Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રૈયા સ્માર્ટ સીટીની ૧૩ કરોડની જમીન પચાવી પાડવાનું કારસ્તાન છતુ : પ્લીન્થ - ફેબ્રીકેશનના બાંધકામો પર બુલડોઝર ફેરવાયુ

ટી.પી. સ્કીમ ૩૨ રૈયા (ડ્રાફટ) હેઠળ મ.ન.પા.ને મળેલા વાણિજ્ય હેતુના પ્લોટમાં ૨૭૦૦ ચો.મી.નું ગેરકાયદે બાંધકામ ખડકાઇ ગયુ ત્યાં સુધી તંત્ર ઉંઘતુ રહ્યું : રેસકોર્ષ-૨ અટલ સરોવર પાસેની કિંમતી જમીનમાં દબાણો થઇ ગયેલ

રાજકોટ તા. ૨૭ : શહેરના અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેકટ રૈયા સ્માર્ટ સીટી પૈકીના ૧૩ કરોડના કિંમતી પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરી આ કિંમતી જમીન પચાવી પાડવાનો કારસો રચ્યાનું ખુલતા મ.ન.પા.ના તંત્ર વાહકોની બેદરકારી છતી થઇ છે. જો કે આજે આ ગેરકાયદે દબાણો ઉપર મ.ન.પા.ની ટાઉન પ્લાનીંગ શાખાએ બુલડોઝર ફેરવી અને આ જમીન ખુલ્લી કરાવી હતી.

આ અંગે ટાઉન પ્લાનીંગ વિભાગની યાદી મુજબ કમિશનર શ્રી અમિત અરોરાના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વોર્ડ નં. ૧ સ્માર્ટ સીટીની ટાઉન પ્લાનીંગ સ્કીમ ૩૨ રૈયા (ડ્રાફટ)ના અનામત પ્લોટમાં થયેલ ગેરકાયદેસર દબાણ - બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૭૦૦ ચો.મી. અંદાજીત જમીન ખુલ્લી કરાવેલ છે. જેની વિગતો આ મુજબ છે.

આ ડિમોલીશન દરમિયાન ટી.પી. સ્કીમ નં. ૩૨ (રૈયા)ના ૬૩/૧/એ અંદાજીત ચો.મી. ૩૫૨૫૭ વાણિજ્ય વેચાણનો હેતુમાંથી પ્લીન્થનું બાંધકામ ૧૨૦૦ ચો.મી.નું ૬ કરોડની જમીનમાં બાંધકામ તોડી પડાયેલ.

ટી.પી. સ્કીમ નં. ૩૨ (રૈયા)ના ૬૩/૨/એ અંદાજીત ચો.મી. ૨૪૩૦૨૦ (સોશીયલ ઇન્ફ્રાસ્ટ્રકચરના હેતુ માટે ફેબ્રીકેશનનું બાંધકામ ૧૫૦૦ ચો.મી.નું ૭.૫ કરોડની જમીનમાં થયેલ બાંધકામ તોડી પડાયેલ.

આમ કુલ ૨૭૦૦ ચો.મી. બાંધકામ દુર કરી ૧૩.૫ કરોડની જમીન ખુલ્લી કરાયેલ.

આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના અધિકારી આસી. ટાઉન પ્લાનર અજય એમ. વેગડ, આર.એન.મકવાણા તથા આસી. એન્જીનિયર એડી.આસી. એન્જીનિયર સર્વયેર વર્ક આસીસ્ટન્ટ હાજર રહેલ. આ ઉપરાંત એસ્ટેટ શાખા તથા કાયદો અને વ્યવસથા જળવાઇ રહે તે માટે વિજીલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:17 pm IST)