Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

પુરવઠાના દુકાનદારોનું સાયબર (ઢીંગલી) કૌભાંડઃ ર૮ ધંધાર્થીઓને નોટીસોઃ કાલથી DSO સમક્ષ સુનાવણી

રાજકોટના ર૮ નાના-મોટા દુકાનદારોને ત્યાં ૮ થી ૧પ લાખનો માલ સીઝ કરાયો હતો પુરવઠાના એક કલાર્કની શંકાસ્પદ મિલી ભગતની ભારે ચર્ચાઃ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા મોટા માથા...

રાજકોટ તા. ર૮: રાજકોટ સહિત રાજયભરમાં પુરવઠાના સંખ્યાબંધ સસ્તા અનાજના દુકાનદારોને સંડોવતું સાબરકાંઠા પોલીસે ઝડપી લીધેલું સાયબર (ઢીંગલી)સોફટવેરનું કૌભાંડ ઝડપી લીધું હતું, આ દુકાનદારોએ સાંકળ રચી-મીલી ભગત કરી આખો ઢીંગલી નામનો સોફટવેર ગયા વર્ષે બનાવી લાખો-કરોડોની કિંમતનું ગરીબોનું અનાજ બારોબાર વેચી નાંખ્યું હતું, આ કૌભાંડમાં રાજકોટના જ ર૮ સસ્તા અનાજના દુકાનદારોના નામો ખુલ્યા હતા, પરીણામે તપાસ શરૃ થઇ, પરંતુ ગમે તે બન્યું. રાજકોટના પુરવઠા તંત્રે કશું નહિં ઉકાળતા જે તે વખતે વર્તમાન કલેકટરશ્રીએ ફેર તપાસના આદેશો કર્યા હતા, અને તેમાં કાર્ડ હોલ્ડરોના નિવેદનો વિગેરે કાર્યવાહી થતા રાજકોટના ર૭ થી ર૮ સસ્તા અનાજના દુકાનદારોને ત્યાં પુરવઠાએ ૮ થી ૧પ લાખ કે તેથી વધુ કિંમતનો જથ્થો પણ સીઝ કર્યો હતો, અને કલેકટરને રીપોર્ટ કરાયો હતો.

સંડોવાયેલા આ દુકાનદારોમાં અમુક તો રાજકીય પક્ષો સાથે સંકળાયેલા પણ છે, આ મોટા માથાઓ સહિત કુલ ર૮ ને  DSO દ્વારા નોટીસો ફટકારાઇ છે, અને હવે કાલથી ૧૦ થી ૧ર ના જુથમાં  DSO દ્વારા આ તમામ કેસમાં સુનાવણી શરૃ થશે.

પુરવઠાનો આ કેસ આમ પણ ભારે ચર્ચાસ્પદ બન્યો છે, પુરવઠાની અને અન્ય કર્મચારીઓની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ રાજકોટના પુરવઠાના એક સિનિયર મોસ્ટ કલાર્ક તરફ ભીનું સંકેલવા અંગે મિલી ભગતની ભારે ચર્ચા છે, જો કે સતાવાર ઉચ્ચ વર્તુળો આ બાબતની ના જણાવી રહ્યું છે.

(4:48 pm IST)