Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કોરોનાગ્રસ્ત ૪૨૫ જેટલા મૃતદેહોની ગરીમાપૂર્ણ અંતિમવિધી કરનાર અદના આદમી યોગેશભાઈ પાંચાણી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોથી સિંચીત યોગેશભાઇ પાંચાણીએ લગભગ ૪૨૫ જેટલા કોરોનાગ્રસ્ત મૃતકોના અંતિમ સંસ્કાર કરી મુકિતના માર્ગે વળાવવાનું ખુબ અઘરૃં છતાં હિંમ્મતભર્યું કામ પાર પાડ્યું : લોખંડના ખાટલા પર લાકડા પાથરવા, કોરોનાગ્રસ્ત મૃતદેહને ખાટલા પર સુવડાવવાથી માંડી વિધિ-વિધાન મુજબ અંતિમ સંસ્કાર કરતા : પીપીઇ કિટ પહેર્યા વિના માત્ર માસ્ક પહેરી વાગુદડમાં દરરોજ સવારે સાત થી સાંજે સાત વાગ્યા સુધી રહી એ સમયે ૩૦૫ લાશોના અંતિમ સંસ્કાર કર્યા : યોગેશભાઇને ચાર-પાંચ દિવસ તાવ આવેલો ત્યારે ડોકટર મિત્રના કહેવાથી એક જ ગોળી પેરાસીટામોલ લીધેલી બાકી કડવો લીમડો અને કાળીજીરી પીવાથી કોઇ જ અસર થઇ નહી : યોગેશભાઇએ કુલ ૩ થી ૪ હજાર વૃક્ષોને વાવ્યા છે એટલું જ નહીં તેને ઉછેર્યા પણ છે.

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે યોગેશભાઈ પાંચાણી નજરે પડે છે : તસ્વીરમાં શ્રી યોગેશભાઈ પાંચાણી, અસ્મિકા તેલના સર્જક શ્રી મિતેષભાઈ રૂપારેલીયા અને જાણીતા એસ્ટેટ કન્સલ્ટન્ટ શ્રી દિલીપભાઈ સોમૈયા નજરે પડે છે.

રાજકોટ, તા. ૨૭: કદી ન ભૂલી શકાય તેવી વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર જયારે આવી ત્યારે અનેકના પરિવારનો માળો વિખેરતી ગઇ. લોકોએ હોસ્પીટલમાં બેડ, ઓકસીજનના બાટલા અને ઇંજેકશન માટે ખુબ હાલાકી ભોગવી તેમ છતાં જયારે પોતાનું અંગત ગુમાવ્યું ત્યારે તેના અંતિમ સંસ્કાર કરવા માટે કોઇ સ્વજનની હિંમત નહોતી ચાલતી. એવે સમયે સૌરાષ્ટ્રના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તેમજ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોથી સિંચીત યોગેશભાઇ પાંચાણીએ આવા લોકોના આપ્તજન બની મદદે આવેલા અને લગભગ ૪૨૫ જેટલા કોરોનાગ્રસ્ત મૃતકોના અંતિમ સંસ્કાર કરી મુકિતના માર્ગે વળાવવાનું ખુબ અઘરૃં છતાં હિંમ્મતભર્યું કામ પાર પાડ્યું હતું.

કોરોના વાઈરસની મહામારી વચ્ચે જયારે પોઝિટિવ દર્દીના અંતિમ સમયે તેના કોઈપણ સ્વજન અંતિમક્રિયામાં હાજર રહેતા નથી કે કયારેક એક-બે વ્યકિત જ હાજર રહી શકે છે એવા કપરાકાળમાં કોરોનાગ્રસ્ત મૃતકના સ્વજન બની ધર્મ અનુસાર વિધિ-વિધાનથી અંતિમક્રિયા કરવાનું કામ કરી યોગેશભાઇ પાંચાણી માનવતાનું એક ઉત્ત્।મ ઉદાહરણ બની ગયા છે.

કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર જેવા જીવના જોખમ ભર્યું કાર્ય કરવાનો વિચાર કઇ રીતે આવ્યો? યોગેશભાઇએ કહ્યું કે, હું રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો કાર્યકર્તા છું. મને અહિંથી જ પ્રેરણા મળી છે. જયારે કોવિડે હાહાકાર મચાવ્યો અને મૃતકોની સંખ્યા વધી ગઇ ત્યારે હું આર.એસ.એસ. ની રામકૃષ્ણનગર શાખામાં છું ત્યાંના હેડ મૂકેશભાઇ કામદાર અને દેવેન્દ્રભાઇ શર્મા એ મને રામનાથપરા, બાપુનગર અને મવડીના સ્મશાનમાં એકાંતરે જઇ ત્યાં વ્યવસ્થા સંભાળવાની ફરજ સોંપેલી. મને થયું કે માત્ર વ્યવસ્થા સંભાળવી પુરતી નથી, અહિં તો આપણે જ કામે લાગવું ખુબ જરૂરી છે. હું એકાંતરે જવાને બદલે દરરોજ આ સેવાના કામમાં લાગી ગયો. જયાં દરરોજના ૪ થી ૫ કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર અમે કરતા. કયારેક પરિવારના સભ્યો ન હોય તો ખાટલામાં લાકડા ગોઠવી મૃતદેહને અગ્નિદાહ પણ અમે જ આપ્યા છે.! શાખામાંથી સૂચના હતી કે કામ નહીં કરવાનું પણ હું મજુરની જેમ આ કાર્ય કરવા લાગી ગયો હતો.

યોગેશભાઇ પાંચાણીને સંદ્યમાં જોડનાર તેમના ગુરૂ  શ્યામભાઇ કિંગર હતા. ૧૯૯૮ માં કાલાવડ રોડ પર શ્રી સંકલ્પસિધ્ધ હનુમાનજી મંદિર પાસે તેઓની પ્રથમ મુલાકાત થયેલી અને ત્યારે યોગેશભાઇએ શ્યામભાઇએ પહેરેલ સંઘના ગણવેશમાંની હાફ પેન્ટ જોઇ પ્રશ્ન કરેલો કે આ શા માટે? ત્યારે શ્યામભાઇ કિંગર અને શારદાબા એ આર.એસ.એસ. વિશે જણાવેલું અને એ વખતે યોગેશભાઇ તેમની સાથે સોજીત્રા પ્રભાત શાખામાં જોડાયેલા ત્યારે શરદભાઇ વોરા, વિજયભાઇ કોઠારી, કનુભાઇ વગેરે પણ હતા. ત્યારથી યોગેશભાઇ પાંચાણીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સંસ્કારોને જીવનમાં વણી લીધા.

સામાન્ય મૃતકોના અંતિમ સંસ્કાર કરવા અને કોરોનાગ્રસ્ત મૃતકોના અંતિક સંસ્કાર કરવા તે બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. કારણ કોરોનાગ્રસ્ત મૃતદેહને પીપીઇ કિટ પહેરી કોવિડ પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવા પડે છે. યોગેશભાઇ પાંચાણી પણ પીપીઇ કિટ અને માસ્ક પહેરી, સેનેટાઇઝરની વ્યવસ્થા સાથે પોતાની સેવા આપતા. સંઘ દ્વારા તેમને હાથમાં પહેરવાના મોજા પણ અપાયેલા પરંતુ મૃતદેહને ઉપાડવામાં તેમજ લાકડા ઉપાડવામાં તે ફાટી જતા હોવાથી આ કપરૃં કામ એમને એમ જ કરવું પડતું. લોખંડના ખાટલા પર લાકડા પાથરવા, કોરોનાગ્રસ્ત મૃતદેહને ખાટલા પર સુવરાવવા થી માંડી વિધિ-વિધાન મુજબ અંતિમ સંસ્કાર કરતા. યોગેશભાઇ કહે છે, કયારેક મૃતકના સગા કરગરે તો ખીસ્સામાં (બિનસતાવાર) નાનકડી કાતર પણ રાખતો અને તેના વડે પીપીઇ કિટ કાપી મૃતદેહના ચહેરાને ખુલ્લો કરી મારા ઘરેથી લાવેલ તુલસીના પાનનો જથ્થાંમાંથી મૃતકને સમર્પિત કરતો. જો સગા ઇચ્છે તો ઠીક નહીંતર અમે ગંગાજળ, ચંદન અને તુલસીનાપાનથી વિધિ કરી અંતિમ સંસ્કાર કરતા. વિધિ પુરી થાય પછી ખાટલાને ઠારી, જોઇતા હોય તો અસ્થી સગાને આપી બાકી સ્મશાનમાં રાખી દેતા અને ૧૦ કિલો જેટલી માટી થાય એટલે તેને પાણી મારી સાફ કરવાની સેવા પણ કરી.

