Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

શહેર પોલીસે આરટીપી એપ્લીકેશનથી પાંચ મહિનામાં ૩૦૪૯૭ ઇ-ચલણ દ્વારા ૧.૮૬ કરોડનો દંડ વસુલ્યો

ઓન સ્પોટ, કોન્ટેકટલેસ, પેપરલેસ અને કેશલેસ ટ્રાફિક ચલણ સિસ્ટમમાં નવા દંડ પણ ઉમેરાયા : કુલ ૧,૮૬,૫૯,૩૫૦નો દંડ વસુલાયો : વાહન ચાલકો ગૂગલ પે, પેટીએમ, ભીમ, ભારત પે સહિતની એપ્લીકેશનથી દંડ ચુકવી શકે છે

રાજકોટ તા. ૨૭: શહેર પોલીસ દ્વારા બનાવાયેલી ટ્રાફિક પોલીસ એપ્લીકેશનને અપડેટ કરાવી ઇન-બિલ્ટ ડેટા એનાલિટિકલ ટૂલ સાથે રોકડ અને ઇ-ચલણ જેવા અન્ય પેમેન્ટ મોડ્સ સાથે ઓન સ્પોટ, કોન્ટેકટલેસ, પેપરલેસ અને કેશલેસ ટ્રાફિક ચલણ સિસ્ટમનો રોલ આઉટ સફળતા પુર્વક પુર્ણ કરાવી આ પ્રકારની સિસ્ટમ ભારતમાં પહેલી વખત બનાવવામાં આવી હતી. ૨૧મી જાન્યુઆરીથી આ સિસ્ટમના વપરાશની શરૂઆત થઇ હતી. છેલ્લા પાંચ મહિનામાં પોલીસે અપડેટ કરેલી આરટીપી એપ્લીકેશનની મદદથી કુલ ૩૦,૪૯૭ ઇ-ચલણ જનરેટ કરી રૂ. ૧,૮૬,૫૯,૩૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

સમગ્ર વિશ્વ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું છે. ત્યારે આ સમયમાં સંપર્ક વિહોણી ચુકવણીની પ્રણાલીનુ મહત્વ વધી જાય છે, આ એપ્લિકેશનમાં દંડ માટે એમ.વી એકટ સહિત નવા હેડ, એટલે કે માસ્ક, સોશિયલ ડીસ્ટન્સીંગ ઉમેરવામાં આવેલ છે. આ પાયલોટ પ્રોજેકટના અભ્યાસમાં બગ્સ અને ખામીઓના મુદ્દાઓને પણ સફળતાપૂર્વક દુર કરવામાં આવ્યા છે. જે સામાન્ય રીતે નવી સિસ્ટમના સ્વરૂપમાં સામેલ કરવામાં આવેલ હોય.રાજકોટ સીટી પોલીસ દ્વારા આર.ટી.પી એપ્લિકેશન અપડેટ કરવામાં આવેલ જે મૂળ ટ્રાફિક ચલણ મોડ્યુલ અને હાજરીની મોનીટરીંગ એપ્લિકેશન હતી, જેમાં ટ્રાફિક પોલીસ UPI (યુ.પી.આઈ)આધારિત ક્યુઆર કોડનો ઉપયોગ કરીને દંડ આપી શકે છે અને ઓનલાઇન કેસ રીસીપ્ટ, મેસેઝ તથા ઓનલાઇન ચલણ અને પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે સંપર્ક વિહોણી અને કેશલેસ ચુકવણીની રીત છે. ટ્રાફિક ચલણના ઇન્ટરનેટ બેંકિંગ મારફતે રોકડ અને ઓનલાઇન ચુકવણી જેવા ચુકવણીના અન્ય માધ્યમો પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

ત્યારબાદ તા. ૨૧/૦૧/૨૦૨૧ થી તા. ૨૩/૦૩/૨૦૨૧ સુધી ટ્રાયલ બેઈઝ પર રાખવામાં બાદ એપ્લિકેશનમાં આવતી ક્ષતીઓ દૂર કરી બાદ RTP એપ્લિકેશન ગુગલ પે, પેટીએમ, ભીમ, ભારત પે જેવી તમામ લોકપ્રિય એપ્લિકેશનોથી દંડ ચૂકવી શકે છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓના દરેક ફોન પર આ સિસ્ટમ તૈનાત કરવામાં આવેલ છે, આમ સિસ્ટમને કેન્દ્રીકૃતથી ડિસ્ટ્રિબ્યુટેડ નેટવર્ક ઓફ ડિવાઇસમાં પરિવર્તિત કરવામાં આવે છે.જયારે RTP એપ્લિકેશનથી દંડ લેવામાં આવે છે.  એ પછી એસએમએસ કરીને દંડ ભરનારને જાણ કરવામા આવે છે, જે આખી પ્રક્રિયાને પેપરલેસ બનાવે છે. RTP દ્વારા કોઇ પણ વાહન ચાલકને જ્યારે કસુર બદલ મેમો આપવામાં આવે છે. ત્યારે કસુરદારના મોબાઇલ ઉપર મેસેજ આપી હેન્ડ લેન્ડ ડીવાઇસ દ્વારા અથવા અન્ય ઓનલાઇન પેમેન્ટની સુવિધા દ્વારા દંડ વસુલ કરવામા આવે છે. ત્યારે બેન્ક કે અન્ય કોઇ મિડલમેનને કોઇપણ જાતનુ કમિશન આપવામાં આવતુ નથી.

ઓનલાઇન પેમેન્ટ લેવામાં આવે છે ત્યારે કોઇ ચોક્કસ POS (પોઇન્ટ ઓફ સેલ) નો આગ્રહ રાખવામાં આવતો નથી. આમ RTP એપ્લિકેશન રાજકોટ શહેર ખાતે અસરકારક અને ઉપયોગી સાબીત થઇ છે.

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તા ૨૪/૦૩/૨૦૨૧ થી આજદિન તા.૨૬/૦૮/૨૦૨૧ સુધી કુલ ૩૦,૪૯૭ ઇ-ચલણ જનરેટ કરવામાં આવ્યા છે. જેમા કેસ ચલણ ૧૮,૨૦૩ અને QR આધારીત ચલણ ૧,૪૪૦ તથા ઇ-ચલણ ૧૦,૮૫૪ જનરેટ કરવામાં આવ્યા છે. જેમાં કેસ ચલણનો દંડ રૂ.૯૨,૫૪,૯૫૦ તથા QR ચલણનો દંડ રૂ. ૭,૯૮,૫૦૦,  ઇ-ચલણનો દંડ રૂ.૮૬,૦૫,૯૦૦ મળી કુલ રૂ. ૧,૮૬,૫૯,૩૫૦ તથા ઇ-ચલણ વગર દંડ રૂ. ૧,૦૦,૫૩,૪૫૦ વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નીયમોનું ઉલ્લંઘન કરાતા તેની પાસેથી વસુલ કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સુચનાથી જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ એપ્લીકેશનને અપડેટ કરાવાઇ હતી.

(3:18 pm IST)