Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સિવિલના અધિક્ષકનો ચાર્જ ડો. ત્રિવેદી પાસેથી ખેંચી લેવાયોઃ જેમને સોંપાયો તે ડો. ભટ્ટ રજા પર

સોમવારે શું થશે? તેના પર સોૈની નજરઃ વર્ષોથી ઇન્‍ચાર્જથી ગાડુ ગબડાવાય છેઃ પીડીયુ હોસ્‍પિટલ હજુ પણ કાયમી અધિક્ષકથી દૂર

રાજકોટ તા.૨૮: સિવિલ હોસ્‍પિટલમાં  તબિબી અધિક્ષકની કાયમી નિમણુંક ન હોઇ ઇન્‍ચાર્જને આધારે વહિવટ ચાલી રહ્યો છે. હાલમાં તબિબી અધિક્ષક તરીકે ડો. આર. એસ. ત્રિવેદી પાસે ચાર્જ હતો. તાજેતરમાં આરોગ્‍ય મંત્રી સિવિલ હોસ્‍પિટલને મુલાકાતે આવ્‍યા હતાં. એ પછી ગઇકાલે અચાનક જ ઇન્‍ચાર્જ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીને આ ચાર્જમાંથી છુટા કરવાનો આદેશ ગાંધીનગરથી થતાં હોસ્‍પિટલ વર્તુળોમાં ચર્ચા જાગી છે. તેમના સ્‍થાને સર્જરી વિભાગના વડા ડો. જતીન જી. ભટ્ટને ચાર્જ સોંપવામાં આવ્‍યો છે. જો કે તેઓ રજા પર હોઇ અને આજે શનિવારે તથા આવતીકાલે રવિવારે રજા રહેતી હોઇ હવે ચાર્જ સોમવારે કોણ સંભાળશે? તે તરફ હોસ્‍પિટલના અધિકારીઓ, કર્મચારીઓની મીટ મંડાઇ છે.

  અગાઉના ઇન્‍ચાર્જ અધિક્ષક ડો. મનિષ મહેતાની બદલી થયા બાદ તેમના સ્‍થાને ડો. પંકજ બુચને મુકવામાં આવ્‍યા હતાં. જો કે એ પછી થોડા જ સમય બાદ ફિઝીયોલોજી વિભાગના પ્રો. ડો. આર. એસ. ત્રિવેદીને તબિબી અધિક્ષકની જવાબદારી સોંપાઇ હતી. તેમના ઇન્‍ચાર્જ તરીકેના કાર્યકાળમાં પણ અમુક મહત્‍વની ફરિયાદો જેમની તેમ રહી હતી. એ પછી રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ પણ ઓચીંતી સિવિલ હોસ્‍પિટલની વિઝીટ કરી છીંડા પકડી પાડયા હતાં. ત્‍યાં થોડા દિવસ પહેલા જ આરોગ્‍ય મંત્રીશ્રી ઋષીકેશ પટેલ ઓચીંતા સિવિલ હોસ્‍પિટલની મુલાકાતે આવ્‍યા હતાં. ત્‍યારે પણ વહિવટી કોૈશલ્‍યનો અભાવ જોવા મળ્‍યાની ફરિયાદો ઉઠી હતી.

આ વચ્‍ચે ગઇકાલે અચાનક જ ગાંધીનગર આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના ઉપસચિવશ્રી વી. એમ. પટેલની સહી સાથેનો આદેશ થયો હતો. જેમાં રાજકોટ પીડીયુ સિવિલ હોસ્‍પિટલના તબિબી અધિક્ષકની વધારાની કામગીરી ૧૬/૧૦/૨૧થી સંભાળી રહેલા ડો. રાધેશ્‍યામ એસ. ત્રિવેદી કે જે ફિઝીયોલોજીના પ્રાધ્‍યાપક છે તેમને અન્‍ય આદેશ ન થાય ત્‍યાં સુધી સોંપાઇ હતી તેમાંથી તેમને છુટા કરવામાં આવે છે. તેમની ખાલી જગ્‍યાનો ચાર્જ સર્જરી વિભાગના વડા ડો. જે. જી. ભટ્ટને સોંપવામાં આવે છે.

જાણવા મળ્‍યા મુજબ જેમને ચાર્જ સોંપાયો છે તે ડો. જીતન ભટ્ટ રજા પર ઉતરી ગયા છે. આજે રજાનો શનિવાર હોઇ અને આવતીકાલે રવિવાર હોઇ હવે સિવિલ હોસ્‍પિટલ તબિબી અધિક્ષકનો ઇન્‍ચાર્જ તરીકેનો ચાર્જ સોમવારે કોણ સંભાળશે તે તરફ સોૈની નજર છે. ડો. જતીન ભટ્ટ સોમવારે હાજર ન થાય તો ચાર્જમાં કોણ રહેશે? ડો. ત્રિવેદી યથાવત રહે છે કે અન્‍ય કોઇને અધિક્ષકનું સ્‍થાન સોંપાય છે? તે અંગે હોસ્‍પિટલ વર્તુળોમાં અલગ અલગ ચર્ચા ચાલી રહી છે.

(3:31 pm IST)