તેને હપ્તા ભરવા માટે ફોન કરતા હતા અને એ ન ભરવા બદલ તેના ફોટો મોર્ફ કરીને તેના પરિવારજનોને મોકલવાની ધમકી આપતા હતા. એની સાથે તેમણે મોર્ફ કરેલા અમુક ફોટો પણ મોકલ્યા હતા, આ બધાં કારણોથી કંટાળીને તે આત્મહત્યા કરતી હોવાનું સુસાઇડ નોટમાં જણાવ્યું હતું. એ પછી તેના પરિવારજનોએ નવધર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરનારી લોન-એપ્લિકેશનો સામે અને રિકવરી એજન્ટો સામે ફરિયાદ નોંધાવી હતી.

દક્ષા બોરીચાના ભાઈ જતીન બોરીચાએ પોલીસને ફરિયાદમાં કહ્યું હતું કે દક્ષા ૧૪ માર્ચે સવારે ૧૦ વાગ્યે નાગપુર જવા માટે દ્યરેથી નીકળી હતી. એ પછી તેનો ફોન બંધ થઈ ગયો હતો. પરિવારના સભ્યોએ વારંવાર ફોન પર તેનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. આ ઉપચંત આસપાસના લોકો અને અન્ય પરિવારજનોના દ્યરે પણ દક્ષાની પૂછપરછ કરી હતી. જોકે કોઈ જગ્યાએ દક્ષાની માહિતી મળી નહોતી.

અંતે પરિવારજનોએ નવધર પોલીસ સ્ટેશનમાં દક્ષાની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.

જતીનભાઈએ કહ્યું હતું કે દક્ષાના મૃત્યુ માટે જવાબદાર ઓનલાઇન એપ્લિકેશનના રિકવરી એજન્ટો સામે અમે પોલીસમાં ફરિયાદ કરી છે. તેઓ તપાસ કરી રહ્યા છે. જે એપના એજન્ટો દક્ષાને પરેશાન કરી રહ્યા હતા એ એપ્લિકેશનો ગૂગલના પ્લે-સ્ટોર પર પણ નથી. એજન્ટો દક્ષાના મોર્ફ કરેલા ફોટો વાઇરલ કરવાની ધમકી આપી રહ્યા હતા.

નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર મિલિંદ દેસાઈએ કહ્યું કે અમે દશ્રા બોરીચાના પરિવારજનોની ફરિયાદ પર લોનના રિકવરી એજન્ટો અને ઓનલાઇન લોન આપતી કંપની સામે આત્મહત્યા કરવા માટે પ્રેરવાની કલમો હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૃ કરી છેે

પોલીસને સંબોધી લખેલી સ્યુસાઇડ નોટ

આ લેટર પોલીસ માટે છે...હું દક્ષા ખોડીદાસ બોરીચા મરતાં પહેલા જણાવવા ઇચ્છુ છું કે મેં આત્મહત્યા કરી છે. મારી ભુલ એટલી છે કે લોન લેવા માટે મેં ભુલથી એક ફોર્મ ભર્યુ હતું. એપ્લીકેશનમાં મેં ડિટેઇલ ભરી હતી તેના આધારે એ લોકોએ મને ફોન કર્યા વગર જ મારી લોન પાસ કરી દીધી હતી. લોનમાં લખ્યું હતું ૧૨ હજાર, પણ એકાઉન્ટમાં ૬ હજાર જ હતાં. વળી ૭ દિવસમાં રીપેમેન્ટ કરવાનું પણ દેખાડ્યું હતું. એપ્લીકેશનનું નામ કવીક લોન એવું છે. મેં ટાઇમસર લોન ભરી દીધી હતી પણ એ લોકોએ અપડેટ ન કરી બાદમાં ટોર્ચર કરવાનું ચાલુ કર્યુ હતું.

લોન નહિ ભરે તો તારા પરિવાર અને મિત્રોને તું ચોર છે દગાબાઝ છે તેવા મસેજ મોકલીશું. ગભરાઇને મેં બીજી એપથી લોન લીધી અને કવીક લોનની એમાઉન્ટ રૃા. ૧૨ હજાર ભરી દીધી. પણ ફરીથી એ લોકોએ ચીટીંગ કર્યુ અને કહ્યું કે રકમ મળી નથી. આમ કહી તેણે મારા જીજુ દિપક પારઘીને મેસેજ કર્યો કે દક્ષા બોરીચા ચોર છે, લોન ભરતી નથી. મેં એની લોન ભરી દીધી અને તેની ડિટેઇલ મારા એકસીસ બેંકના એકાઉન્ટમાં સ્ટેટમેન્ટથી જોવા મળશે.  

આ રીતે ઓનલાઇન એક પ્લેસ્ટોર મારફત જે લોન આપે છે તેની સામે કાર્યવાહી શરૃ કરો.

સનશાઇન લોન એપ...આ લોકોએ પણ આવુ જ કર્યુ. તમામ ડિટેઇલ મારા ફોનમાં છે. કવીક લોનવાળાએ મને ધમકી દીધી કે મારા ફોનની તમામ ડિટેઇલ તેની પાસે છે અને એ હવે મારા નામે લોન લઇ પૈસા મેળવી લેશે. હવે મને કેટલાક લોકો રોજ ફોન કરે છે કે તમે લોન લીધી છે તો પૈસા ભરો. મારી પાસે હવે કંઇ નથી આથી હું જીવ આપી રહી છું.

મેં કંઇ ખોટુ નથી કર્યુ આમ છતાં મેં લોનના પૈસા ભર્યા, છતાં ગદ્દાર લોકોએ કહ્યું કે અમને પૈસા મળ્યા નથી. આ લોકો માત્ર યુપીઆઇ આઇડીથી જ લોન એમાઉન્ટ લે છે અને ગાયબ થઇ જાય છે. આ લોકોના ફોન નંબર નથી, બધા બિઝનેસ નંબર છે. કોલ કરતાં નથી, માત્ર વોઇસ મેસેજ મોકલે છે. (૪.૧૦)

-ડી. કે. બોરીચા

(3:48 pm IST)