Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રેશનીંગ દુકાનદારો કંટાળ્યા... હવે આર્થિક બોજ પરવડે તેમ નથી : છ મહિનામાં પ૦ દુકાનદારોના રાજીનામા

નવેમ્બર પછી તો રાજીનામાના ઢગલા થશેઃ રાજયભરમાં આ સ્થિતિ : રાજકોટના મોટા ભાગના પ્રાંત પાસે રાજીનામા પડયા છેઃ અમુક દુકાનદારને તો મહિને રર૦૦ની માંડ આવક થાય છે!!

રાજકોટ, તા., ૨૭: રાજકોટ શહેર-જીલ્લામાં સસ્તા અનાજની ૭૦૦ થી વધુ દુકાનો આવેલી છે. પરંતુ રાજયના પુરવઠા તંત્રે એક પછી એક લીધેલા નિર્ણયો, કમીશનમાં કોઇ વધારો ન કર્યો અને સાયલન્ટ હજારો રેશનીંગ કાર્ડ ધડાધડ રદ કરી નાંખતા આની ગંભીર અસર પુરવઠાના આ દુકાનદારો ઉપર પડી છે અને છેલ્લા ૬ મહિનામાં રાજકોટ શહેર-જીલ્લામાં ૪૫ થી ૫૦ જેટલા દુકાનદારોએ ધંધો નથી કરવો કે અન્ય કારણો આપી પ્રાંત સમક્ષ રાજીનામા ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. આવુ ખુદ પુરવઠાના અધિકારી સુત્રો કહી રહયા છે.

આ ઉપરથી વિચાર કરો કે રેશનીંગ દુકાનદારોની હાલત આર્થિક રીતે સાવ કથળી ગઇ છે. દુકાનદારો ખુદ કહી રહયા છે. હવે આર્થિક બોજ પરવડે તેમ નથી. વડાપ્રધાન અન્ન સહાય યોજના નવેમ્બરમાં પુરી થાય છે અને નવેમ્બર પછી તો રાજીનામાના ઢગલા થશે. એકલા રાજકોટમાં નહી પરંતુ રાજયભરમાં આ સ્થિતિ છે અને નવેમ્બર પછી રાજયભરમાં એકી સાથે રાજીનામા પડે તો નવાઇ નહી તેમ સુત્રોએ કહયુ હતું.

રાજકોટના મોટા ભાગના પ્રાંત પાસે રેશનીંગ દુકાનદારોના રાજીનામા પડયા છે. વાત એવી બહાર આવી છે કે અમુક દુકાનદારોને તો મહિને કમીશનની માંડ રર૦૦ની આવક થાય છે. સસ્તા અનાજની દુકાનો અને તેઓના બીઝનેસ અંગે રાજય સરકાર જો ગંભીરતાથી નહિ વિચારે તો આના પરીણામ પણ ગંભીર આવશે તે હકીકત છે. 

(3:25 pm IST)