યોગેશભાઇએ સંઘના કાર્યકર તરીકે લગભગ ૨૫ થી ૩૦ દિવસ આ સેવા આપી. એ સમયે લાશોના ઢગલા થતા સિવિલ હોસ્પીટલમાંથી બોડી સોંપતા નહિં. એ વખતે શહેરની ખુબજ જાણીતી સંસ્થા સદ્દભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઇ ડોબરિયાને આ અંતિમ વિધિના ફોટા શેર કરેલા. એ સમયે વિચાર આવ્યો કે વાગુદડમાં નવું સ્મશાન ઉભું કરીએ તો મૃતદેહોના અંતિમ સંસ્કાર જલ્દી થઇ શકે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેટર કેતનભાઇ પટેલ, વિજયભાઇ ડોબરિયા સાથે મારે ચર્ચા થઇ. તેઓએ કહ્યું તું સ્મશાન ચલાવી શકીશ? યોગેશભાઇએ હા પાડી અને કહ્યું કે, ૧૦ મજુરો આપો તો તૈયાર છું. વાગુદડમાં ૧૪ ખાટલા નંખાયા. તેઓએ મજુર આપ્યા પણ તે દુર થી દ્રશ્યો જોઇ પાછા ફરી જતા. ત્યારે મેટોડાના બે વ્યકિતને રૂ. ૫૦૦૦ મહેનતાણું આપવાનું નકકી કરી મદદે લીધા. (જોકે તેઓએ આ સેવા પછી ખુબ જ ઓછું મહેનતાણું લીધેલું!) સિવિલમાં સતાધીશોને મળી નિયમોમાં ફેરફાર કરાવ્યો અને મૃતદેહ સાથે એક-બે નહિં ૧૦ સગા-વ્હાલાઓને મોકલવા જણાવ્યું. એ વખતે એક એમ્બ્યુલન્સમાં ૪ થી ૫ મૃતદેહ એક સાથે આવતા. પીપીઇ કિટ પહેર્યા વિના માત્ર માસ્ક પહેરી અમે વાગુદડમાં દરરોજ સવારે સાત થી સાંજે સાત વાગ્યા સુધી રહી એ સમયે ૩૦૫ લાશોના અંતિમ સંસ્કાર કર્યા છે.! એક વાત કહેતા દુઃખ થાય છે કે ત્યારે પબ્લિકે અમને હેરાન ખુબ કરેલા. અંતિમ સંસ્કારના જલ્દિ વારા માટે મોતનો મલાજો જાળવો પણ તેઓ ચૂકી જતા.

૫૦૦ થી વધુ મિત્રોનું સર્કલ ધરાવતા યોગેશભાઇ પાંચાણીને એ સમયે મિત્ર પરેશભાઇ દાસાણીના પુત્ર અર્જુન દાસાણીએ મદદ કરી ખુબ જ સરાહનિય કામ કરેલું. તેઓ સવારે અને બપોરે સ્વયંસેવકોને જયુશ અને નાળિયેર પાણી પીવરાવવા કોઇપણ ભય વિના આવતા. સ્વાભાવિક છે કે આવા અતિશય કઠીન કાર્યમાં ડર લાગે જ. યોગેશભાઇ પાંચાણીનું કહેવું છે કે, હું નાનપણથી જ સાધુ-સંતો સાથે રહ્યો છું. તેમના આશીર્વાદ અને માતા-પિતાના આશીર્વાદથી મને કયારેય ભય લાગ્યો નથી. જયારે અંતિમ સંસ્કાર કરીએ ત્યારે ઇશ્વરને યાદ કરી તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા. યોગેશભાઇના પત્નિ ચાર્મિબેન પાંચાણીએ આ મુશ્કેલ કાર્યમાં યોગેશભાઇને ખુબ સહયોગ આપ્યો છે. તેમના પિતા ચંદ્રકાંતભાઇ રણછોડભાઇ પાંચાણી અને માતા મંજુલાબેન પાંચાણી બંને નિવૃત શિક્ષકો છે. પરિવાર પર સતત જોખમ રહે તે સ્વાભાવિક છે ત્યારે માતાનો વિરોધ હોવા છતા યોગેશભાઇ આ સેવામાં અવિરત જોડાઇ રહ્યા. પ્રશ્ન થાય જ કે યોગેશભાઇને કોરોના ન થયો? જવાબ છે ''ના''. યોગેશભાઇ કહે છે, ચાર-પાંચ દિવસ તાવ આવેલો ત્યારે મિત્ર ડો. હિરેન જોગીના કહેવાથી એક જ ગોળી પેરાસીટામોલ લીધેલી બાકી કડવો લીમડો અને કાળીજીરી પીવાથી કોઇ જ અસર થઇ નહી.

