Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

આજે પણ મેઘાણીજીનું સાહિત્ય જીવંત ને જાગૃત છે, તેઓ લોકમાનસ-લોકહૃદયમાં સાહિત્ય થકી હંમેશા જીવંત છે

આવતી કાલે ૨૮મી ઓગષ્ટ એટલે રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ. આજના દિવસે શહેર પોલીસમાં ફરજ બજાવતાં પીએસઆઇ એમ. બી. ગઢવી કે જેઓ કવિ આશના ઉપનામથી લેખન કરે છે તેમણે મેઘાણીજીને શાબ્દીક શુભેચ્છાઓ પાઠવી છે.

 વસુંધરાના રાષ્ટ્રીય શાયરને નમન કરવાનું વર્ષ છે. આજથી સવાસો વર્ષ પહેલા ગુજરાતી સાહિત્યને મેઘાણીજી જેવા સાહિત્યના સાચા પારખું માણસ મળ્યા અને ગુજરાતી સાહિત્ય ધન્ય થઇ ગયું. ઝવેરચંદ કાળીદાસ મેઘાણી એટલે આપણા મન મસ્તીષ્કમાં અકબંધ થયેલા રાષ્ટ્રીય શાયર...ગાજે સમંદરના પાણી ઘટો ઘટ એમ મેઘાણી.

પહાડનું બાળક, પાંચાળની ભૂમિનો પ્રાણ, રાષ્ટ્રીય શાયર, કલમના કસબી, શ્રેષ્ઠ સંપાદક, વિવેચક વાર્તાકાર , કવિ, લેખક, આજીવન પ્રવાસી,અદભુત વકતા, ઉત્તમ સાહિત્યકાર , લોકગાયક,લોકનાયક અને લોકસાહિત્યનો મર્મજ્ઞ વણિક, આપણા સાહિત્ય ની સૌથી અમૂલ્ય ઝવેરાત એટલે આપણા સૌના વંદનીય સાહિત્યકાર મેઘાણીજી.

મેઘાણીજી ઉત્તમ લેખક અને કવિની સાથે સાથે શ્રેષ્ઠ સંપાદક રહ્યા. જે તે સમયમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયેલ ઝવેરચંદ મેઘાણીજીના સાહિત્યમાં જમીન સાથે જોડાયેલી વિગતો, ખાનદાની, ખુમારી, નારી ગૌરવ, દેશની અસ્મિતા, ગરીબ અને વંચિતો માટેની લાગણી, બહારવટિયાઓ, દાતારો, સંતો , શુરાઓ, કવિઓ, કલાકારો, સાહિત્યકારો અને દેશસેવાની જેવા તમામ વિષયોની માહિતી સંપાદિત થયેલી છે. સર્જન કરી અને આવી વિવિધ ઘટનાઓ સાથે જોડાયેલા મહાન વ્યકિતઓ અને પ્રકૃતિ તત્વોને પોતાની કલમ દ્વારા જગતમાં પ્રસિદ્ધ કરી એ મેઘાણજીને વંદન.

આજે પણ સાહિત્યને થોડું ઘણું વાંચનારા અને સમજનારા લોકોમાંથી મોટા ભાગના લોકો એવા હશે જેમને મેઘાણીજીનું સાહિત્ય પસંદ હશે અને વાંચ્યું હશે જે બાબત તેમના અને તેમના સાહિત્ય પ્રત્યેનો વાચકોનો આદરભાવ સૂચવે છે. ચોટીલાના ડુંગરમાં અને માતાજી ચામુંડાના ખોળામાં જન્મેલું અને ઉછરેલું, અને ધરતીનું ધાવણ ધાવેલા આ બાળકે મરતા સુધી પોતાનું માઉન્ટેન સ્પીરિટ જાળવી રાખ્યું છે.

દરબાર વાજસુર વાળાના સાનિધ્યમાં રહી સાહિત્યની દીક્ષા લઇને ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને પત્રકાર જગત આજીવન એમનું ઋણી રહી શકે એવું ઉત્તમ કાર્ય સાહિત્યના આ મહાન વિદ્વાન દ્વારા થયું છે.  ગુજરાતી સાહિત્ય અને એનું લોકસાહિત્ય આવા કોઈ વિદ્વાન વિનમ્ર ટપાલીની રાહ જોતું આજે પણ ઊભું છે.

