Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

'રૂડા' વિસ્તારમાં ટી.પી. સ્કીમ વગરની જમીનોમાં ભવિષ્યની ૪૦% કપાત ૭/૧૨માં દર્શાવવા હુકમ

આવી જમીનોમાં ગેરકાયદે દબાણો ન થાય તે માટે ઇન્ચાર્જ ચેરમેન અમિત અરોરા દ્વારા લેવાયો નિર્ણય

રાજકોટ તા. ૨૭ : ટી.પી. સ્કીમોમાં આવતી જમીનમાં ૪૦% કપાતનો નિયમ છે ત્યારે રૂડા વિસ્તારમાં જે જમીનોમાં હજુ ટી.પી. સ્કીમ નથી તેવી જમીનોમાં અત્યારથી ભવિષ્યની ૪૦ ટકા કપાત ૭/૧૨ના હક્કપત્રક તથા હક્કપત્રક-૬માં દર્શાવવા અંગે મ્યુ. કમિશનર અને રૂડાના ઇન્ચાર્જ ચેરમેન અમિત અરોરાએ પરિપત્ર જારી કર્યો છે. આવી જમીનો કે જે ભવિષ્યમાં સત્તા મંડળને મળનાર છે. તેમાં દબાણો થાય નહી કે દબાણવાળી જમીન સત્તામંડળના ભાગે ન આવે તે માટે આ પધ્ધતિ અમલમાં મુકાઇ હોવાનું મ્યુ. કમિશનરશ્રીએ જણાવેલ.

આ અંગે સત્તાવાર યાદી મુજબ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મંજુર કરવામાં આવતા વિવિધ હેતુ માટેના લે-આઉટ પ્લાનમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની જોગવાઈ હેઠળ સત્તામંડળને મળેલ સત્તાઓ તથા સરકારશ્રી દ્વારા મંજુર સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમોની જોગવાઈઓને આધીન નોન ટી.પી વિસ્તારમાં કુલ જમીનમાંથી ૪૦% જમીન સૂચિત ટી.પી રોડ તથા સૂચિત ટી.પી રીઝર્વેશનમાં કપાત થતી જમીન કે જે ભવિષ્યમાં સત્તામંડળ દ્વારા સૂચિત નગર રચના યોજના તૈયાર કરવામાં આવે ત્યારે 'સૂચિત ટી.પી રીઝર્વેશન' તરીકે ઉપયોગ કરવાના ભાગ રૂપે, ભવિષ્યમાં કોઈ કાયદાકીય ગુંચ ઉપસ્થિત થાય નહી તે માટે કપાત થયેલ જમીનની નોંધ ૭/૧૨ના બીજા હક્કમાં અને હક્કપત્ર-૬માં 'રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની ભવિષ્યની ટી.પી કપાત' દર્શાવાય તે અન્વયેની આનુસાંગિક કાર્યપધ્ધતિની અમલવારી માન. ચેરમેનશ્રી અમિત અરોરાની સુચનાનુસાર શરૂ કરાવાયેલ છે. આ માટે અલગથી પરિપત્ર પણ કરવામાં આવેલ છે.

(4:03 pm IST)