Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાજકોટમાં ઇન્ડો અમેરિકન પધ્ધતિથી ૧૦૦ બેડની મુવેબલ પેરાશૂટ હોસ્પિટલનું નિર્માણ કરશે

સંભવિત ત્રીજી લહેર પહેલા ચૌધરી હાઇસ્કૂલમાં હોસ્પિટલ માટે કલેકટર અરૂણ મહેશ બાબુની આગેવાનીમાં તૈયારી

રાજકોટ તા. ર૭: કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલાં રાજકોટમાં ઇન્ડો અમેરિકન પધ્ધતિથી ૧૦૦ બેડની મુવેબલ પેરાશૂટ હોસ્પિટલનું નિર્માણ કરવા માટે કલેકટર અરૂણ મહેશ બાબુની આગેવાનીમાં તૈયારી શરૂ કરી દેવાઇ છે.

ખાસ કરીને બેડની અછત ન સર્જાય તે દિશામાં પગલાં લેવાઇ રહ્યા છે. જેમાં રાજકોટ તંત્ર દ્વારા દેશભરમાં સૌ પ્રથમ રાજકોટમાં ઇન્ડો અમેરિકન પદ્ધતિથી ૧૦૦ બેડની મૂવેબલ પેરાશૂટ હોસ્પિટલ બનાવવાનું આયોજન કરાયું છે.

કોરોનાની ત્રીજી લહેરમાં સિવિલ હોસ્પિટલની બહાર મંડપ ઉભા કરીને તેમાં દર્દીઓને સારવાર આપવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી મંડપની જગ્યાએ ગણતરીની મિનિટમાં જ આઇ.સી.યુ.માં ઉપલબ્ધ હોય તેવી સુવિધા સાથે હોસ્પિટલનો જ રૂમ હોય તેવી આબેહૂબ વ્યવસ્થા ઉભી થઇ જાય તેવી ટેકનોલોજીયુકત વ્યવસ્થા કલેકટર અરૂણ મહેશ બાબુ કરાવી રહ્યા છે.

કલેકટરે જણાવ્યું હતું કે, રાજકોટની ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં ઇન્ડો અમેરિકન ફાઉન્ડેશન દ્વારા ૧૦૦ બેડની પૈરાશૂટ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. આ હોસ્પિટલ જરૂર પડયે તરત જ ઉભી થટઇ જશે અને તરત જ વાઇન્ડ અપ પણ કરી શકાશે. આ બાબતે આગામી ટૂંક સમયમાં કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આવી હોસ્પિટલ પેરાશૂટ આધારિત હોય છે. 

(3:25 pm IST)