Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

શ્રીકૃષ્ણ માનવજીવનના અજર-અમર માર્ગદર્શક છે : જન્મથી મૃત્યુ સુધી તેમનું સમગ્ર જીવનએ એક બોધ છે : ઉદય કાનગડ

શહેરીજનોને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ

રાજકોટ,તા. ૨૭: પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે  શહેરીજનો ને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણ જે વિષ્ણુના અવતાર છે.શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ) એટલે કે શ્રીકૃષ્ણના જન્મદિવસને ગોકુલઅષ્ટમી તરીકે ઉજવાય છે ત્યારે સમગ્ર ભારતભરમાં ખુબ જ ઉત્સાહ થી ઉજવાતો આ તહેવાર કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. ત્યારે અર્ધમનો નાશ કરવા અને પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા યુગે યુગે પ્રભુ જન્મ લેતા રહે છે, એમ ભારતભુમિ પર ધર્મસંસ્થાપન માટે વિષ્ણુએ અવતાર લીધો કૃષ્ણ તરીકે. શ્રાવણ વદ આઠમના દિવસે અંધારી મેઘલી રાત્રે મુશળધાર વર્ષા વરસે છે ત્યારે મથુરાના કારાગૃહમાં માં દેવકીની કુખે કૃષ્ણ પ્રગટ થયા. આ દિવસ એટલે સમસ્ત ભારતને ભકિતરસમાં તરબોળ કરનાર જન્માષ્ટમી–કૃષ્ણાષ્ટમી. કૃષ્ણે પોતાના કાર્યોને સિઘ્ધ કરવા, ગોપીઓને ઘેલુ લગાડવા જન્મતા સાથે જ વીજળીના કડાકાભડાકા અને મુશળધાર વરસાદ સાથે ગોકુળ  જવા માટેની સફર ચાલુ કરી. અને દેવકીપુત્ર એ ગોકુળમાં જશોદાનો જાયો બનીને અનેક લીલાઓ કરી.

કંસવધ કરી ગોપાલકૃષ્ણ બન્યા મથુરાના રાજવી. ત્યારબાદ જરાસંઘના વારંવારના આક્રમણનો ભોગ બનતી નિર્દોષ પ્રજાની સલામતી માટે સૌરાષ્ટ્રમાં સમુદ્રની વચ્ચે દ્વારકા નગરી સ્થાપી અને દ્વારકાધીશ તરીકે પ્રસિઘ્ધી પામ્યા. ત્યારબાદ ધર્મની રક્ષા માટે હસ્તીનાપુર જઈને પાંડવોના સંપૂર્ણ માર્ગદર્શક બન્યા, કુરૂક્ષેત્રના મેદાન પર પોતાન પરમ મિત્ર અને શીષ્ય અર્જુનને ગીતાજ્ઞાન આપ્યુ, પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યુ અને  કુરૂક્ષેત્રમાં દુર્યોધનરૂપી અધર્મનો અંત આણ્યો.

આમ કૃષ્ણે પોતાના જીવનમાં અનેક લીલાઓ કરી છે, સાથોસાથ અનેક વેદનાઓ સહન કરીને પણ સદૈવ પ્રસન્ન રહી, હસતા મુખે અન્યોની સંતાપો હરતા રહયા છે ત્યારે શ્રી કૃષ્ણ માનવજીવનના અજર–અમર માર્ગદર્શક છે. જન્મ થી મૃત્યુ સુધી તેમનુ સમગ્ર જીવન એ એક બોધ છે. તેમનો સખા સ્વભાવ, ભકત વાત્સલ્ય  અર્જુન, સુદામા, નરસિંહ મહેતા, ઉઘ્ધવ, મીરા, રૂકમણી, દ્રોપદી, ગોપી માં સાકાર થાય છે. સદૈવ પ્રસન્ન મુખ રહેતા કૃષ્ણએ જન્માદાતા, પાલક માતા–પિતા અને રાધાના વિરહની વેદના સહન કરી છે. પોતાના સગા મામા કંસનો વધ કરવાનુ દુઃખ, ગાંધારીના શાપને કારણે પોતાના યાદવ કુળના વિનાશની પીડા પણ સહન કરવી પડી છતા સ્થિતપ્રજ્ઞ રહીને, નિર્મળ હાસ્યસભર મુખ સાથે બીજાની પીડા હરી છે.  ત્યારે આવો તારણહાર, ઉઘ્ધારક જન્મે ત્યારે લોકહૈયુ પુલકિત થાય જ. કૃષ્ણ જન્મ આવે એટલે બધાજ પોતાના સંતાપો ભુલી જઈ આ મહોત્સવ ઉજવે છે. 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' ના નારા સાથે માનવ મહેરામણ હિલોળે  ચઢે છે. મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવે પંજરીના  પ્રસાદની લહાણી થાય છે. લોકો ઉપવાસ કરીને પૂણ્ય પણ આ દિવસે મેળવે છે. ત્યારે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડે  શહેરીજનોને જન્માષ્ટમી પર્વની ભકિતસભર શુભેચ્છા પાઠવી હતી. 

(3:35 pm IST)