Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

આત્મીય યુનિવર્સિટીમાં ૨૯મીએ રવિવારે યોજાશે 'પ્રકૃતિ વંદના'નો કાર્યક્રમ

પ્રકૃતિના પાંચ પોષકતત્વો પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશનું થશે પૂજનઃ પરિવાર અને બાળકો વર્ચ્યુલી કાર્યક્રમમાં જોડાશે

રાજકોટઃ અહિંના કાલાવડ રોડ સ્થિત  આત્મીય યુનિવર્સિટીના કેમ્પસમાં આગામી તા.૨૯ના રવિવારે સવારે ૧૦ થી ૧૧ દરમિયાન 'પ્રકૃતિ વંદના'નો અદ્દભુત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી પરિવારો વર્ચ્યુલી જોડાશે.

આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ ત્યાગવલ્લભ સ્વામીજીની ખાસ ઉપસ્થિતિમાં યોજાનાર આ પ્રકૃતિ વંદનાના કાર્યક્રમ દરમિયાન સનાતન ભારતીય સાંસ્કૃતિમાં પોષક ગણાવાયેલા પાંચ તત્વો પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશનું પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે કુવા, નદી, તળાવ વગેરે જેવા જળ સ્ત્રોતો ઉપરાંત વૃક્ષો, ધરતી માતા, ગાય માતા, અગ્નિદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ વગેરેની પણ પૂજા કરવામાં આવશે.

આધુનિક હોવાના ભ્રમમાં આજે માણસ પ્રકૃતિના આ તત્વોના ઉપકરોને જાણે વિસરી ગયો છે. આ ઉપકરોનું પુનઃ સ્મરણ કરવા માટે તેમજ ખાસ કરીને બાળકોમાં નાનપણથી પ્રકૃતિના સંસ્કારો રોપવા માટે આ ભાવવંદના કાર્યક્રમનું કરાયું છે.

આ પ્રસંગે આત્મીય યુનિવર્સિટીના અધ્યાપકો, બાળકો, હરિભકતો અને શહેરીજનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું યુ- ટયુબના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં અવનાર છે.

બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી વૃક્ષ અને ગૌ સંવર્ધન માટે હંમેશા પ્રેરણા આપતા રહેતા હતા. પ્રકૃતિ સાથે હરિપ્રસાદ સ્વામી જઈને ખુબ આત્મીયતા હતી એ દ્રષ્ટિકોણથી પણ તેમના અક્ષરધામ ગમન બાદ પ્રકૃતિ વંદનાનો આ કાર્યક્રમ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. તેમ એક યાદીના અંતમાં જણાવાયું છે.

(4:09 pm IST)