Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

બાઇક ખાડામાં ખાબકતા માથામાં સળીયો ખૂંપી જવાથી માધાપર ચોકડીના હર્ષ ઠક્કરનું મોતઃ વેદાંગ જાનીને ઇજા

રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે મ્‍યુ. કોર્પોરેશન દ્વારા પિલોર બનાવવા માટે ખોદેલો ખાડો જીવલેણ નીવડયો : મૃત્‍યુ પામનાર યુવાન ચશ્‍માની દૂકાને કામે જતો હતો ને કાળ ભેટયોઃ હાથ ભાંગી જતાં સારવાર માટે દાખલ થયેલા રૈયાધારના વેદાંગે કહ્યું-એક કાર ચાલક હર્ષના બાઇકને ઉલાળીને ભાગ્‍યો, હર્ષનું બાઇક મારા બાઇકમાં અથડાયા પછી હર્ષ બાઇક સહિત ખાડામાં પટકાયો હતો અને હું પણ પડી ગયો'તો : ઘાયલ યુવાનના કહેવા મુજબ ટ્રીપલ અકસ્‍માત સર્જાયોઃ ખરેખર શું બન્‍યું તે જાણવા પોલીસ સીસીટીવી ફૂટેજ ચકાસશે

જ્‍યાં જીવલેણ અકસ્‍માત સર્જાયો તે રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે આર.એમ.સી.એ પિલોર માટે ખોદેલો ખાડો અને એકઠા થયેલા લોકો તથા ઘટના સ્‍થળે ખાડાની ખિલાસરી માથામાં ખૂંપી જતાં ભરાયેલુ લોહીનું ખાબોચીયું, યુવાનનો મૃતદેહ, તેનું બાઇક એકના એક જુવાનજોધ દિકરાના મૃતદેહને જોઇ ભાંગી પડેલા પિતા અશ્વિનભાઇ ઠક્કર અને મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી રહેલા પીએસઆઇ જે. જી. રાણા સહિતનો સ્‍ટાફ તેમજ બનાવને પગલે ટ્રાફિકજામ થઇ ગયો તે દ્રશ્‍યો જોઇ શકાય છે. ઇન્‍સેટમાં મૃત્‍યુ પામનાર હર્ષ ઠક્કરનો ફાઇલ ફોટો અને પ્રથમ તસ્‍વીરમાં ખાડાના દ્રશ્‍ય પાસે ઇન્‍સેટમાં ઘાયલ યુવાન વેદાંગ જાની જોઇ શકાય છે. વેદાંગના કહેવા મુજબ કારનો ચાલક હર્ષના બાઇકને ઉલાળીને ભાગી ગયો હતો અને હર્ષનું બાઇક તેના (વેદાંગ)ના બાઇક સાથે અથડાતાં તેને પણ ઇજા થઇ હતી. કારની ટક્કરથી હર્ષનું બાઇક ખાડામાં ખાબક્‍યાનું પણ વેદાંગે કહ્યું હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

 

રાજકોટ તા. ૨૭: રૈયા રોડ ટેલિફોન એક્ષચેન્‍જ પાસે સવારે જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. માધાપર ચોકડી નજીક રહેતો ઠક્કર પરિવારનો યુવાન બાઇક સહિત ખાડામાં ખાબકતાં માથામાં પિલોરની ખિલાસરીનો સળીયો ખૂંપી જતાં ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય એક યુવાનને ઇજા થતાં હાથ ભાંગી જતાં સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. યુવાન જે ખાડામાં ખાબક્‍યો તે મહાનગર પાલિકા દ્વારા પિલોર ઉભા કરવાની કામગીરી માટેનો હતો. તેના ફરતે બેરીકેટ પણ રાખવામાં આવી ન હોઇ બેદરકારીને કારણે જીવલેણ અકસ્‍માત સર્જાયાનો અને પુત્ર ગુમાવ્‍યાનો આક્રોશ મૃતકના પિતાએ વ્‍યક્‍ત કર્યો હતો. જો કે જેનો હાથ ભાંગી ગયો તે યુવાને કહ્યું હતું કે- ટ્રીપલ અકસ્‍માત સર્જાયો હતો. કારનો ચાલક ઠક્કર યુવાનને બાઇક સહિત ઉલાળીને ભાગી ગયો હતો અને તેનું બાઇક મારા બાઇક સાથે અથડાયા પછી ખાડામાં ખાબક્‍યુ઼ હતું. મને પણ ઇજા થઇ હતી. પોલીસે ખરેખર અકસ્‍માત કઇ રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ માધાપર ચોકડી પાસે ઓવર બ્રિજ નીચે ધ સ્‍પેશ એપાર્ટમેન્‍ટમાં  રહેતો હર્ષ અશ્વિનભાઇ ઠક્કર (ઉ.વ.૨૫) સવારે પોતાનું બાઇક નં. જીજે૦૩કેઆર-૨૬૫૫ હંકારીને ચશ્‍માની દૂકાને નોકરી પર જવા નીકળ્‍યો ત્‍યારે રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે પહોંચ્‍યો ત્‍યારે ત્‍યાં રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન દ્વારા પિલોર બનાવવા માટેનો ખાડો ખોદાયો હોઇ તેમાં બાઇક સહિત ખાબકતાં આ ખાડામા ખિલાસરી ફીટ કરવામાં આવી હોઇ તેનો સળીયો માથામાં ખૂંપી જતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું.

ઘટનાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી ગીરજાબેન અને પાઇલોટ આસીફભાઇ પણ પહોંચ્‍યા હતાં. ઇએમટીની તપાસમાં યુવાન મૃત્‍યુ પામ્‍યાનું જણાતાં પોલીસને જાણ કરવામાં આવતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ જે.જી. રાણા, પીએસઆઇ ક્રિીયન, કૃષ્‍ણસિંહ સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો. મૃતક પાસેથી મળેલા મોબાઇલ ફોનને આધારે તેના પિતા અશ્વિનભાઇ ઠક્કરને જાણ કરવામાં આવતાં તેઓ પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં. દિકરાનો મૃતદેહ જોઇ તેઓ બેશુધ્‍ધ થઇ ગયા હતાં. ભાનમાં આવ્‍યા બાદ પોલીસે વિગતો મેળવી હતી અને મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલે ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર હર્ષ ઠક્કર એક બહેનથી મોટો અને માતા-પિતાનો એકનો એક આધારસ્‍તંભ પુત્ર હતો. તે થોડા દિવસથી ચશ્‍માની દૂકાનમાં નોકરીએ રહ્યો હતો. તેના પિતા પીપર-ચોકલેટની એજન્‍સી ચલાવે છે. હર્ષ સવારે નોકરીએ જવા માટે ઘરેથી નીકળ્‍યો હતો અને ખાડો કાળ બની ગયો હતો. મૃતકના પિતા અશ્વિનભાઇએ આક્રોશ સાથે જણાવ્‍યું હતું કે તંત્રવાહકોની બેદરકારીને લીધે મારો દિકરો ગુમાવ્‍યો છે. ખાડા આસપાસ કોઇ બેરીકેટ પણ નહોતી. અમે આ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરીશું.

બીજી તરફ આ અકસ્‍માતમાં અન્‍ય એક યુવાન વેદાંગ અશ્વિનભાઇ જાની (ઉ.વ.૨૪-રહે. રૈયાધાર, સેફાયર કોમ્‍પલેક્ષ) જી. ટી. શેઠ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. તેના હાથમાં ફ્રેકચર થઇ ગયું હતું. વેદાંગે જણાવ્‍યું હતું કે પોતે નાના મવા રોડ પર નોકરી કરે છે. સવારે બાઇક હંકારી નોકરીએ જતો હતો ત્‍યારે રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે ખાડો ખોદાયો હોઇ ત્‍યાં પહોંચ્‍યો ત્‍યારે મારી બાજુના બાઇકચાલક (હર્ષ ઠક્કર)ને એક કારનો ચાલક ઠોકર લઇ ભાગી ગયો હતો. એ કારણે હર્ષએ કાબુ ગુમાવતાં તેનું બાઇક મારા બાઇકમાં અથડાતાં હું પણ પડી ગયો હતો અને હાથ ભાંગી ગયો હતો. બીજી એ યુવાન (હર્ષ) બાઇક સહિત ખાડામાં પટકાયો હતો.