એમની સાહિત્ય સેવા અને યાદગાર સાહિત્યની વાત કરીએ તો સૌરાષ્ટ્રની રસધાર ,સોરઠી બહારવટિયાના બધા જ ભાગો, કંકાવટી, વેવિશાળ, યુગવંદના,તુલસી ક્યારો, માણસાઇના દીવા, સોરઠી સંતો, રઢીયાળી રાત ,ચુંદડી, હાલરડા, વિલોપન, જેલ ઓફીસની બારી, દરિયાપારના બહારવટિયાઓ ,ધરતીનું ધાવણ, સોરઠ તારા વહેતા પાણી, વસુંધરાના વ્હાલા દવલા, પલકારા, રાઁ ગંગાજળિયો, સમરાંગણ, ચારણ કન્યા સહિત અઢળક નામો સામે આવી જાય છે.

ઝવેરચંદ મેઘાણીની નવલકથાઓ વાંચ્યા પછી ઐતિહાસિક અને સામાજિક ઘટનાઓની અદભુત વિગતો, મૂલ્યો આપણી સામે આવીને ઉભા રહે. મેઘાણીજીનું અઢળક સંપાદન અને સર્જન છે. આજે પણ સોરઠના એખમીરવંતા બહારવટિયાઓ, સોરઠ ના સંતો, સૌરાષ્ટ્રની પરંપરા, ખારવાના જીવનની વાતો, ભાઈ બહેનનો પ્રેમ, દેશ ભકિત અને શૌર્યથી ઉભરાતા ગીતો, દાતારી, ખાનદાની અને ખુમારીની વાતો અને એમનું પત્રકાર જગત, તેમના સંપાદકીય લેખો એ બધુ જેટલું વાંચો એટલું ઓછુંગણાય.

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની સોરઠી બહારવટિયા, યુગવંદના, કંકાવટી, સૌરાષ્ટ્રની રસધાર, રઢિયાળી રાત, ચારણ કન્યા...રકત ટપકતી સો સો ઝોળી...કસુંબીનો રંગ... સહિતની રચનાઓ વિશે તો શું કેહવું બાપ...એક વાણિયાની સાહિત્ય માથે કેવડી કૃપા. આપણે વંદન સાથે એટલું કહીએ કે-

છંદ, ગીતાં ને સોરઠા, સોરઠ સરવાણી, રોયા રાતા આંશુએ, મરતા મેઘાણી.

સાહિત્યનું એટલું અદ્દભુત ખેડાણ મેઘાણીજીએ કર્યું છે કેએમનું સાહિત્ય હંમેશા નવું અને સમાજને ઉપયોગી થઈ પડે એવું આજે પણ લાગે છે. સાંપ્રત સમયમાં પણ મેઘાણીનું સાહિત્ય જીવંત અને જાગૃત છે. આજે પણ આપણી પરંપરાના સંતો, બહારવટિયાઓ, રાજાઓની વાતો આપણને વારંવાર વાંચવાની ઈચ્છા થાય છે. યુગવંદનાના એક એક ગીત આપણને આજે પણ રસ તરબોળ કરી શકે છે.મેઘાણીજી લોકમાનસમાં અને લોક હૃદયમાં એમના સાહિત્ય થકી હંમેશા જીવંત છે.

મેઘાણીજી સમગ્ર સાહિત્ય ઉપર આપનો ઉપકાર ભુલાય એમ નથી. આપનો સાહિત્ય પ્રત્યેનો પ્રમ યાદ કરીએ તો આંખો ભીની થઇ જાય. ગુર્જરી ભાષાના સાચા સાહિત્ય સાવજને એમની જન્મ શતાબ્દીના પ્રસંગે વંદન કરી ધન્યતા અનુભવું છું.

-મહેશ ગઢવી 'કવિ આશ'

પીએસઆઇ રાજકોટ શહેર પોલીસ

મો.૬૩૫૨૦ ૧૪૮૮૯

(3:30 pm IST)