Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કોઠારીયા સોલવન્ટ પાસેની કરોડોની સરકારી જમીનમાં ઘુસણખોરીમાં અંતે નિવૃત ફોૈજી સહિત ૪ સામે ફોજદારી

કલેકટરના વડપણ હેઠળની સમિતીની ચર્ચા બાદ મામલતદાર કથીરીયાએ આજીડેમ પોલીસમાં ગુનો દાખલ કરાવતાં એસીપી રાઠોડે તપાસ શરૂ કરીઃ બે શખ્સોને પુછતાછ માટે ઉઠાવી લેવાયા : માજી સૈનિક ચંદુ કોઠીયા, સુખા ટીલાળા, દિલીપ મશરાણી તથા મહેન્દ્ર રાજવીર સામે લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ કાર્યવાહી

રાજકોટ તા. ૨૭: શહેરના કોઠારીયા સોલવન્ટ ફાટક નારાયણ સ્કૂલ પાસે આવેલા કોઠારીયા ગામના સવ.ર્ે નં. ૨૫૯ અને ૨૬૨ પૈકીની યુએલસીની ફાજલ જમીન તથા સર્વે નં. ૩૫૨ પૈકીની સરકારી ખરાબાની આશરે અડધા અબજની સરકારી જમીનમાં નિવૃત ફોૈજી સહિતના ચાર શખ્સોએ ઘુસણખોરી કરી કબ્જો જમાવી ૧૯ શેડ ઓૈદ્યોગીક હેતુ માટે ઉભા કરી તેમજ વંડા વાળી લઇ દબાણ કર્યુ હતું. જેના બોગસ દસ્તાવેજો પણ બનાવી વેંચાણ દસ્તાવેજ કરી કોૈભાંડ આચરાયું હતું. આ તમામ સામે મામલતદાર દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવતાં પોલીસે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરી બેથી ત્રણ આરોપીઓને પુછતાછ માટે ઉઠાવી લીધા છે.

આ કોૈભાંડમાં પોલીસે કુવાડવા રોડ વૃંદાવન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૨માં રહેતાં અને રાજકોટ તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતાં મુળ જુનાગઢનાશ્રી કે. એમ. કથીરીયાની ફરિયાદ પરથી ચંદુ કોઠીયા, સુખા ટીલાળા, દિલીપ મશરાણી, મહેન્દ્ર છોટાલાલ રાજવીર અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ ૪ (૧), ૪ (૨), ૫ (ગ) મુજબ ગુનો નોંધ્યો છે.

મામલતદારશ્રી કથીરીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે કોઠારીયાની સરકારી જમીન સર્વે નં. ૨૫૯ અને ૨૬૦ તથા ૨૬૨ પૈકીની યુએલસી ફાજલ સરકારી જમીન તથા સર્વે નં. ૩૫૨ પૈકીની સરકારી જમીનમાં ઉપરોકત આરોપીઓએ ઘુસણખોરી કરી ૧૯ શેડ ઉભા કરી દીધા હતાં. તેમજ ઓૈદ્યોગિક હેતુ માટેના બીજા ચાર શેડ અને ખુલ્લા વંડા બનાવી લઇ સરકારી જમીન પચાવી પાડવા દબાણ કર્યુ હતું.

ફરિયાદમાં જણાવાયું છે કે સુખા શામજીભાઇ ટીલાળા જે માજી સૈનિક છે તેને ખબર હતી કે આ જમીન સરકારી છે આમ છતાં તેણે બીજા સાથે મળી છ શેડ બનાવી ભાડે આપી દીધા હતાં. ચંદુ કોઠીયાએ સરકારી જમીન પર અનઅધિકૃત કબ્જો જમાવી કબ્જા ભોગવટાનો હક્ક બતાવી તબદીલી કરાવી જમીન પચાવી પાડી હતી. દિલીપ એચ. મશરાણીએ પણ જમીનનો ગેરકાયદેસર કબ્જો કરવા વેંચાણો ઉભા કરી જમીન પચાવી પાડવાની પ્રવૃતિ કરી હતી. જ્યારે મહેન્દ્ર છોટાલાલ રાજવીરે પણ પોતાનો આ જમીન પ્રત્યે માલિકી હક્ક ન હોવા છતાં ગેરકાયદેસર રીતે કબ્જો જમાવવા વેંચાણો ઉભા કરી જમીન પચાવી પાડવાની પ્રવૃતિ કરી હતી.

આ મામલે કલેકટરશ્રીના વડપણ હેઠળની સમિતીએ ચર્ચા કરી ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં મામલતદારશ્રીએ આજીડેમ પોલીસમાં ફરિયાદ આપી હતી.

નિવૃત ફોૈજી ચંદુ સખીયાએ છ શેડ ઉભા કરી દીધા હતાં અને ભત્રીજા સાથે ભાગીદારમાં સબમર્શીબલનું પમ્પના પાર્ટસ બનાવવાનું કારખાનુ શરૂ કરી દીધું હતું. ચંદુ કોઠીયાના નિવેદનથી જાણવા મળ્યું હતું કે મહેન્દ્ર રાજવીરે યુએલસીમાં પોતાની જમીન ફાજલ થતાં અરસ પરસના સમજુતી કરાર કરી ચોથા આરોપી દિલીપ મશરાણીને ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર પહોંચ કમ સમજુતી કરાર કરી રૂ. ૪૧.૬૦ લાખના છેવટના કબ્જેદાર તરીકે ચંદુ કોઠીયાને જમીન વેંચી હતી. આ જમીન પર બાર જેટલા પાકકા બાંધકામ અને સાત શેડ બનાવાયા હતાં. તંત્રના કહેવા મુજબ કુલ ૫૨૦૦ ચો.મી. જમીનમાં દબાણ કરી ૨૫ અને પેટા ગણીએ તો ત્રીસ જેટલા શેડ ઉભા કરી દેવાયા હતાં. આ જમીનની કિંમત અડધા અબજ જેવી થવા જાય છે.

ગુનો દાખલ થતાં અમુકને પુછતાછ માટે ઉઠાવી લેવાયા છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ વી. જે. ચાવડા, જાવેદભાઇ રિઝવી, સ્મીતભાઇ વૈશ્નાણી સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)