Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અજાણ્યા શખ્સના ચશ્મા કાઢી લેવાની મશ્કરીને લીધે મારામારીઃ ત્રણને ઇજા, એકનો હાથ ભાંગ્યો

નરસંગપરામાં બનાવઃ રવિ, સંજયને ઇજાઃ પ્રતાપભાઇના હાથમાં ફ્રેકચરઃ અગાઉ સંજયના એક મિત્રએ અજાણ્યા શખ્સના ચશ્મા કાઢી મશ્કરી કરી હોઇ તેનો ખાર રાખી લાકડીથી ફટકાર્યા

રાજકોટ તા. ૨૭: અગાઉ નસરંગપરામાં એક યુવાનના ચશ્મા કાઢી લઇ મશ્કરી કરવામાં આવી હોઇ તેનો ખાર રાખી ગત રાતે ત્રણ મિત્રો પર લાકડીથી હુમલો થયો હતો. જેમાં એકનો હાથ ભાંગી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર પરસાણાનગર-૬માં રહેતાં અને મજૂરી કામ કરતાં રવિ વિનોદભાઇ કબીરા (ઉ.વ.૨૨) તથા તેના મિત્ર સંજય મીઠાભાઇ પરમાર (ઉ.૩૦) અન સોરઠીયા પ્લોટના પ્રતાપભાઇ સોમાભાઇ આમલ (ઉ.વ.૪૫)ને રાતે સાડા નવેક વાગ્યે નરસંગપરા નદી કાંઠે ઇંડાની રેંકડીએ નાસ્તો કરીને નીકળ્યા ત્યારે અજાણ્યા શખ્સોએ ધોકાથી માર મારતાં ઇજાઓ થતાં રવિને અને પ્રતાપભાઇને સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ પ્ર.નગરમાં જાણ કરી હતી.

રવિના મિત્ર સંજયના કહેવા મુજબ અગાઉ પોતે મિત્રો સાથે નરસંગપરામાં ગયેલા ત્યારે એક મિત્ર મેહુલે અજાણ્યા શખ્સના ચશ્મા કાઢી લઇ મશ્કરી કરી હતી. ત્યારે માથાકુટ થઇ હતી. ગઇકાલે પોતે, રવિ સહિતના નાસ્તો કરવા ગયા ત્યારે એ જ અજાણ્યા મળી ગયા હતાં અને પોતાના પર હુમલો કરાયો હતો. જેમાં પોતાને અને રવિને મુંઢ ઇજા થઇ હતી જ્યારે પ્રતાપભાઇનો જમણો હાથ ભાંગી ગયો હોઇ ઓપરેશન કરાવવું પડ્યું છે.

(1:02 pm IST)