નોંધનિય બાબત છે કે આટલા ભગીરથ કાર્યમાં કોઇ પાસેથી યોગદાન લેવાયું નથી. અર્જુનભાઇ દાસાણીના કાકા હિરેનભાઇ દાસાણી અને પુષ્પાબા ની લાગણી ને લીધે તેનું આશીર્વાદ સ્વરૂપ યોગદાન સ્વિકારેલું. બાકી ગ્રૂપનું ફંડ આવતું અને વાપરતા. સદભાવના વૃધ્ધાશ્રમનો અનન્ય સહયોગ રહ્યો. કોર્પોરેશનના બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલે ખાટલા નંખાવી આપ્યા. સરકારે જે મદદ કરેલી તે વૃધ્ધાશ્રમને સેવાકાર્યમાં આપ્યા. યોગેશભાઇ પાંચાણી આદિનાથ કોટન ની પેઢીના માલિક છે. રાજકોટની ઇમ્પીરીયલ હાઇટ્સ બિલ્ડિંગમાં તેઓ ઓફિસ ધરાવે છે. એટલું જ નહીં  દરરોજ કિડીયારૂ પૂરવું, માછલીઓને લોટની ગોળી નાંખવી, ગાયોને ઘાસ નાખવું, કબુતરોને ચણ નાંખવું સહિતની જીવદયા પ્રવૃત્તિઓ માટે અચૂક પણે રોજ તેઓ અમૂક કલાકો ફાળવે છે. ૨૦૧૫-૧૬ માં સદભાવના વૃધ્ધાશ્રમને તેઓ વૃક્ષના રોપાઓની ગાડી ભેટ આપતા. તેઓએ અત્યાર સુધીમાં ન્યારી ડેમ પાસે ૮૦૦ વૃક્ષો થી લઇ કુલ ૩ થી ૪ હજાર વૃક્ષોને વાવ્યા છે એટલું જ નહીં તેને ઉછેર્યા પણ છે. જામનગર હાઇવે પર મિયાંવાકી પધ્ધતિથી હાલમાંજ જંગલ બનાવ્યું છે. યોગેશભાઇની હાલમાંજ ભાજપમાં પ્રદેશ રાજકોટ જિલ્લા કન્વિનર તરીકે નિમણુંક થઇ છે. કોરોનાગ્રસ્ત મૃતદેહોની ગરીમા પૂર્ણ અંતિમવિધી કરનાર આ અદના આદમી એ અનોખુ ભાવજગત, સદભાવ જગત ખડું કરી બતાવ્યું છે. સેવાકીય સંસ્થાઓ શ્રીજી ગૌશાળા, એનીમલ હેલ્પલાઈન, સદભાવના વૃધ્ધાશ્રમ, માં ગૌરી ગૌશાળા વગેરે સંસ્થાઓ સાથે તન, મન, ધનથી જોડાયેલા યોગેશભાઈ પાંચાણીને સો સો સલામ. (યોગેશભાઇ પાંચાણી ૅં ૯૮૨૪૨૧૨૪૮૦)

  • વિદ્યાર્થીઓની ગુરૂ ભકિત જોઇ હૃદય દ્રવી ઉઠ્યું...

વાગુદડ સ્મશાનમાં જ એક એમ્બ્યુલન્સ આવી. જેની પાછળ લગભગ ૨૦ થી ૨૫ વિદ્યાર્થીઓ આવ્યા હતા. તે મૃતદેહ સેન્ટપોલના શિક્ષક ''પ્રવિણ પાંડે''નો હતો. ક્રાઇસ્ટ હોસ્પીટલમાંથી સીધુ બોડી આવેલું. આ છોકરાવ ખુબ રોતા હતા અને તેણે તે મૃતદેહ ઉપાડી અંતિમવિધિ કરી. જયારે અમે તેમને પૂછ્યું કે તમે આ મૃતકના શું સગા છો? છોકરાવે કહ્યું કે, આ અમારા શિક્ષક છે. અમે અમારા ઘરે કહ્યા વિના તેમને અંતિમ વિદાય દેવા આવ્યા છીએ. ઘરે કહીએ તો અમને અહિં આવવા ન દે. યોગેશભાઇ કહે છે, આજના જમનામાં વિદ્યાર્થીઓની આવી ગુરૂભકિત જોઇ ખરેખર

  • એ દ્રશ્ય જોઇ હું રડી પડ્યો હતો..!

