Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રીયલ એસ્ટેટ ગ્રુપ ઉપર આઈટીનું મેગા સર્ચ ઓપરેશન પૂર્ણતાના આરે

આવકવેરા વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવેલા દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની ચકાસણી શરૂ : આજે મોડી રાત્રે અથવા આવતીકાલે દરોડા પૂર્ણ કરવાનો નિર્દેશ

રાજકોટ, તા. ૨૭ : છેલ્લા દોઢ વર્ષ બાદ આવકવેરા વિભાગે કરપાત્ર રકમ શોધવા કાળુ નાણુ શોધવા રાજકોટમાં ટોચના બિલ્ડર ગ્રુપ, આર.કે. ગ્રુપ અને મારબલ તેમજ કોન્ટ્રાકટર ઉપર ૪ દિવસ પૂર્વે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

આવકવેરા વિભાગે ૪૦ સ્થળો ઉપર ૨૦૦થી વધુ આયકર અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. જે આજે ૪થા દિવસે પૂર્ણતાના આરે જઈ રહ્યો છે.

મંગળવારે વ્હેલી સવારે ઈન્વેસ્ટીગેશન વીંગ ઓફ ઈન્કમટેકસ દ્વારા રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત ૪૦થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં આર.કે. ગ્રુપના સર્વાનંદભાઈ સોનવાણી, જગદીશભાઈ સોનવાણી, ભરતભાઈ સોનવાણી, વિક્રમભાઈ લાલવાણી, સ્પાયર અને ત્રિનેત્રી ગ્રુપના પ્રફુલભાઈ ગંગદેવ, સિદ્ધાર્થભાઈ ગંગદેવ, રમેશભાઈ પાચાણી, આશીષભાઈ ટાંક, હરીસિંહ સુતરીયા તેમજ ફાયનાન્સર અને અન્ય સહયોગી ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી.

આવકવેરાના દરોડા દરમિયાન આવકવેરા વિભાગને ૪ કરોડથી વધુ રોકડ અને ૩ કિલોથી વધુ દાગીના મળી આવ્યા હતા. આવકવેરા વિભાગે અનેક સ્થળોએથી થોકબંધ સાહિત્ય કબ્જે કર્યુ હતું.

આવકવેરા વિભાગે ૪૦માંથી ૧૫ સ્થળોએ તપાસ પૂરી કરી છે. અને અન્ય જગ્યાએ હજુ તપાસ ચાલુ છે. આવકવેરા વિભાગ દ્વારા કબ્જે કરવામાં આવેલ થોકબંધ સાહિત્ય અને નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવશે. આજે મોડી સાંજે અથવા આવતીકાલે તમામ સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા પૂર્ણ થવાની શકયતા છે.

(3:18 pm IST)