Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

મુળ શેઠવડાળાની હાઇસ્કુલના પૂર્વ વિદ્યાર્થીઓ - ગુરૂજનોનું રાજકોટમાં સ્નેહ મિલન

રાજકોટ : જામનગર જિલ્લાના જામજોધપુર ગામથી ૧૮ કિ.મી. દુર આવેલ શેઠવડાળા ગામની જી.પી.એસ. હાઇસ્કુલમાં ૪૦ વર્ષ પહેલા અભ્યાસ કરી ચુકેલ પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેમ મિલન તાજેતરમાં રાજકોટ ખાતે ગોઠવવામાં આવ્યુ હતુ. જેમાં ગુરૂ શિષ્યની અદ્દભુત પરંપરાના દર્શન થયા હતા. શેઠવડાના વતની અને હાલ રાજકોટ રહેતા વજુભાઇ દવે, શીરીષભાઇ ભટ્ટ, ડઢાણીયા સહીતના કેટલાક છાત્રોએ ૧૯૮૦-૮૧ ની બેચનાં તમમ વિદ્યાર્થીઓનો મેળાવડો ગોઠવવા વિચાર કર્યો અને અમલમાં મુકતા તમામ પૂર્વ છાત્રો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. શેઠવડાળાના શિક્ષકો સર્વશ્રી પી. ટી. કાલરીયા, જેન્તીભાઇ ડઢાણીયા, જી. કે. કાંજીયા, નરેન્દ્રભાઇ વ્યાસે પોતાના કાર્યકાળ વખતે શેઠવડાળા ઉપરાંત આસપાસના ૧૪ ગામડામાં શિક્ષણની જયોત પ્રજવલિત કરવા આદરેલ કાર્યને આ તકે બિરદાવવામાં આવેલ. ભૂતપૂર્વ વિદ્યાર્થી વજુભાઇ દવેએ ગુરૂજનો પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યકત કરેલ. શિરીશભાઇ ભટ્ટ અને એમ. ટી. ડઢાણીયાએ પણ જુની સ્મૃતિઓ વાગોળી હતી. લલોઇ ગામના પૂર્વ વિદ્યાર્થી ગાગીયાએ પણ એ સમયની યાદો તાજી કરેલ. શેઠવડાળા હાઇસ્કુલમાં ભણેલા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુમત યોગદાન આપનાર જેતપુર ગાદી સ્થાનના મહંત નિલકંઠસ્વામી તથા વડતાળ મંદિરના મહંત દેવસ્વામીએ પણ વિડીયો કલીપના માધ્યમથી ગુરૂજનોને વંદના કરી હતી. કાર્યક્રમના અંતમ ચરણમાં ભૂત પૂર્વ આ વિદ્યાર્થી ભાઇ બહેનોએ એક બીજાને જે નીક નામથી બોલાવતા તેવા નામોથી સંબોધન કરતા કાર્યક્રમમાં બે ઘડી માટે હાસ્યનું મોજુ પ્રસરી ગયુ હતુ. અંતમાં પ્રાર્થના સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો. 

(3:31 pm IST)