કાર ચાલક ઉલાળીને ભાગી ગયો કે અન્‍ય કોઇ રીતે અકસ્‍માત સર્જાયો? તે જાણવા પોલીસ હવે સીસીટીવી કેમેરા ચેક કરી ખાનગી હોસ્‍પિટલમાં દાખલ વેદાંગનું નિવેદન પણ નોંધશે. વધુમાં જાણવા મળ્‍યા મુજબ કેકેવી ચોકમાં મલ્‍ટી લેવલ બ્રિજ બની રહ્યો હોઇ ૪.૫ મિટરથી વધુ ઉંચાઇના વાહનોની બ્રિજ પરથી અવર-જવર રોકવા માટે બ્રિજના એન્‍ટ્રી પોઇન્‍ટ પર હાઇટ ગેજ ગર્ડર નાખવા માટેની કામગીરી કોર્પોરેશન દ્વારા ચાલુ છે. જે ખાડામાં બાઇક ખાબક્‍યું તે ખાડો આ કામગીરીના ભાગ રૂપે ખોદાયો હતો અને તેમાંની ખિલાસરીનો ખીલો માથામાં ખૂ઼પી જતાં યુવાનનું મોત થયું હતું.  પીએસઆઇ પી. કે. ક્રિીયન અને કૃષ્‍ણસિંહ વધુ તપાસ કરે છે.

 

મૃતકના પિતા અશ્વીનભાઇએ કહ્યું-બેદરકાર તંત્રવાહકો સામે ફરિયાદ કરીશઃ ખાડા ફરતે બેરીકેટ પણ નહોતી

આર.એમ.સી.ના કામ માટેના ખાડામાં બાઇક ખાબકતાં બાઇકચાલક હર્ષ ઠક્કરનું મોત નિપજ્‍યું હતું. જુવાનજોધ દિકરાના મોતના વાવડ મળતાં ઘટના સ્‍થળે પહોંચેલા પિતા અશ્વિનભાઇ ઠક્કર ઘટના સ્‍થળે પહોંચ્‍યા ત્‍યારે દિકરાનો મૃતદેહ જોઇ બેશુધ્‍ધ થઇ ગયા હતાં. થોડીવાર બાદ ભાનમાં આવ્‍યા હતાં આક્રંદ કરી મુક્‍યું હતું. તેમણે આક્રોશ સાથે જણાવ્‍યું હતું કે બેદરકાર તંત્રવાહકોને કારણે મારા દિકરાનું મોત થયું છે. ખડા ફરે બેરીકેટ પણ મુકવામાં આવ્‍યા નહોતાં. અમે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરીશું.

 

‘સાવધાન... આગળ કામ ચાલી રહયું છે'ની ચેતવણી આપતા સાઇન બોર્ડના અભાવે નવલોહીયા મોટરસાયકલીસ્‍ટનો ભોગ લેવાયો : જવાબદારો સામે પગલા જરૂરી

રાજકોટઃ શહેર અને આસપાસમાં અસંખ્‍ય સ્‍થળોએ ચાલતા રોડ-રસ્‍તાના અને ખોદકામના કામો વાહન ચાલકો માટે ગંભીર અકસ્‍માતો સર્જી રહયા છે. આજે સવારે એક ગમખ્‍વાર અકસ્‍માતમાં હર્ષ અશ્વીનભાઇ ઠક્કર નામના યુવાનનો ભોગ લેવાયો હતો. આ અકસ્‍માત પાછળ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને કોન્‍ટ્રાકટેકટરોની ગુન્‍હાહીત બેદરકારી દેખાઇ રહી છે. જે સ્‍થળોએ રસ્‍તા પર કામ ચાલુ હોય તે સ્‍થળોએ થોડા મીટર પહેલા ચેતવણી આપતા  સાઇન બોર્ડ મુકવા જોઇએ જેને લઇને વાહન ચાલકો પોતાના વાહનો કંટ્રોલ કરી શકે. આજે સર્જાયેલા અકસ્‍માત સ્‍થળે ખોદાયેલા ખાડાને ન દેખાય તેવી રીબીનથી કોર્ડન કરાયો હતો. પરંતુ દુરથી આ સ્‍થળ ભયજનક છે તેવું સુચવતુ કોઇ સાઇન બોર્ડ નજરે પડતુ ન હતું. આવા કારણોસર અનેક અકસ્‍માતો સર્જાય છે અને કોઇક વખત વાહન ચાલકોનો ભોગ લેવાય છે. નિયમ મુજબની સલામતી વ્‍યવસ્‍થાના અભાવે અકસ્‍માત સર્જાય તે અયોગ્‍ય છે. આવી ઘટનામાં પુરતી તપાસના અંતે કડક કાર્યવાહી થાય તો આવતા દિવસોમાં કોઇ પરિવારના લાડકવાયા કે ઘરના મોભીના જીવ જતા અટકી જાય. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:14 pm IST)