Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું વિદ્યાર્થી જીવન જયાં વિત્યુ તે શાળા નં. ૮ને સ્મારક બનાવવા અભિયાન

સદર વિસ્તારમાં આવેલ આ શાળા રાજકોટનું ગૌરવ વધારશેઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવતાં શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડીત

રાજકોટ તા. ર૭ :.. દેશનાં રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીનું વિદ્યાર્થી જીવન જયાં વિત્યુ તે સદર વિસ્તારની તાલુકા શાળા નં. ૮ ને રાષ્ટ્રીય સ્મારક બનાવવા અભિયાને શરૂ થયું છે.

લોકસાહિત્ય અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિ જેણે ઉજાગર કરી એવા મહામાનવ વિશે રાજકોટનો નાતો રહ્યો છે. જેમ મહાત્મા ગાંધીજીનો રાજકોટ સાથે નાતો રહ્યો એવો નાતો ઝવેરચંદ મેઘાણીનો પણ રહ્યો. બન્નેનું મુળ વતન રાજકોટ ન હતું પરંતું ઇતિહાસે એમને રાજકોટ સાથે સાંકળ્યા અને આ કારણે બંન્નેના જીવનમાં રાજકોટ એક મહત્વનું સ્થાન બન્યું.

રાજકોટ શહેરની એ સમયની આલ્ફ્રેડ હાઇસ્કુલ કે જે પછી મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલ અને હવે ગાંધી સ્મારક તરીકે રાજકોટની પ્રવાસન વિભાગ અંતર્ગત પ્રવાસીઓ માટે એક સ્થાન તરીકે વિકસાવવામાં આવ્યું છે, શ્રી ઝવેરચંદભાઇ મેઘાણી સાથે પણ આવો જ કંઇક ઇતિહાસ રાજકોટ સાથે છે.

આ વર્ષ સ્વ. ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫ મી જન્મજયંતિનું વર્ષ છે. ગુજરાતના ઇતિહાસમાં સ્વ. ઝવેરચંદ મેઘાણી સાથે સંકળાયેલા ઐતિહાસિક ઘટનાઓ ધરવતા શહેરમાં એમની યાદગીરી સ્વરૂપે જે કોઇ સ્મારક રહેલાં છે એમને પ્રવાસન મંત્રાલય અંતર્ગત વિકાસ કરવાના અને જાળવવાનો વિચાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ મુક્યો. ચોટીલા, ધંધુકા, બોટાદ જેવા કેટલાક શહેર શ્રી ઝવેચંદભાઇ મેઘાણીના જીવનમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓના મૂક સાક્ષી છે. એ દરેક ઘટના, બનાવ અને સ્મારકને વિકસાવવા અને જાળવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. એમાં રાજકોટ પણ સામેલ છે !!!

શ્રી ઝવેરચંદભાઇ મેઘાણીના શિક્ષણની શરૂઆત રાજકોટ શહેરથી થયેલ. રાજકોટનાં સદર વિસ્તારમાં જુની તાલુકા શાળા આવેલ છે. હાલ રાજકોટ શિક્ષણ સમિતિ હેઠળની આ શાળાનો નં. ૮ છે. આ શાળામાં શ્રી ઝવેરચંદ મેઘાણીનો વિદ્યાર્થી તરીકે જીવનમાં પ્રથમ પ્રવેશ રહ્યો. ૧૦૦ વર્ષથી પણ અધિક જુના સચવાયેલા રજીસ્ટરમાં આજે પણ એમના પ્રવેશની વિગત સચવાયેલા પડી છે. એ સો વર્ષ જુના રજીસ્ટરનો, એ કાગળ, એ સાહી કે એના પરના ચામડાના કવરનો સ્પર્શ પણ અલગ અનુભૂતિનો અહેસાસ કરાવે !! જે શાળાએ એમને સાહિત્ય જગતની પાપાપગલી કરાવી એ શાળાને આગળ જતાં એમના નામ સાથે જોડવામાં આવી. સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળા નં ૮ તાલુકા શાળા આ  કાર્યવંત શાળાને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન અને પ્રવાસન ખાતા દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી સ્મારક તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ શાળાના કેટલાક ભાગને જેતે સમયના રંગ-રોગાન અને સ્થાપત્યના સ્વરૂપમાં ફેરવવામાં આવશે.

આ સમગ્ર કાર્ય પ્રવાસન ખાતા દ્વારા કરવામાં આવશે. શાળા અને સ્મારક બન્નેને રીડેવલપમેન્ટનો દરેક ખર્ચ પ્રવાસન મંત્રાલય દ્વારા થશે અને રાજકોટને વધું એક જોવાલાયક, મુલાકાત યોગ્ય ઐતિહાસિક સ્મારક મળશે. સ્વ. ઝવેરચંદભાઇ મેઘાણીની આ યાદગીરીને શ્રેષ્ઠ શ્રધ્ધાંજલીનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પ્રયાસ છે અને રાજકોટ પણ એમાં સામેલ છે.

આ સંદર્ભે સ્વ. ઝવેરચંદભાઇ મેઘાણીના પૌત્ર પિનાકીનભાઇ, પ્રવાસન ખાતાનાં સંબંધિત અધિકારી અને આર્કિટેકટ સાથે આ શાળાની મુલાકાત કરી હતી. શાળા બોર્ડનાં ચેરમેન તરીકે આવા ઐતિહાસિક કાર્ય સાથે જોડાવાનો ગર્વ થાય છે. તેમ શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિતે આ તકે જણાવ્યું હતું. 

(4:12 pm IST)