Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જીલ્લા ગ્રાહક તકરાર કમિશને સ્‍ટાર હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીને મેડીકલ સારવારની રકમ વ્‍યાજ સહીત ચુકવવા આદેશ

જીલ્લા ગ્રાહક તકરાર કમિશનના જજ એન.પી.ચૌધરીનો મહત્‍વનો ચુકાદો

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ર૮ :  પાટણના એક દર્દી મંજુલાબેન ઠકકરને વીમા પોલીસીનો ક્‍લેઇમ નામંજુર કરતાં તેમના પતિ જયંતિ ઠક્કર (પત્રકાર) જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, પાટણ કોર્ટમાં દાદ માંગી હતી.

જે અંગે અરજદારે પંજાબ નેશનલ બેંક દ્વારા સ્‍ટાર ગ્રુપ હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ પોલીસી ગોલ્‍ડની (ફોર બેન્‍ક કસ્‍ટમર) પોલીસ તા. ૦૧-૦૮-ર૦ થી તા.ર૧-૦૭-ર૦ર૧ સુધીની મેડીકલ પોલિસી લીધી હતી.પરિવારનો વિમો ૫ લાખનો  જેનું પ્રીમીયમ રૂા. ૧૯,૫૮૭  ભર્યું હતું. અરજદારના પત્‍ની બીમાર થતાં પાટણની રીયા હાર્ટ એન્‍ડ મેડીકલ હોસ્‍પિટલના ડો. હમીદ યુ. મનસુરીની હોસ્‍પિટલમાં ૨૨-૧-૨૦૨૧થી ૨૭- ૧-૨૦૨૧ સુધી  અંદરના દર્દી તરીકે દાખલ થયેલ. જેનો ખર્ચ રૂા. ૯૭,૮૮૦ થયેલ. જે સારવારના ખર્ચ સામે વિમા કંપનીમાં કલેઇમ કરેલ પણ વિમા કંપનીએ જાત-જાતના ઉપજાવી કાઢલા બહાના સાથે કલેઇમ નામંજુર કરેલ.

જે સામે અરજદારે સ્‍ટાર હેલ્‍થ એન્‍ડ એલાઈમેન્‍ટ કંપની સામે પાટણના એડવોકેટ દર્શક ત્રિવેદી દ્વારા ગ્રાહક સુરક્ષા કમિશન, પાટણમાં કેસ દાખલ કરેલ. જે કેસની સુનાવણી થતાં અરજદારના એડવોકેટ દર્શક ત્રિવેદી દ્વારા  ધારદાર દલીલો કરી અરજદારને ન્‍યાય અપાવવા લેખિત તેમજ મૌખિક દલીલોને  કોર્ટમાં માન્‍ય રાખી વિમા કંપની દ્વારા રજૂ કરેલા કારણો વાહીયાત અને માનવતા વિહોણા ગેરકાયદેસર છે અને કલેઇમ મંજુર કરેલ નથી તે સ્‍પષ્‍ટ થાય છે. વિમા કંપનીએ પોતાની સેવા બજાવવામાં ખામી રાખેલ છે તે પુરવાર થાય છે.

જે અન્‍વયે અરજદારને જીલ્લા ગ્રાહક તકરારના કમિશન. પ્રમુખ, એન.પી. ચૌધરીએ વીમા કંપનીને ૯૭૮૮૦ રૂપિયા +૯ ટકા વ્‍યાજ+ ખર્ચના ૫ હજાર રૂપિયા + ૩ હજાર માનસિક ત્રાસની રકમ ચુકવવા હુકમ કરવામાં આવ્‍યો છે.

(4:25 pm IST)