યોગેશભાઇ પાંચાણી જયારે વાગુદડ સ્મશાનમાં સેવારત હતા ત્યારે દરરોજના ૧૪ ખાટલા પર ૪૦ થી ૪૫ કોરોનાગ્રસ્ત લાશોને અંતિમવિધિ કરતા. એ વખતે એક ૧૬ થી ૧૭ વર્ષ નો પશ્વિમ બંગાળનો એક છોકરો સ્કૂટર પર આવેલો અને પાછળ સરકારીવાનમાં તેની માતાનો મૃતદેહ હતો. છોકરો ખુબ રડતો હતો. યોગેશભાઇએ તે ડેડ બોડી ખાટલા પર ગોઠવી લાકડા પણ ગોઠવ્યાં ત્યાં છોકરાને તેના સગાનો ફોન આવ્યો અને તેની માતાને લાલ સાડી પહેરાવવા કહ્યું. છોકરા એ અમને વિનંતી કરી. અમે બોડી પરથી લાકડા ઉતારી પીપીઇ કિટ તોડી તેના પર લાલ સાડી અને બ્લાઉઝ મૂકયા અને ત્યાર બાદ અંતિમવિધિ કરી. તે છોકરો અમને ખુબ પગે લાગ્યો. અમે તેને સહાય માટે ઓફર કરી પણ તેણે એક રૂપિયો લીધો નહી. ત્યારે આ કરૂણ દ્રશ્ય જોઇ અમારી આંખો પણ રડી પડી હતી.

  • હિન્દુઓના અંતિમ સંસ્કાર ખ્રિસ્તી યુવાને કર્યા...

કોરોના મહામારીમાં માનવતા જીવતી હોવાના અનેક ઉદાહરણો સામે આવ્યા હતા. રાજકોટના સ્મશાનમાં પણ કેટલાક દૃશ્યો જોઈને આવી જ અનુભૂતિ ઘણાને થઇ હશે. દેશમાં કેટલાક કિસ્સાઓમાં હોસ્પિટલો બિલ નહીં ભરાતા મૃત દર્દીઓને રસ્તા પર રઝળતો મૂકી દેતી, એવામાં રાજકોટના એક ક્રિશ્યન યુવાને અહીંના કોવિડ સ્મશાનમાં હિન્દુઓનાં અંતિમ સંસ્કાર માટે સેવા આપી હતી જે સરાહનિય બાબત ગણી શકાય. યોગેશભાઇ પાંચાણીને ત્યાં કાર ચલાવવાનું કામ કરતા ક્રિશ્યન યુવાન વિલિયમ્સ ડિસુઝાએ યોગેશભાઇને જોઇ હિંમ્મત બતાવી અને આ કાર્યમાં સતત બાર કલાક સેવામાં લાગી ગયા. એવીજ રીતે યોગશભાઇના જ સહકર્મચારી અનીલભાઇ ભાલોડિયાએ પણ આ કાર્યને એક સેવારૂપે અપનાવી તેમનું મહામૂલુ યોગદાન

  • તારૂ ધ્યાન રામ રાખશે, કામ બંધ ન કરતો...

યોગેશભાઇ પાંચાણી નાનપણથીજ સાધુ-સંતો સાથે રહ્યા છે. આ ખુબ અદ્યરૃં કાર્ય હતું. વાગુદડમાં સ્મશાન શરૂ થયું તે પહેલા યોગેશભાઇ ''રોકડ રામ'' તરીકે સંબોધતા એક સંત ને ત્યાં લઇ ગયેલા અને જગ્યા બતાવી હતી. તેમણે યોગેશભાઇને આશીર્વાદ આપતા કહેલું કે, તારૂ ધ્યાન રામ રાખશે, કામ બંધ ન કરતો. તને કંઇ નહીં થાય. એ સંત પુરૂષે આપેલા આશીર્વાદ જાણે ફળ્યા હોય તેમ યોગેશભાઇએ આટલા બધા કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા તેમ છતાં કોરોના તેમને અડી પણ શકયો નથી.

(3:33 pm IST)