Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાજકોટમાં જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ અંતર્ગત પોલીસ કમિશનરનું નવું જાહેરનામુ

કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાશે, મટકી ફોડના કાર્યક્રમોની મનાઇઃ આઠમે રથયાત્રામાં ૨૦૦ લોકો જ જોડાઇ શકશે

મર્યાદિત રૂટ પર મર્યાદિત વાહનોને જ છુટઃ જન્માષ્ટમી નિમીતે એક દિવસ પુરતો કર્ફયુ રાતે ૧થી લાગુ પડશેઃ મનોજ અગ્રવાલ : ગણેશ મહોત્સવ ૯ થી ૧૯ સપ્ટેમ્બર સુધી ઉજવી શકાશેઃ સાર્વજનિક પંડાલોમાં ૪ ફુટની અને ઘરમાં ૨ ફુટની ગણેશજીની મુર્તિ સ્થાપિત કરી શકાશેઃ આ દિવસોમાં કર્ફયુ રાતે ૧૨ વાગ્યાથી લાગુ પડશે :પંડાલોમાં પૂજા, આરતી, પ્રસાદ વિતરણની છુટઃ બીજા ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોની મનાઇઃ સ્થાપન-વિસર્જનમાં એક જ વાહનમાં ૧૫ લોકો જ જોડાઇ શકશેઃ બને તો સ્થાનિક સત્તામંડળે બનાવેલા કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવું

રાજકોટ તા. ૨૭: કોરોના વાયરસ અંતર્ગત બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં રાજ્ય સરકારના આદેશ મુજબ સુધારા કરી નવુ જાહેરનામુ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે બહાર પાડ્યું છે. જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવના તહેવારની ઉજવણી અંતર્ગત રાત્રી કર્ફયુમાં અપાયેલી છુટછાટ અંગે આ જાહરેનામુ બહાર પાડવામાં આવ્યું છે જેમાં અમુક નિયંત્રણો મુકવામાં આવ્યા છે.  જેમાં જન્માષ્ટમીની પારંપારિક શોભાયાત્રા મર્યાદિત રૂટ પર ૨૦૦ લોકો સાથે અને મર્યાદિત વાહનો સાથે યોજવાની છુટ અપાઇ છે.  જો કે મટકીફોડના કાર્યક્રમો યોજવા માટે મંજૂરી આપવામાં આવી નથી.

૩૦/૮ના રોજ જન્માષ્ટમીના દિવસે રાતના ૧૨:૦૦ કલાક સુધી પરંપરાગત રીતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવાની રહેશે. મંદિર પરીસરોમાં એક સમયે મહત્તમ ૨૦૦ લોકો જ અંતર જાળવી દર્શન કરી શકશે. માસ્ક ફરજીયાત પહેરવાના રહેશે અને ગોળ કુંડાળા (સર્કલ) કરી તેમાં ઉભા રહી દર્શન કરવાના રહેશે. જન્માષ્ટમીના તહેવાર સંદર્ભે મહત્તમ ૨૦૦ લોકો સાથે મર્યાદિત રૂટ પર પારંપારિક રીતે નીકળતી શોભાયાત્રાનું મર્યાદિત વાહનોમાં આયોજન કરી શકાશે. આ ઉપરાંત ગૃહ વિભાગના હકુમ મુજબ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે ધાર્મિક સ્થાનો માટેની માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

જન્માષ્ટમી તહેવાર સંભર્દે મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહિ. શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકાય તે માટે માત્ર આઠમની રાતે કર્ફયુ ૧:૦૦ વાગ્યે લાગુ થશે.

આ ઉપરાંત આગામી તા. ૯/૯થી તા. ૧૯/૯ સુધી શ્ર ગણેશ મહોત્સવ દરમિયાન પણ નિયમો-નિયંત્રણો બનાવાયા છે. જે આ મુજબ છે-સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ૪ ફુટની અને ઘરમાં મહત્તમ ૨ ફુટની ગણપતિની મુર્તિનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક મહોત્સવમાં પંડાલ-મંડપ શકય હોય તેટલો નાનો રાખવાનો રહેશે. તેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે આયોજકોએ ગોળ કુંડાળા બનાવી દર્શનની વ્યવસ્થા ગોઠવવી પડશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પૂજા, આરતી, પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઇ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ.

ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ લોકો એક જ વાહનમાં સ્થાપન અને વિસર્જન માટે જઇ શકશે. ઘરે સ્થાપન કરાયું હોય તો ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવું વધારે હિતાવહ ગણાશે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવાયેલા નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. કૃત્રિમ કુંડ ખાતે પણ વિસર્જન વખતે ભીડ એકઠી કરવી નહિ.  ગણેશ મહોત્સવ દરમિયાન એટલે કે તા. ૯ થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફયુ રાતે ૧૨:૦૦ વાગ્યાથી લાગુ પડશે. જો કે ગણેશ પંડાલ-મંડપમાં દર્શનનો સમય રાતે ૧૧:૦૦ સુધીનો જ રહેશે. બંને મહોત્સવની ઉજવણીમાં સરકારની માર્ગદર્શિકા અને પોલીસના જાહેરનામાનો કડક અમલ કરવાનો રહેશે. જેનો ભંગ કર્યે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

(1:00 pm IST)